Aug 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-890

(૧૩) ત્રસરેણુમાં ઇન્દ્રે કરેલી રાજ્ય-કલ્પના
ભુશુંડ કહે છે-પહેલાંથી જ,અધ્યારોપની દૃષ્ટિ બતાવી,અવિવેકીઓને સમજાવવા ખાતર જ "દેશ-કાળની કલ્પના" સ્વીકારવામાં આવેલી છે,પરંતુ તાત્વિક દૃષ્ટિએ,તો આ જગત,કે જે ચેતનતત્વના ચમત્કારના એક ફેલાવા-રૂપ છે,
તે ચેતનતત્વને,જેમ,સૂર્યપ્રકાશને ધારણ કરી રાખવા થાંભલાની જરૂર નથી,તેમ,દેશ-કાળની પણ જરૂર નથી.
આ ત્રણ લોક ફક્ત મનના સંકલ્પ-માત્ર-રૂપ છે અને વાયુની અંદર ફેલાઈ રહેલ સુગંધ કરતાં,
કે સૂર્ય-પ્રકાશ કરતાં પણ અતિ-સૂક્ષ્મ,હલકા અને સ્વચ્છ જ છે.

હે વિદ્યાધર,આ "જગત-રૂપ-અણુ" કે જે ચેતન-તત્વના એક ચમત્કાર-માત્ર છે.જેમ,મનના કલ્પેલા પદાર્થ
કે જે મનોમય હોવાથી,મન-રૂપ જ છે,તેને તે મન જ સાક્ષી-ચૈતન્યની સત્તા વડે જાણે છે.
તથા,જેને સ્વપ્ન આવેલ હોય,તે જ પુરુષ તે સ્વપ્નની વાત દેખે છે,તે રીતે આ સૃષ્ટિ કે જે દૃષ્ટિ-માત્ર જ છે,
તે પણ જે પુરુષમાં જે રીતે ઉદય પામે છે,તે પુરુષ તેવી જ રીતે તેને દેખે છે. આ સંબંધમાં
ઇન્દ્રે ત્રસરેણુમાં (ત્રણ-અણુનો એક અણુ) જેનો અનુભવ કર્યો હતો,તે વિશેનો એક પુરાતન ઈતિહાસ છે.

એક વખત,કોઈ એક ઠેકાણે (શબલ-બ્રહ્મ-રૂપી) એક કલ્પ-વૃક્ષ ઉગી નીકળ્યું.
તેની (યુગ-રૂપી) એક ડાળીએ (બ્રહ્માંડ-રૂપી) ઉદુમ્બર જાતનું એક ફળ થયું.
તે ફળ પર દેવો,દાનવો,માનવો-આદિ પ્રાણીઓ મચ્છરો-રૂપે બેસી ગણગણાટ કરતાં હતાં.
જેમાં પર્વતો-રૂપી-ખીલા જડવામાં આવ્યા છે-તેવાં (પૃથ્વી-પાતાળ-સ્વર્ગ-લોક નામનાં) બારણાં વડે,
તે ફળને ઢાંકી દેવામાં આવ્યું હતું.

તે ફળ,ચિત્તને આનંદ આપે તેવી અનેક વાસનાઓ-રૂપી-રસથી ભરેલું હતું,તેને અહંકાર-રૂપી મોટી ડીંટડીઓ હતી,તે સાક્ષી-ચૈતન્યથી તેજવાળું,મોક્ષના ખુલ્લા બારણા-રૂપી મુખવાળું,પાંચ તન્માત્રાઓના કોશવાળું,
અને આકાશમાં તરતા તારાઓના ઝાકળથી ભરેલું હતું.મહા-પ્રલય વખતે તે ફળ પાકીને ગળી જાય તેવું હતું.
તે ફળ અવિદ્યા-રૂપી-કાગડી કે વિદ્યા-રૂપી કોયલને ખાવાલાયક હતું.
તે ફળ ખરી પડ્યા પછી,શાંત થનારું અને વાસના વિનાનું બની જાય તેવું હતું.

તેની અંદર ત્રિલોકનો અધિપતિ "ઇન્દ્ર" સર્વ દેવતાઓનો અધીશ્વર હતો.પુરુષોમાં શ્રેષ્ઠ,એ મહાત્મા ઈન્દ્રનું,
અજ્ઞાન-રૂપી આવરણ,ગુરુના ઉપદેશથી અને પોતાના અભ્યાસના બળથી,આત્મતત્વની ભાવના કરવા વડે
ક્ષીણ થઇ ગયું હતું.પછી કોઈ એક વખતે જયારે નારાયણ-આદિ મહા પરાક્રમી દેવો,દૈત્યોના ભયથી ક્યાંય
જતા રહ્યાથી,તે ઇન્દ્રે,દૈત્યો સામે એકલાએ જ યુદ્ધ કર્યો,પરંતુ દૈત્યોએ તેનો પરાજય કર્યો,ત્યારે,તે ત્યાંથી
પલાયન થયો અને અતિ-વેગથી,દશે દિશાઓમાં તેને દોડધામ કરી પણ ક્યાંય તેને શાંતિનું ઠેકાણું મળ્યું નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE