Aug 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-887

"આકાશની અંદર બીજું આકાશ ઉત્પન્ન થવું" એ સંકલ્પનો કરનાર "હું" (અમુક પુરુષ)
જેમ, તેનાથી (તે બ્રહ્મથી) હું,જુદો છું,(એમ માને છે) તેમ,મન-વાણી વડે અગમ્ય હોવાથી,
જેનો નિર્દેશ કરી શકતો નથી તેવો "સદ-આત્મા" અવિદ્યા (અજ્ઞાન) વડે ઢંકાઈ જવાથી,
કેમ જાણે જીવ-ભાવને પામીને અસદ-રૂપ બની ગયો હોય,તેમ થઇ રહેલ છે.
તે પોતે (આત્મા) "ચિદાભાસ-રૂપે" જુદો કલ્પાઈ જઈ,
પોતાના ભુલાઈ ગયેલા આત્મ-સ્વરૂપમાં જ "અહંકાર" વગરેની "કલ્પના" કરે છે.

જેમ આકાશને,આકાશનું પોતાનું જ એક સ્વરૂપ રહેલું છે કે જે "એક" જ છે,
તેમાં બીજું આકાશ ઉત્પન્ન થવાનું સંકલ્પ થવો,એ માત્ર કલ્પના કરનાર પુરુષના "સંકલ્પ"માં જ રહેલ છે,
તેમ,અવિદ્યાની ઉપાધિ વડે વીંટાયેલો ચૈતન્ય-રૂપ-આત્મા જ,જીવભાવને પામી જઈ,પોતાના અવિદ્યા-રૂપી
દેહમાં જ "હું અમુક-રૂપે દૃષ્ટા છું અને અમુક દૃશ્ય છે" એવી કલ્પના કરી,તે રૂપે (દૃષ્ટા કે દૃશ્ય-રૂપે) ભાસે છે.
માટે તાત્વિક-દૃષ્ટિએ જોતાં,અહંકાર પણ અજ્ઞાનથી જુદો નથી અને
અહંકારથી જુદું જે કંઈ આ પ્રપંચ-રૂપે (દૃશ્ય કે જગત) ભાસે છે તે પણ અજ્ઞાનથી જુદું નથી.

સર્વ,અજ્ઞાન-રૂપ-ભ્રાંતિ-માત્ર  છે,એટલે પછી એમ જ સિદ્ધ થાય છે કે-સર્વ કલ્પનાઓના અધિષ્ઠાન-રૂપ એવું,બ્રહ્મ-ચૈતન્ય જ સત્ય છે,અને તે એવું તો સૂક્ષ્મ છે કે-તેની સામે અતિ ઝીણામાં ઝીણું આકાશ પણ સ્થૂળ છે.
એ સૂક્ષ્મ-પરમ-તત્વમાં તેના એક અણુંમાં જેમ,મહા-મેરુ (પર્વત) "કલ્પના" (સ્થૂળ ની કલ્પના) કરવામાં આવે,
તેમ,સ્થૂળ એવા આકાશ-આદિ સૃષ્ટિની પણ કલ્પના જ કરવામાં આવી છે.
આકાશથી પણ અતિ સૂક્ષ્મ અને અનાદિ -એવી "અવિદ્યા" (માયા કે અજ્ઞાન)
કે જેને લીધે,સઘળું દૃશ્ય,વિવર્ત-રૂપે જોવામાં આવે છે,તે પણ એ પરમ-તત્વની સામે સ્થૂળ જ છે.

એ પરમ-સૂક્ષ્મ ચૈતન્ય પોતાની અંદર જેવા જેવા સ્વભાવની ભાવના કરી,તે તે પ્રમાણે તે થઇ રહેલ છે.
અંદર અહંકાર-આદિ અને બહાર આકાશ-આદિ,આ સર્વ જગત આત્મા-ચૈતન્યના વિવર્ત-રૂપ ફેલાઈ રહેલ છે.
જેમ,જળ -કે જે પ્રવાહ-રૂપે છે,તેમાં ચકરી-વગેરે કંઈ ના થતું હોય તો,તે પોતાના શાંત-સ્વરૂપમાં જ રહે છે,
તેમ,જ્ઞાન-વડે-કે-મહાપ્રલયમાં,જયારે એ ચૈતન્ય-તત્વનો જગત-રૂપનો વિવર્ત શાંત થઇ જાય,
ત્યારે તે પરમ-તત્વ,સ્ફુરણ વિનાના શાંત પવન જેવું અને આકાશના જેવું નિર્વિકાર થઈને જ રહે છે.
એટલે તેમાં "દેશ-કાળ" ની કલ્પના પણ ઘટતી નથી.

સ્વપ્ન-અવસ્થામાં  ભ્રાંતિથી થોડા કાળમાં ઘણો કાળ (સમય) વીતી ગયેલ લાગે છે,
અને જાગ્રત-અવસ્થામાં મનનાં કલ્પિત રાજ્યો (દેશ) વગેરે ભ્રાંતિથી જ કેમ જાણે પાસે મૂર્તિમાન ખડાં થયેલ
હોય તેમ ભાસે છે-તે "દેશ-કાળ" મન વડે જ (સંકલ્પ-વિકલ્પથી) ભ્રાંતિથી જ અનુભવમાં આવે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE