Jun 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-836

હે રામચંદ્રજી,દુઃખ-રૂપી રત્નોની ખાણ-રૂપ આ સંસાર-સાગરને તરી જવાને ઇચ્છનાર પુરુષે,
ઘણા કાળ સુધી ઉત્તમ એવા પરમપદમાં શાંતિ મેળવવા માટે,
"હું કોણ છું? આ જગત શું છે? જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે? ખરું તત્વ શું છે? અને
હલકા ભોગો ભોગવવાથી શું મળવાનું છે?
એવી વિવેક-વૈરાગ્ય-વાળી, "બુદ્ધિ" જ મુખ્ય ઉપાય છે.

(૧૧૭) ઈક્ષ્વાકુ અને મનુનો સંવાદ

વસિષ્ઠ કહે છે કે-હે ઈક્ષ્વાકુ-વંશમાં થયેલા રામચંદ્રજી,
તમારા આદિ-પુરુષ ઈક્ષ્વાકુ-રાજા જે રીતે મુક્ત થયા હતા,તે વાત હવે તમને કહું છું તે તમે સાંભળો.

ઈક્ષ્વાકુ રાજાએ પોતાના રાજ્યનું પાલન કરતાં, એક દિવસ એકાંત સ્થાનમાં બેસી પોતાના મનથી વિચાર કર્યો કે-
"આ દૃશ્ય પ્રપંચ (જગત) કે જેની અંદર જરા-મરણ અને સુખ-દુઃખ જેવી ભ્રાન્તિઓ રહેલી છે,

તે જગત શા માટે થયું હશે? અને તેનું કારણ કોણ હશે?"
એ રીતે પોતાની મેળે વિચાર કર્યો છતાં પણ જયારે તે જગતનું કારણ જાણી ના શક્યા,
ત્યારે,એક વખત ,બ્રહ્મલોકથી પધારેલા અને પોતાની સભામાં બેઠેલા ભગવાન મનુને તેમણે પૂછ્યું કે-

"હે મહારાજ,આપ કૃપા કરીને અહી પધાર્યા છો,તેથી હું નિર્ભય થઈને આપને પ્રશ્ન પૂછવા ઉતાવળો થયો છું,
આ સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઇ? તેનું સ્વરૂપ કેવું છે? આ જગત સંખ્યા અને પરિણામ વડે-કેટલું મોટું છે?
કોનું છે? કોને રચેલું છે? આ સંબંધમાં ઉપનિષદ-વગેરે  શું કહે છે?
અને જેમ જાળમાંથી પક્ષી છૂટી જાય,તેમ,આ વિષમ સંસાર-રૂપી ભ્રાંતિમાંથી હું શી રીતે મુક્ત થાઉં?"

મનુ મહારાજ કહે છે કે-અહો,આજે ઘણે કાળે વિવેકનો,તમારા ચિત્તમાં વિકાસ થવાથી
અનેક પ્રકારના મિથ્યા અનર્થોને કાપી નાખનારો અને સર્વના સાર-રૂપ,પ્રશ્ન તમે પૂછ્યો છે.
હે રાજા ઈક્ષ્વાકુ,જેમ ગંધર્વનગર અને ઝાંઝવાનું જળ મિથ્યા (ભ્રાંતિ-રૂપ) છે,
તેમ,આ જે દૃશ્ય-રૂપે જગત દેખાય છે,તે કશું પણ ખરી રીતે (તત્વથી) જોતાં છે જ નહિ.અને
જે કંઈ દેખાતું નથી તથા (સર્વ નિષેધોના અવધિ-રૂપ હોવાથી)
કેમ જાણે સાવ કંઈ જ ના હોય (શૂન્ય જ હોય) એવી રીતે જે રહેલું છે,
તેમ જ મન-ઇન્દ્રિય વડે જે અગોચર હોવાને લીધે "કંઈ પણ ના હોય" એવી "સંભાવના"નો
જે વિષય કહેવાય છે-તેવું નાશ રહિત,સત્ય એવું એક જ "તત્વ" છે અને તે "આત્મા" નામથી ઓળખાય છે.

હે રાજા,આ સર્વ દૃશ્ય પદાર્થોથી ભરપૂર રહેલી સૃષ્ટિની પરંપરા,
એ આત્મા-રૂપી મોટા અરીસામાં પ્રતિબિંબની જેમ પડેલી છે.
એ બ્રહ્મમાંથી "એકોહમ બહુ સ્યામ" (હું એક છું તે અનેકમાં પ્રગટ થાઉં) એવા શ્રુતિમાં કહેલા,
અને,પોતાનામાં રહેલી પ્રગટ થવાની "સ્ફુરણ-શક્તિ"ને લીધે સ્વ-ભાવ વડે જ ઉત્પન્ન થયેલા,
પ્રકાશ-રૂપ "ચિદાભાસો"માંથી "સ્થૂળ સૃષ્ટિના અભિમાન"ને લીધે,કેટલાક બ્રહ્માંડ-પણાને પામે છે,
તો-કેટલાક પૃથ્વી આદિ "પંચ-મહાભૂત-પણાના અભિમાન"ને લીધે પંચમહાભૂત-પણાને પામે છે,
તો વળી બીજા ચિદાભાસો બીજા ભાવને (જરાયુજ-અંદાજ-સ્વેદજ-ઉદભિજ્જ-વગેરે ભાવને) પ્રાપ્ત થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE