Jun 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-837

મિથ્યા ઉપાધિ (માયા) ને લીધે જ આ જગતની સ્થિતિ ખરી થઇ રહેલી છે,બાકી ખરી રીતે વિચાર કરતાં,બંધન પણ નથી કે મોક્ષ પણ નથી,માત્ર નિર્વિકાર બ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે,એમાં ઉપાધિને લીધે થનારું દ્વિત્વ કે એકત્વ પણ નથી,માત્ર સર્વના સાર-રૂપ,એક ચૈતન્ય જ પ્રકાશી રહ્યું છે.જેમ એક જ જળ તરંગોના ભેદને લીધે અનેક-રૂપે દેખાય છે,પરંતુ ખરી રીતે તો તે અનેક-રૂપો જળ જ છે,તેમ એ ચિદાત્મા પણ જગતના ભેદો-વડે અનેક-રૂપે દેખાય છે.પરંતુ ખરી રીતે એ બધું,માયાના જ દેખાવો હોવાથી એ કશુયે નથી.
પણ કેવળ પરમ-તત્વ જ છે.માટે તમે બંધન-મોક્ષની કલ્પના દુર કરી દઈ,સંસારના ભયથી રહિત થઇ જઈ અને સર્વના સાર-રૂપ નિર્ભય પરમપદનો જ આધાર રાખી સ્વસ્થ થઈને રહો.

(૧૧૮) સૃષ્ટિ વિષેના પ્રશ્નનો ઉત્તર અને આત્મ-દર્શન

મનુ મહારાજ કહે છે કે-હે રાજા ઈક્ષ્વાકુ,જેમ જળ,તરંગનો આકાર લે છે,તેમ શુદ્ધ ચૈતન્યજ્ઞાન,"સંકલ્પ"ને લીધે,
ઉપાધિમાં (પ્રતિબિંબિતની જેમ) પડીને તેનો "જીવ"ભાવે વિકાર થાય છે.અને આમ,તે "જીવો",પ્રથમથી જ
(પરમાત્માના સંકલ્પ વડે) પ્રગટ થઇ રહેલા આ સંસારમાં જન્મ-મરણ-આદિ વિકારોને પામે છે.
વસ્તુતઃ વિચારતાં,સુખ-દુખની દશાનો મોહ મનમાં જ રહેલો છે,પણ જે શુદ્ધ ચૈતન્ય આત્મા છે,તેમાં તે નથી.
"અનુભવ-માત્ર" જેનું સ્વરૂપ છે,એવો આત્મા પણ વસ્તુતઃ અદૃશ્ય છતાં,
અંતઃકરણની ઉપાધિ દ્વારા દૃશ્ય બને છે પણ સત્યમાં તો તે ચૈતન્યને માત્ર અનુભવાય જ છે.

માત્ર ગુરુ વડે જ કે માત્ર શાસ્ત્રો વડે જ,તે પરમેશ્વરનો (ચૈતન્યનો) સાક્ષાત્કાર થઇ શકે જ નહિ,
પણ,પોતાની બુદ્ધિ દ્વારા,પોતાના આત્મા વડે જ તે પરમેશ્વર (પરમાત્મા)નો સાક્ષાત્કાર થાય છે.
જેમ,રસ્તામાં ચાલતાં,બીજા વટેમાર્ગુઓને,આપણે રાગ-દ્વેષરહિત બુદ્ધિથી જોઈએ છીએ,
તેમ,ઇન્દ્રિયો (દેહ) વગેરેને પણ રાગ-દ્વેષ-રહિત બુદ્ધિથી,માત્ર સાક્ષી-રૂપે રહી જોવાં.

ઇન્દ્રિયો વગેરેના વિષયમાં લંપટ થઇ જઈ તેમને આદર ના આપવો,તેમ અતિ તીવ્ર પીડા (ઉપવાસ-આદિની) પણ ના આપવી.પણ તે ઇન્દ્રિયો-વગેરે  ભલે,વિષયોમાં પ્રવૃત્ત રહેતી હોય તો રહ્યા કરે,પરંતુ,તે સર્વને સ્વપ્નની જેમ મિથ્યા સમજી બુદ્ધિ વડે ત્યાગ કરી દઈ,તમે શીતળ અંતઃકરણવાળા અને શુદ્ધ આત્મ-દ્રષ્ટિ થવાને લીધે,
"આત્મા એક જ છે" એવો વિશ્વાસ રાખો."હું દેહ-રૂપ છું"એવી બુદ્ધિ સંસારમાં બંધન કરનારી છે,માટે મુમુક્ષુ પુરુષોએ,કદી પણ તેવી બુદ્ધિ રાખવી નહિ જોઈએ.પણ "હું ચિદાત્મારૂપ જ છું અને આકાશથી પણ સૂક્ષ્મ છું" એવી બુદ્ધિ હંમેશાં રાખ્યા કરવી.કે જે સંસારમાં બંધન આપનાર નથી.

જેમ નિર્મળ જળની અંદર અને બહાર તેના કારણ-રૂપ તેજ રહેલું છે,તેમ સર્વ વસ્તુઓમાં સર્વત્ર આત્મા રહેલો છે. જેમ,સોનાના આકારની અને રચનાથી (દાગીનાઓથી) જ માત્ર વિચિત્રતા છે,બાકી તે સોનાથી જુદા નથી,
તેમ,કારણ-રૂપે આત્માથી જુદું નહિ દેખાતું અને કાર્ય-રૂપે જુદું દેખાતું આ જગત-આદિ સર્વ એક જાતની આકારની અને રચનાની માત્ર વિચિત્રતા છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE