Aug 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-888

શુદ્ધ ચૈતન્ય-તત્વ કે જે આકાશ કરતાં પણ અતિ-સ્વચ્છ અને નિર્વિકાર છે,અને ક્ષોભ (ચંચળતા) વગેરે
વિકાર-માત્રથી રહિત છે,તેનું જગત-રૂપે ફેલાઈ જવું અને પાછું સંકોચાઈ જવું એ બંને સંભવતાં જ નથી.
સુખ-દુઃખને ભોગવવા-પણું તથા દેહમાં અહંકાર થવો-વગેરે જે વિકારો દેખાય છે,
તેનો સંબંધ માત્ર ચિદાભાસ (જીવ)સાથે જ છે,ચૈતન્ય તો આવા કોઈ પણ વિકારથી રહિત છે.શુદ્ધ સ્વરૂપ છે.
જ્ઞાની પુરુષને ચિંતા,લાજ,હર્ષ,ભય,સ્મૃતિ,કીર્તિ અને ઈચ્છા વગેરેને ઉત્પન્ન કરનાર સર્વ વિષયો,
(પોતાના મનનો લય થઇ જવાને લીધે) દેખવામાં આવતા નથી.

પરમતત્વ કે જે સત-ચિત-આનંદ-રૂપે પ્રકાશી રહેલ છે,તે જ પરમતત્વ પોતાથી અભેદ-ભાવે રહેલા આ જગતના આકારે પણ દેખાય છે.તેની અંદર (કલ્પિત) કોઈ ઠેકાણે રહેલ દેહમાં વિશેષતાથી અભિમાન બંધાઈ જવાથી,
તે દેહને જે જે અનુકુળ હોય તેમાં "રાગ"ની અને જે જે પ્રતિકૂળ હોય-તેમાં "દ્વેષ"ની કલ્પના કરી લઈ,
અનેક પીડાઓનું પાત્ર થઇ રહેલો "અહંકાર" કેમ જાણે તે પરમતત્વથી જુદો હોય તેમ દેખાયા કરે છે.

ચેતન આત્મા અને જડ મન,એ બંનેના કરતાં વળી ત્રીજી જ તરેહની આ સૃષ્ટિ,જડ-ચેતન-રૂપે જોવામાં આવે છે,
કે જે હકીકતમાં જડ છે,પણ સત્યતા-રૂપે-સ્ફૂરી આવવાથી (દેખાતી),તે અંશથી ચેતન પણ કહેવાય છે.
જીવાત્મા અને પરમાત્મા એ બંનેનો (ઉપાધિનો ત્યાગ કરી દઈને જોવામાં આવે તો)
એક ચૈતન્યમાં વિરામ થતો હોવાથી,પર્યાય શબ્દની જેમ,તે બંનેનો પરિણામે એક જ અર્થ હોવાને લીધે,
જીવ-ચૈતન્ય (જીવાત્મા કે આત્મા) ને પરમાત્માથી જુદું પાડી શકાતું નથી.

આમ,પોતાનો આત્મા કે જે ચૈતન્ય-રૂપ છે,અને સૂર્યદેવની પેઠે આપોઆપ પ્રકાશવાળો છે,
તે જ આત્મા અહંકાર-રૂપ બની જઈ,પોતાના વ્યાપક સ્વરૂપમાં "ભોગ્ય-રૂપે" આ સૃષ્ટિ કલ્પી લે છે.
એટલે આ સૃષ્ટિ કે તેનો રચનાર-એ બંને ચૈતન્ય-આત્માથી જુદાં નથી.
એ નિર્વિકાર આત્મા,આકાશ-આદિ પ્રપંચની રચનામાં કારણરૂપ ભાસે છે,પરંતુ તેમાં એ રહેલ છે તેમ પણ નથી,
તે આકાશ-આદિ પ્રપંચના કર્તા-રૂપ પણ નથી અને તે આકાશ-આદિ પ્રપંચને પોતે જુદો રહી જાણનારો છે,
એમ પણ નથી.એ સર્વસ્વ તો વિકલ્પ-માત્ર છે,બાકી એ આત્મા તો પોતાના વાસ્તવ સ્વરૂપમાં જ રહેલ છે.

અધ્યારોપ દૃષ્ટિથી,પ્રથમ વ્યવહારિક દશામાં રહી,દેશ-કાળ-આદિની રચનાનો અંગીકાર કરી લઇ,
તે ચેતન-તત્વની આકાશ-આદિ પ્રપંચ-રૂપે દેખાવાની -વાત અમે કહીએ છીએ,
તેથી આ વાતમાં જળ-તરંગના દૃષ્ટાંતનું સમાન-પણું બરાબર મળતું આવે છે.
જેમ જળના તરંગ-આદિ-રૂપે થવામાં અમુક "દેશ-કાળ" હોય છે,
તેમ એ આત્મ-તત્વના પણ જગત-આદિ વિવર્ત થવામાં,અમુક "દેશ-કાળની કલ્પના" કરવામાં આવે છે.

મન,બુદ્ધિ,અહંકાર-આદિ જે કંઈ વિકલ્પ-રૂપે સ્ફૂરે છે,તે સર્વને તમે અવિદ્યા-રૂપ જ સમજો,
કે જે (અવિદ્યા કે અજ્ઞાન) પુરુષ-પ્રયત્ન વડે (જ્ઞાન મળવાથી) તરત નાશ પામી જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE