Jan 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-739

\બ્રહ્માથી માંડીને તરણા સુધી પ્રાણીઓના કર્મોના સમૂહો,કર્મોના ફળના સમૂહો,કર્મોના સાધનોના વ્યાપારો ને વૃથા ચેષ્ટાઓ પણ બ્રહ્મ જ છે,બીજું કંઈ નથી.જેમ બાળકે બનાવેલી માટીની સેના-એ સેના માત્ર જ છે,
તેમ,સુર-અસુર-દ્રષ્ટા-દૃશ્ય-આદિ સઘળા વિશેષો-વાળું આ જગત પણ બ્રહ્મ જ છે,માટે તે કૃત્રિમ નથી.
"આ માત્ર એકત્વ છે,આ દ્વિત્વ છે,આ હું છું અને આ હું નથી" ઇત્યાદિ પ્રકારનો મોહ શો છે? તે શી રીતનો છે? કોને થયો છે?શાથી થયો છે? અને ક્યાં થયો છે?
આ કશું એ નથી,હું મર્યાદા વગરના અને શ્રમ વગરના પોતાના પારમાર્થિક રૂપને પામીને શાંત થઇ છું
અને સંસાર-રૂપ તાપને દુર કરીને તથા મોક્ષનું સુખ પામીને સ્વરૂપ-ભૂત જ થઇ છું.
જડ,ચેતન તથા તેમના ભોક્તા વગેરે જે કંઈ પ્રતીત થાય છે,તે સઘળું પ્રકાશમાન બ્રહ્મ-રૂપ (ચિદાકાશ) જ છે.
આ નથી,હું નથી,બીજું નથી,ભાવ નથી,અભાવ પણ નથી,પરંતુ જે કંઈ છે તે સઘળું શાંત છે,
બીજા આલંબનથી રહિત છે,કેવળ છે અને દૃશ્ય-આદિથી પર છે"
આમ વિચારમાં તત્પર રહેલી એ ચૂડાલા પરમ બોધથી આ પરમાત્માના યથાર્થ તત્વને જાણી,રાગ-ભય તથા મોહથી રહિત થઇ,એટલે ત્રણે અવસ્થોથી રહિત થઈને શરદના (નિર્મળ) આકાશની પેઠે શાંત થઇ.

(૭૯) ચૂડાલાને આત્મ-પ્રાપ્તિ

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે તે ચૂડાલા પોતાના આત્મામાં જ આરામ લેતા,મનોવૃત્તિ અંતર્મુખ થઇ જવાને લીધે,દિવસે દિવસે નિત્ય પોતાના સ્વાભાવિક શુદ્ધ આત્મ-સ્વરૂપમાં જ સ્થિર થઇ.
રાગ વગરની,સંગરહિત,દ્વંદો રહિત અને નિષ્કામ થઈ ગયેલી એ ચૂડાલા રાણી દૈવ-યોગથી આવી મળે તેનો
ત્યાગ નહિ કરતા,અને ન મળતી વસ્તુઓમાં અભિલાષા નહિ રાખતા-જેમ હોય તેમ ચલાવી લેવા લાગી.

સંસાર-સાગરને તરી ગયેલા,શંકારહિત,ઘણા કાળ સુધી સંસાર-ચક્રમાં ફરવાથી થાકી ગયેલા અને છેવટે પરમાત્માનો મોટો લાભ થવાથી પૂર્ણ થઇ ગયેલા,આત્માથી,આનંદ-ઘન એવા જ્ઞાન-પ્રાપ્ત પરમ-પદમાં સ્થિર થતાં,એ ચૂડાલાને એવું પદ પ્રાપ્ત થયું કે જેનું વર્ણન પણ થઇ શકે નહિ,કે તેને ઉપમા પણ આપી શકાય નહિ.

શિખીધ્વજરાજાની રાણી ચૂડાલા આવી રીતે વિદિતવેદ્ય (જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવી) થઇ ગઈ.
જેવી રીતે,આ અનિર્વચનીય જગત સ્ફૂરી આવવાનો ભ્રમ,અજ્ઞાનીઓના મનમાં અકસ્માત ઉત્પન્ન થાય છે,
તેમ,તત્વવેત્તાના આત્મામાં જ (આત્માથી જુદું બીજું કંઈ નહિ હોવાથી) આત્મા લય પામી જાય છે.
દ્વૈત વિનાના શાંત પરમ-પદમાં એક્ભાવે તલ્લીન થયેલી એ ચૂડાલા,નિર્મળ વાદળ જેવી શોભવા લાગી.


પછી,એક દિવસ,સુંદર અંગ-વાળી એ રાણીને,અપૂર્વ શોભા-વળી જોઇને શિખીધ્વજરાજાએ વિસ્મયથી
મંદમંદ હાસ્ય કરતાં  પૂછ્યું કે-હે તન્વિ,તું ફરીવાર યૌવન આવ્યાની જેમ,શોભે છે,
હે પ્રિય,કેમ જાણે અમૃતના સારનું પાન કર્યું હોય તેવી અને કેમ જાણે અલભ્ય પદ મેળવ્યું હોય તેવી અને કેમ જાણે અમૃતના પૂરથી પૂર્ણ હોય તેવી તું દેખાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE