Jan 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-735

પછી તે શાંત સ્વભાવવાળો ભગીરથ રાજા,પોતાના રાજ્યને મંત્રીઓના હાથમાં સોંપી દઈને,
ગંગાજીને પૃથ્વી પર ઉતારવા માટે તપ કરવાનો નિશ્ચય કરીને નિર્જન વનમાં ગયો.
ત્યાં હજારો વર્ષોની તપશ્ચર્યાથી તેણે વારંવાર બ્રહ્માનું,શંકરનું અને જહનુમુનિનું આરાધન કરીને
ગંગાજીને સ્વર્ગમાંથી ઉતારીને પૃથ્વી પર વહેતાં કર્યાં.ત્યારથી માંડીને,જગતના પતિ સદાશિવના મસ્તક પર વિરાજનારાં-એવાં ગંગાજી આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર વહે છે.

(૭૭) ચૂડાલાનું આખ્યાન અને શિખીધ્વજનો વિવાહ

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ભગીરથ રાજાએ ધરેલા એ વિચારનો આશ્રય કરીને સમ,સ્વસ્થ તથા શાંત બુદ્ધિવાળા રહીને તમે આવી પડેલાં કાર્યો કરો.તમે પ્રથમ આ સઘળા વૈભવોનો ત્યાગ કરીને મન-રૂપી-પક્ષીને હૃદયમાં રોકીને,શિખીધ્વજની પેઠે શાંત રીતે પોતાનામાં જ નિશ્ચળ રહો.

રામ કહે છે કે-હે મહારાજ,એ શિખીધ્વજ કોણ હતો? તેને શી રીતે બ્રહ્મપદ મળ્યું હતું?
ફરી પણ બોધની વૃદ્ધિને વાસ્તે એ કથા મને કહો.
વસિષ્ઠ કહે છે કે-પરસ્પર સ્નેહને પ્રાપ્ત થયેલાં શિખીધ્વજ અને તેની રાણી ચૂડાલા,પૂર્વના દ્વાપરયુગમાં હતાં
અને હવે પછીના દ્વાપરયુગમાં પણ પાછાં એવાં ને એવાં ફરીથી થશે.
રામ કહે છે કે-જે પ્રથમના કાળમાં હતું,તે પાછું ભવિષ્યકાળમાં,તેવી ને તેવી સ્થિતિથી શા માટે થશે?

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્માદિક લોકોના સત્ય-સંકલ્પ-રૂપી-સંવિદ કે જે જગતની રચનામાં નિયમ-રૂપ છે,
તેને કોઇથી પણ અટકાવી શકાય તેમ નથી,એવો જે સ્વભાવ છે-તે જ એમ થવામાં કારણ-રૂપ છે.
જેમ તળાવમાં સરખા તરંગો પણ દેખાય છે અને પૂર્વથી જુદા તરંગો પણ દેખાય છે,
તેમ સંસારમાં સરખી વ્યવસ્થાઓ પણ દેખાય છે અને પહેલાના કરતાં જુદી વ્યવસ્થાઓ પણ દેખાય છે.
આવી જ રીતે હવે પછી કહેવાની કથાનો નાયક,શિખીધ્વજ રાજા પૂર્વે હતો
તેવો જ બીજો મહા તેજસ્વી શિખીધ્વજરાજા ભવિષ્યના દ્વાપરયુગમાં પણ થશે.

આ સૃષ્ટિમાં સાતમા મન્વન્તરની પૂર્વે યુગોની જે ચોથી ચોકડી પસાર થઇ ગઈ.તે ચોકડીના દ્વાપર યુગમાં,
કૌરવોના વંશનો શિખીધ્વજ નામનો રાજા હતો.એ રાજા જંબુદ્વિપમાં પ્રસિદ્ધ પામેલા વિન્ધ્યાચળની નજીક ઉજજન  નામના શહેરમાં રાજ્ય કરતો હતો.અનેક સદગુણોથી ભરપૂર તે રાજાએ અનેક યજ્ઞો કર્યા હતા,
સઘળા વીરલોકોને જીત્યા હતા.સ્ત્રી,વ્યસન વગેરેને તરણા જેવા તુચ્છ ગણીને પોતાનાથી દુર રાખ્યા હતા.

સઘળી કળાઓને જાણનારા એ મહાતેજસ્વી રાજાએ પોતાના પિતા સ્વર્ગવસી થયા પછી બાલ્યાવસ્થાથી જ સોળ વર્ષ સુધી દિગ્વિજયનું કામ કરીને સઘળી પૃથ્વીનું સામ્રાજ્ય મેળવ્યું હતું.એ બુદ્ધિમાન રાજા ધર્મની રીતિ પ્રમાણે પ્રજાનું પાલન કરતો હતો,શત્રુઓથી નિર્ભય થઈને રહ્યો હતો.આમ રહ્યા કરતાં તે યુવાનને ઉંબર આવી ઉભો રહ્યો.અને તેને પરણવાની ઈચ્છા થઇ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE