Jan 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-734

બ્રહ્મપણાને પામેલા અને સરખી જ સ્થિતિથી રહેલા,એ ગુરુ અને શિષ્ય બ્રહ્મનિષ્ઠપણાને લીધે
દેહના ધારણને એક જાતના વિનોદ-રૂપ જ ગણવા લાગ્યા.
"આ દેહને શા માટે રાખવો?આ દેહને છોડી દેવાથી આપણને શો લાભ થાય તેમ છે?" એવા વિચારો કર્યા પછી,
"શાસ્ત્રીય અને લૌકિક આચારને અનુસરીને આ દેહ જેમ વર્તે છે-તેમ ભલે વર્તે" એ પ્રમાણે નિશ્ચય કરીને રહેતા,
અને એક વનમાંથી બીજા વનમાં જતાં એ બંને જણ પરમાનંદ પામ્યા કે જે વિષયાનંદ તથા દુઃખોથી રહિત છે.
ધનને,વૈભવને અને પ્રસન્ન થયેલા બ્રહ્મા-આદિએ આપેલી આઠ સિધ્ધિઓને પણ તે જુના ખડ સમાન ગણતા હતા.

"કોઈ જાતની ઈચ્છા રાખ્યા વિના,જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આપને પ્રારબ્ધ ઉપર જ આ દેહને રાખવો"
એવો નિશ્ચય કરીને તેઓ પ્રારબ્ધ-કર્મથી જ રહેવા લાગ્યા.સ્પૃહા વિનાના સ્વભાવથી જ પરમ શાંતિ-વાળા અને
બ્રહ્મથી એકરસ થયેલા એ ઉત્તમ મુનિઓ પ્રારબ્ધ-કર્મ અનુસાર પ્રાપ્ત થયેલાં સુખ-દુઃખને માન આપવા લાગ્યા.

(૭૬) ભગીરથ ને પુનઃ રાજ્ય-પ્રાપ્તિ તથા ગંગાનું અવતરણ

વસિષ્ઠ ક્હે છે કે-પછી એક દિવસે,કોઈ દેશમાં, સંતાન વગરના રાજાનું મૃત્યુ થતાં,તે દેશની રાજપાલનની વ્યવસ્થા નષ્ટ થઇ હતી ત્યારે તે નગરના મંત્રીઓ નગરનું પાલન કરી શકે તેવા સદગુણોથી ભરેલા રાજાને શોધતા હતા.
તે સમયે સ્થિરતા-વાળો અને ભિક્ષા માંગતો એ ભગીરથ રાજા તેમના જોવામાં આવ્યો,
તેઓએ તેને ઓળખ્યો  ને રાજમાં લાવી તે ભગીરથ રાજાનો રાજ્યાભિષેક કર્યો.

જેમ,વર્ષા-ઋતુમાં જળથી સરોવર પૂર્ણ થઇ જાય,તેમ ક્ષણમાત્રમાં મોટી સેનાથી પૂર્ણ થયેલો એ ભગીરથ રાજા તરત હાથી પર બેઠો "રાજાધિરાજ ભગીરથ રાજાનો જાય હો" એવા શબ્દોથી લોકો બોલવા લાગતા,
તે શબ્દોથી પર્વતોની મોટીમોટી ગુફાઓ પણ ગાજવા લાગી.
એ નગરમાં રહીને રાજ્યનું પાલન કરતા એ ભગીરથ રાજા પાસે,થોડા સમય પછી,
તેના કોશલદેશની પ્રજાઓ તથા મંત્રીઓ,તેની પાસે પ્રેમથી આવ્યા અને આવીને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી.

"મહારાજ,આપ અમારા પર જે રાજાને સ્થાપી ગયા હતા,તે મૃત્યુ પામ્યો છે,એટલા માટે હવે આપે તે રાજ્યનું પાલન કરવાની કૃપા કરવી જોઈએ.જે સુખો તથા ભોગો માગ્યા વિના પ્રાપ્ત થાય,તેમનો ત્યાગ કરવો યોગ્ય નથી"

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે લોકોએ પ્રાર્થના કરતાં ભગીરથરાજાએ તેમના વચનનો સ્વીકાર કર્યો,
કે જેથી તે સાતે સમુદ્રો-વાળી પૃથ્વીનો અધિપતિ થયો.
સમતાવાળો,શાંત મનવાળો,થોડું હિત તથા સત્ય બોલનારો,રાગવિનાનો,
મત્સર વગરનો,આવી પડેલાં કર્યો કાર્ય કરતો અને તત્વજ્ઞાનને લીધે મોટા કૌતુકમાં પણ આશ્ચર્ય નહિ પામતો
એ ભગીરથ રાજા રાજ્ય કરતો હતો તે સમયમાં,પોતાના પૂર્વજો વિષે તેના સાંભળવામાં આવ્યું કે-
"કપિલમુનિના ક્રોધથી નષ્ટ થયેલા સાગર રાજાના સાથ હજાર પુત્રોની ભસ્મ,જો ગંગાજળથી પલળે તો જ
તેમનો ઉદ્ધાર થાય" એ સમયમાં ગંગાજી પૃથ્વી પર નહોતાં,
તેથી ભગીરથરાજાએ ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE