Jun 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-845

"જીવ"ના ત્રણ રૂપ છે."સ્થૂળ-સૂક્ષ્મ અને પર" એ ત્રણ રૂપમાંથી "પર" રૂપનો આશ્રય કરો.
અને પ્રથમનાં બે રૂપને છોડી દો.
હાથ-પગ વાળો આ દેહ કે જે ભોગો ભોગવવા હાલે ચાલે છે,
તે ભોગ-રૂપી અર્થને સિદ્ધ કરનારું,જીવનું "સ્થૂળ-રૂપ"  કહેવામાં આવ્યું છે.

પોતાના સંકલ્પ-રૂપી આકારને ધારણ કરનારું અને સંસારની સ્થિતિ સુધી રહેનારું,ચિત્ત,
એ "જીવ"નું લોકલોકાંતરમાં જઈ શકે તેવું (આતિવાહિક) "સૂક્ષ્મ" રૂપ છે.
જે આદિ અને અંતથી રહિત,સત્ય અને નિર્વિકલ્પ-ચૈતન્ય-માત્ર જ છે-તે "જીવ"નું ત્રીજું "પર"રૂપ છે.
કે જે જગતને સત્તા અને ચૈતન્ય આપનાર છે.(એ જ તુર્યપદ છે કે જે શુદ્ધ છે)
માટે પ્રથમનાં બે રૂપો (સ્થૂલ અને સૂક્ષ્મ) નો ત્યાગ કરી "પર-રૂપ" માં જ સ્થિર થઈને રહો.
(પ્રથમનાં બે રૂપમાં તમે આત્મ-બુદ્ધિ રાખો નહિ)

રામ કહે છે કે-હે મહારાજ,જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ,એ ત્રણે અવસ્થામાં,
"તે જણાતું નથી" તેવા,"તુર્ય-પદ"નું આપ વિશેષ રીતે વિવેચન કરીને કહો.

વસિષ્ઠ કહે છે કે-"જાગ્રત અને સ્વપ્ન"માં થનારો "અહંકાર-રૂપી-વિક્ષેપ" અને
સુષુપ્તિમાં "અહંકાર નહિ હોવો" એ રીતનું "અજ્ઞાનનું આવરણ" એ બંનેને,
તથા,"કારણ-રૂપે સત અને કાર્ય-રૂપે અસત" જણાતા આ જગતના સદ-અસદ ભેદને છોડી દેતાં,
જે નિર્લેપ સ્વચ્છ અને સમાન (નિર્વિકાર) પદ સર્વના "સાક્ષી-રૂપે" બાકી રહે તે "તુર્ય" અવસ્થા કહેવાય છે.

વ્યવહાર-કાળમાં જીવનમુક્ત પુરુષોમાં રહેનારી,
જે સ્વચ્છ,સમાનતા-વળી,અને શાંત,"સાક્ષી"ની જે અવસ્થા છે-તે "તુર્ય" અવસ્થા કહેવાય છે.
આ અવસ્થામાં સંકલ્પોની ઉત્પત્તિ જ નહિ થવાથી,તેણે જાગ્રત કે સ્વપ્ન-રૂપ અવસ્થા કહી શકાતી નથી,
વળી જડ-પણાનો અભાવ હોવાને લીધે તેને સુષુપ્તિ અવસ્થા પણ કહી શકાતી નથી.
બોધને પ્રાપ્ત થયેલ પુરુષના ચિત્તના મૂળમાંથી આ જગત (બરાબર પણે રહ્યા છતાં) દૂર થઇ જવાને લીધે,
સર્વ શાંત અને બ્રહ્મ-રૂપ જ છે,એટલે વિવેકી પુરુષો તેને સર્વદા "તુર્ય-અવસ્થા" કહે છે.

અહંકારના અંશનો ત્યાગ કર્યાથી,સમાનતા (નિર્વિકારતા) ની ઉત્પત્તિ થયાથી,અને
ચિત્તને પરમ તત્વમાં જ લીન કરી દેવાથી "તુર્ય-અવસ્થા" પ્રાપ્ત થાય છે.
હે રામચંદ્રજી,હવે,એક બીજું દૃષ્ટાંત હું તમને કહું છું,કે જેથી તમે જ્ઞાની છો છતાં,આ વાતનો વિશેષ બોધ થશે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE