Aug 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-886

જે પદાર્થ (જગત) -જેવો (બ્રહ્મ-રૂપ) છે,તેને તેવો (બ્રહ્મ-રૂપ) જાણનારા તત્વજ્ઞ પુરુષને,
જો,તેના જીવનમાં મનને દુઃખ આપતી પીડાઓ આવે,તો પણ જેમ,જળ-કમળને અડકી શકતું નથી,તેમ, તે પીડાઓ તેને ઈજા કરી શક્તી નથી.અનાસક્તિને લીધે તે તત્વજ્ઞ પુરુષ હર્ષ-શોક-આદિથી વિકાર પામતો નથી.

જેમ,ઝેર,પોતાના મૂળ સ્વભાવને નહિ છોડતાં,પોતાની મેળે જ,ઝેરી (જન્મ-મરણ-વાળા) કીડાઓ-રૂપે બની જાય છે,પરંતુ, ખરી રીતે જોતાં,એ કીડા-વગેરે વિષથી જુદા નથી,
તેમ, આત્મા કે જે બ્રહ્મ-રૂપ છે,તે પોતાના મૂળ (બ્રહ્મ) સ્વભાવને નહિ છોડતાં,(પોતાની મેળે જ) જીવ-ભાવે (વિવર્ત-રૂપે) બની જાય છે,કે જે જીવભાવ,પોતાના તાત્વિક સ્વ-રૂપનું જ્ઞાન થતાં લય પામી જાય તેવો છે.

બ્રહ્મ કે જે અનંત છે,તેના કોઈ એક પ્રદેશમાં આ જીવ-રૂપી-કીડો (કે જન્મ-મરણ-વાળો છે)
તે,(બ્રહ્મ-દૃષ્ટિથી) બ્રહ્મથી જુદો નહિ હોવા છતાં,કોણ જાણે જુદો થઈને રહેલો હોય-તેમ થઈને રહેલ છે.
એટલે એ જીવને બ્રહ્મ-દૃષ્ટિથી જોવામાં આવે-તો તેને જન્મ-મરણ સાથે કંઈ સંબંધ નથી,
પણ તેને  "જીવ-દૃષ્ટિ"એ જોતાં,તેમાં જન્મ-મરણની દશા જોવામાં આવે છે.

પદાર્થોમાં "હું અમુક છું અને અમુક મારું છે" એવી આસક્તિ વડે નહિ બંધાતાં,અને પોતાના આત્માથી જ
પુરુષ-પ્રયત્ન વડે,આ સંસાર -એક ગાયના એક પગલાની જેમ,સહેલાઈથી તરી શકાય છે,
બાકી ફક્ત દ્વૈવ (નસીબ) ના ઉપર આધાર રાખવાથી કશું થતું નથી.
સર્વ જગતના પદાર્થોની જે કંઈ સત્તા જણાય છે,તેની અંદર  "સર્વ બ્રહ્મ કે સદ-રૂપ છે" જ છે,તેવી જ તત્કાળ ભાવના કરવામાં આવે તો,પછી અદ્વિતીય આત્મામાં મન,બુદ્ધિ,અહંકાર આદિ દોષો ક્યાંથી રહે?

હે વિદ્યાધર,જેમ,ઘટ-પટ-આદિ પદાર્થોને તમે તટસ્થપણાથી,પોતે સાક્ષી-રૂપ થઇ,પદાર્થથી જુદા રહીને જોયા કરો છો,તેમ શરીર-અહંકાર-મન-બુદ્ધિ-અનુભવ-આદિને પણ પોતે તેથી જુદા રહી,કશાયમાં મમતા (આસક્તિ) કે
આત્મ-ભાવનું અભિમાન ના કરતાં સાક્ષી-રૂપે જોયા કરો અને પછી
બહાર જે કંઈ જગતના પદાર્થોને જોવામાં આવે છે-તે સંબંધી અને
અંદર મન -બુદ્ધિ-આદિના સંબંધી-રહેલ છે-તે સંબંધી,
કોઈ સંકલ્પ ના કરતાં,તે સર્વને મિથ્યા જ સમજી,પોતાના આત્માના જ્ઞાન-સ્વરૂપને ઓળખી લઇ,
તમે પોતાની સ્વભાવિક સ્થિતિમાં જ રહો.

એ જીવનમુક્ત દશાની સ્થિતિ એવી છે કે-તેમાં સંપત્તિ-વિપત્તિ,સુખ-દુઃખ વગેરે કોઈપણ હેતુથી
કોઈને કોઈ પણ કાળમાં કોઈ જાતનો ગુણદોષ લાગતો જ નથી,
કેમ કે સર્વ એક આત્મ-મય જ હોવાથી,તેમાં કર્તા-પણું કે ભોક્તા-પણું કશું રહેતું જ નથી.

(૧૨) અવિદ્યાના નાશનો ઉપાય

ભુશુંડ કહે છે કે-જેમ,"આકાશની અંદર વળી બીજું આકાશ ઉત્પન્ન થયું" એવો સંકલ્પ
વસ્તુતઃ આકાશ એક જ હોવાથી,કેવળ ભ્રાંતિ-રૂપ કે મિથ્યા છે,
તેમ,આત્માનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભુલાઈ જઈ,તેની અંદર અહંકાર-કે જેમાં સૂક્ષ્મ-રૂપથી
આ સઘળો પ્રપંચ રહેલો છે-તે આત્માનું એક-પણું હોવાને લીધે ભ્રાંતિ-રૂપ કે મિથ્યા જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE