Feb 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-740

(શિખીધ્વજ કહે છે) હે સુંદરી,તારું શરીર સુંદર,શાંત અને રમણીય થવાથી,તું ચંદ્રમાને પણ શરમાવીને કોઈ અદ્ભુત શોભાને પામી છે.તારું ચિત્ત ભોગોને વિષે દીન નહિ થઇ જતું,શમાદિક ગુણવાળું,વિવેકથી ભરેલું,ગંભીર અને સ્થિર જોવામાં આવે છે.ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી,આ આખા જગતના રસ-રૂપ પરમતત્વને પ્રાપ્ત થયેલું તારું મન,પૃથ્વીના જેવું ચંચળ અને શાંત દેખું છે.તારા ચિત્તને કોઈ પણ વૈભવની કે આનંદકારક વસ્તુની ઉપમા આપી શકાતી નથી.

તારા પહેલાંના,તેના તે જ અવયવો છે,છતાં પણ તું હમણાં જ વૃદ્ધિને (યુવાનીને) પામેલી હોય તેમ,જણાય છે,
(શરીરમાં આવો બદલાવ એ પરમ-પદની પ્રાપ્તિનું સૂચક છે!)
હે પ્રિયે,તારા શરીરમાં રૂપ આમ બદલાઈ ગયેલું લાગે છે-તો તેં શું અમૃત પીધું છે?કે મંડલેશ્વરપણું મેળવ્યું છે?
અથવા રસાયણ આદિના પ્રયોગથી કે મંત્ર આદિની સિદ્ધિથી કે કોઈ યોગની યુક્તિથી તેં મૃત્યુને જીતેલું છે?

ચૂડાલા કહે છે કે-હું શરીરમાં આત્મ-બુદ્ધિનો ત્યાગ કરી,મંત્ર,રસાયણ આદિ પ્રયોગોથી મળતી તુચ્છ સિદ્ધિઓનો મોહ દુર કરીને જેમાં કોઈ પણ નામ-રૂપ આકાર નથી તેવા પરબ્રહ્મને જ્ઞાન વડે આત્મ-રૂપ સમજુ છું અને તેને લીધે જ વિશેષ શોભા-વાળી છું.આ અસત્ય માપવાળા સર્વ પદાર્થોમાં નહિ બંધાતાં,જેમ પૃથ્વી,જળ વગેરે દૃશ્ય અને આકાશાદિક અદૃશ્ય પદાર્થો (અધ્યસ્ત હોવાથી) ખરું જોતાં છે જ નહિ,એવા સત્ય અમાપ પરબ્રહ્મનો આશ્રય કરવાથી હું શોભાવાળી છું.

જે કંઈ સૃષ્ટિ-દ્રષ્ટિથી દેખાય છે અને પ્રલયદ્રષ્ટિથી  અદ્રશ્ય થઇ જાય છે,તે સર્વેને સાક્ષી-રૂપે નિર્લેપ રહીં
અનુભવ કરનાર આત્માને હું જાણું છું.તેથી જ વિશેષ શોભા યુક્ત છું.ભોગો ભલે ભોગવાયા હોય કે દૂર હોય
પણ તે ભોગવ્યા હોય તેવી રીતે જ હું પ્રસન્ન રહું છું અને હર્ષ-શોક વગેરે કશા મનોવિકાર મને બાધ કરતા નથી,
તેથી જ હું શોભું છું.રાજલીલાઓમાં મનને નહિ લોભાવતાં,
હું એકલી જ આકાશ જેવા અનંત અને અપાર બ્રહ્મમાં જ રમું છું,તેથી જ હું શોભાવાળી છું.

આસન અને ઉપવન આદિમાં દેહ રહ્યો હોવા છતાં પણ હું પૂર્ણ આત્મ-સ્વ-રૂપમાં જ તલ્લીન રહું છું,પણ,
ભોગોમાં કે તે ભોગો નહિ મળવાથી લજ્જાઓમાં રત રહેતી નથી,તેથી જ હું વિશેષ શોભું છું.
હું આ જગતની પ્રભુ છું અને સ્થૂળ-સૂક્ષ્મ આદિ દેહથી જુદા શુદ્ધ ચૈતન્ય-રૂપ છું,
એમ અસ્મજી આત્મામાં જ સંતુષ્ટ રહું છું,તેથી જ શોભાવાળી છું. આ દેહાદિક અને ભોગવવાની વસ્તુઓ
વગેરે અધિષ્ઠાન-દ્રષ્ટિથી હું જ છું અને આરોપિત દ્રષ્ટિથી -એ કશુંએ હું નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE