Jan 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-736

મંત્રીઓએ સોરઠના રાજાની પાસે તેની ચૂડાલા નામની કન્યાનું માગું કરતાં,
સોરઠના રાજાએ તે મંજુર કર્યું.અને શિખીધ્વજ રાજાએ તેની સાથે લગ્ન કર્યું.સર્વદા સાથે રહેવાને લીધે અને પરસ્પરની ચેષ્ટાઓ ઉપરના પ્રેમને લીધે,તેઓ પરસ્પરની પાસેથી શીખીને સઘળી કળાઓમાં પ્રવીણ થયાં.ચૂડાલા શિખીધ્વજના મુખેથી સઘળાં શાસ્ત્રો અને  ચિત્ર-સંગીત આદિ કળાઓનો અભ્યાસ કરીને,સઘળા વિષયોમાં પંડિતા થઇ.શિખીધ્વજ પણ ચૂડાલાના પાસેથી નૃત્ય-વાદ્ય-આદિ કળાઓ શીખી,તે કળાઓમાં મહાપ્રવીણ થયો.પરસ્પરને પ્યારાં,જેમ પુષ્પ અને સુગંધ એક બીજાથી અભિન્ન જેવાં છે,તેમ,પરસ્પરથી અભિન્ન થયેલાંએ રાજા-રાણી જાણે પૃથ્વી પર આવીને રહેલાં શિવ-પાર્વતી હોય એવાં  જણાતાં હતાં.
(૭૮) ચૂડાલાને વૈરાગ્ય અને શાસ્ત્રબોધ

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ પ્રમાણે દૃઢ પ્રેમવાળા એ જોડાએ દિવસે દિવસે વૃદ્ધિ પામતી યૌવનની લીલાઓથી ઘણાં વર્ષો સુધી વિહાર કર્યો.પણ જેમ ફૂટેલા ઘડામાંથી પાણી ટપકી જાય છે,
તેમ,ધીરેધીરે યૌવન પૂરું થતાં,એ યુગલે વિચાર  કર્યો કે-
"તરંગોના સમૂહની જેમ વિનાશ પામનારા દેહથી વ્યવહાર કરનારા જીવનું મરણ,કોઈ ઉપાયથી અટકાવી
શકાય તેમ નથી.જેમ ઇન્દ્રજાલ મિથ્યા છે,તેમ ટૂંકું થવાના સ્વભાવવાળું જીવન મિથ્યા છે.
જેમ,ધનુષ્યમાંથી છૂટેલાં બાણ,દૂરદૂર ચાલ્યાં જાય છે,તેમ,સુખ-સાધનો દૂરદૂર રહ્યા કરે છે.

જેમ,માંસ પર ગીધો ઝડપ નાખે છે તેમ,તૃષ્ણા અને દુઃખો ચિત્ત પર ઝડપ નાખ્યા કરે છે.
જેમ પાણીનો પરપોટો ઘડીક સમય માટે જ હોય છે તેમ શરીર પણ ઘડીક સમય માટે જ રહે છે.
જેમ,કેળનો ગર્ભ સાર વિનાનો છે,તેમ સંસાર સંબંધી વ્યવહાર પણ સાર વિનાનો છે.
જુવાની તરત જતી રહે છે,શોક,મનને તપાવ્યા કરે છે-તો હવે આ સંસારમાં શુભ આકાર-વાળો,
અતિ સુંદર કયો પદાર્થ છે-કે જેણે પામીને ચિત્ત ફરીવાર ગમે તેવી દુર્દશામાં પણ ખેદ પામે નહિ?
આપણે એ પદાર્થ જ મેળવવો યોગ્ય છે"

આ પ્રમાણે વિચાર કરીને અને નિર્ણય લઈને તે રાજા-રાણીએ વેદાંત-શાસ્ત્ર-રૂપી-ઔષધિનું સેવન કર્યું,
"કેવળ આત્મજ્ઞાનથી જ આ સંસાર-રૂપી-રોગ દૂર થાય છે."એવો મનથી નિશ્ચય કરીને તે દંપતી -
શાસ્ત્રોમાં જ તત્પર,તેમાં જ ચિત્ત રાખનારાં,તેમાં જ ખરું જીવન સમજનારાં,અને તેમાં જ નિષ્ઠાવાળાં,
તે શાસ્ત્રોને જાણનારાઓનો જ આશ્રય કરનારાં,અને બ્રહ્મવિદ્યાને મેળવવા માટે ઉદ્યોગ કરનારાં થયાં.
શાસ્ત્રોનો અભ્યાસ કરતાં પરસ્પરને એ શાસ્ત્ર-સંબંધી જ સમજણ આપવા લાગ્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE