Jan 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-733

ત્રિતલ કહે છે કે-પુરુષ-પ્રયત્નથી ભોગોના સમૂહની વાસનાને છોડી દઈ,જે પુરુષ પોતાના શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરે છે-તેનો અહંકાર નષ્ટ થાય છે.હું રાજા છું તો મારાથી ભિક્ષા શી રીતે માગી શકાય? ઇત્યાદિ પ્રકારની લજ્જા-વગેરે સઘળું બંધનકારી પાંજરું છે.એ જ્યાં સુધી સર્વના ત્યાગ-રૂપી સાધનથી ભાંગ્યું નથી,ત્યાં સુધી અહંકાર નષ્ટ થાય નહિ.

તમે બુદ્ધિથી પણ એ સઘળાનો ત્યાગ કરીને નિશ્ચલ રહો.તો અહંકારનો લય થાય,એટલે તમે જ પરમ-પદ છો એમ સમજાય.છત્ર ચામરાદિક સઘળાં રાજચિહનોને,ભયને તથા સઘળી તૃષ્ણા છોડી દઈ,
એક પાઈ પણ ના હોય,તેવા ગરીબ થઇ,સઘળી લક્ષ્મીને શત્રુઓના હાથમાં સોંપી દઈ,
અહંકારને તથા દેહના અનુસંધાનને પણ છોડી દઈ તમે શત્રુઓને ત્યાં જ ભિક્ષા માગો
અને પૂર્ણ-પણાને લીધે-મારી પાસેથી પણ કશું સમજવાની ઈચ્છા વગરના થાઓ-તો સઘળા ઉત્કૃષ્ટ ગુણોને લીધે તમે પર-બ્રહ્મ-રૂપ થશો,પછી તમને સંસાર પ્રાપ્ત થવાની સંભાવના પણ રહેશે નહિ.

(૭૫) ભગીરથનો ત્યાગ

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ પ્રમાણે ત્રિતલ નામના ગુરુના મોઢેથી સાંભળી,મનમાં કર્તવ્યનો નિશ્ચય કરીને ભગીરથ રાજા પોતાનાં કામકાજો કરવા લાગ્યો.કેટલાએક દિવસો ગયા પછી,તે રાજાએ ત્યાગની સિદ્ધિ માટે
અગ્નિષ્ટોમથી માંડી વિશ્વજીત નામના યજ્ઞ સુધીની બધી ક્રિયાઓ કરી.છેવટે ત્રણ દિવસની અંદર જ પોતાનું સઘળું ધન અને દ્રવ્યોનો ત્યાગ કરીને એ ભગીરથ રાજાએ કેવળ પોતાનું જીવન જ બાકી રાખ્યું.પોતાના રાજ્યને પણ તરણાની જેમ પાડોશી રાજાને આપી દીધું.અને કેવળ લંગોટી પહેરીને પોતાના દેશમાંથી નીકળ્યો.

ધીરજવાળો તે ભગીરથ રાજા,એવાં એવાં ગામો અને જંગલોમાં રહેવા લાગ્યો કે-જ્યાં તેને કોઈ ઓળખી શકે નહિ.અને કોઈ બીજાના મોઢેથી પોતાનું નામ પણ સંભાળવામાં ના આવે.
એ પ્રમાણે થોડા કાળમાં જ જેની તૃષ્ણા શાંત થઇ ગઈ હતી,એવો તે રાજા પરમ શાંતિથી આત્મ-સ્વ-રૂપમાં
લીન થયો.ભૂમંડળ અને દ્વિપોમાં ફરતાં ફરતાં કોઈ દિવસે દૈવને આધીન થઇને એ રાજા,
શત્રુઓએ દબાવેલી પોતાની રાજધાનીમાં આવ્યો અને
ક્રમથી પ્રાપ્ત થયેલાં મંત્રીઓનાં,પ્રજાજનોનાં અને બીજાં અનેક ઘરોમાં ભિક્ષા માગવા લાગ્યો.

"આ તો ભગીરથ રાજા છે" એમ ઓળખાવામાં આવતા પ્રજાજનો અને મંત્રીઓએ ખેદ પામીને તેની ઘણી ઘણી પૂજા કરી અને "હે મહારાજ આપનું રાજ્ય આપ લો" એવી પ્રાર્થનાઓ કરી.તેમ છતાં પણ,જેને સઘળી વસ્તુઓ પર અનાદર જ હતો,એવા એ રાજાએ કેવળ ભોજન સિવાય તરણા જેવી હલકી વસ્તુનો પણ સ્વીકાર કર્યો નહિ.
"હાય,આ ભગીરથ રાજા છે અને તેણે રાજ્ય છોડી દીધું -એ બહુ ભૂંડું કર્યું છે" એમ લોકો જેનો અફસોસ કરતા હતા,એવો એ રાજા થોડા દિવસો ત્યાં ગાળીને બીજા દેશમાં ગયો.

બીજા દેશમાં પણ તે શાંત બુદ્ધિથી પોતાના આત્મામાં આરામ લેતો હતો,ત્યારે તેને અકસ્માત જ ત્રિતલમુનિનો સમાગમ થયો.અને ભગીરથ રાજા તેમની સાથે જ થોડાએક દિવસો રહ્યો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE