Feb 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-741

અધિષ્ઠાન-રૂપે હું સત્ય છું અને અધ્યસ્ત-રૂપે અસત્ય છું.અધિષ્ઠાન-રૂપે હું સર્વ-રૂપ છું
અને અધ્યસ્ત-રૂપે હું કંઈ પણ નથી.આવા જ્ઞાનને લીધે હું શોભા-વાળી છું.
હું સુખની કે ફળની પ્રાર્થના કરતી નથી અને દૈવ-યોગે આવી પડતી હાનિથી ડરતી નથી.બીજી કોઈ સ્થિતિની ઈચ્છા નહિ રાખતા,જે સ્થિતિ અનાયાસે આવી મળે તેમાં જ હું સંતોષ માનું છું.તેથી જ શોભા-યુક્ત છું.થોડાક રાગ-દ્વેષ-વાળી બુદ્ધિ-રૂપ અને શાસ્ત્ર-દ્રષ્ટિ-રૂપ સખીઓ સાથે હું રમું છું.તેથી જ શોભાવાળી છું.

હે નાથ,નેત્રોના તેજથી,બીજી ઇન્દ્રિયોથી જે કંઈ દેખાય છે તે કંઈ જ નથી,માત્ર મિથ્યા આભાસ જ છે.
ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી અને મનથી અગોચર એવી જે કંઈ નિર્વિશેષ વસ્તુ (બ્રહ્મ) છે,
તેને, હું સારી રીતે અંદર અને બહાર-ભરપૂર  રીતે  દેખું છું,અને તેથી જ મારો ઉદય થયેલો છે.

(૮૦) ભૂત-પંચક-વિલાસ

વસિષ્ઠ કહે છે કે-ઉપરનાં કારણો બતાવી,એ પ્રમાણે આત્મામાં આનંદ લેતી તે શ્રેષ્ઠ રાણીની વાણીનો અર્થ સમજયા વિના શિખીધ્વજ રાજાએ હસીને ચૂડાલાને કહ્યું કે-

હે સુંદરી,તારું બોલવું સંબંધ વગરનું છે,તું હજી કાચી બુદ્ધિની છે.તું રાજ વૈભવોમાં આનંદ પામતી હોય તો
રાજલીલાઓ વડે રમીને તેમાં આનંદ પામ.આ જે પ્રત્યક્ષ દેખાય છે-તેણે ત્યજી દઈને નિરાકાર પદમાં
આરામ લેવો સંભવે નહિ,કારણકે તે તો ખાલી શૂન્ય જ છે.
"ભોગો નહિ ભોગવાયા છતાં પણ હું સંતુષ્ટ જ રહું છું" એમ સમજીને ક્રોધ કર્યાની પેઠે,
આસન-શયન આદિને જે ત્યજી દે,તે શી રીતે શોભે?
પોતે ભોગ ભોગવવા તથા મિત્ર આદિને ભોગ ભોગવાવવા-એ સર્વ બાજુએ મૂકી દઈને અને
ધન-આદિ સાધનોને છોડી દઈને-પોતે એકલો જ શૂન્ય આકાશમાં (ચિદાકાશમાં) રમે તે શી રીતે શોભે?

ખાવું,પીવું,પહેરવું,સૂવું-એ સર્વ છોડીને કેવળ ધૈર્યના બળથી જ ટાઢ-તડકો,ભૂખ-તરસ આદિને સહન કરી પોતાના આત્મા વડે -જે એકલો સ્વરૂપમાં મગ્ન રહે તે શી રીતે શોભે?
"હું દેહ નથી પણ તેનાથી અનેરો ચૈતન્ય છું,આરોપિત દ્રષ્ટિથી હું કશું નથી અને અધિષ્ઠાન દ્રષ્ટિથી હું સર્વરૂપ છું"
એવું જે અર્થ વિનાનું જે બોલ્યા કરે તે શી રીતે શોભે?

"મારી દૃષ્ટિમાં જે કંઈ મન-ઇન્દ્રિયોથી દેખાય છે,તે ખરું જોતાં કંઈ જ નથી,પણ મન વાણીથી જે અગોચર છે,
તે સત્ય-અધિષ્ઠાન ચૈતન્ય ને હું અનુભવું છું." એવો તું જે મિથ્યા બકવાદ કરે છે-તે શી રીતે શોભે?
માટે,હે સુંદરી,તું હજી બાળ,મૂઢ અને ચંચલ છે,
તેથી અનેક જાતનાં (માર્મિક) ભાષણોના વિલાસથી જેમ હું ક્રીડા કરું છું તેમ તું તું પણ ક્રીડા કર.
આ પ્રમાણે શિખીધ્વજ રાજા પોતાની પ્રિયાની હાસ્ય પૂર્વક મશ્કરી કરીને ત્યાંથી બહાર ગયો.
"અહો,દુખની વાત છે કે આત્મભાન થયું નહિ હોવાથી રાજા મારા વચનોનો અર્થ સમજ્યા નહિ"
એમ મનમાં વિચારીને ચૂડાલા પોતાના કાર્યમાં પાછી લાગી ગઈ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE