Sep 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-918

જેમ,નેત્રનું ખુલવું,એ રૂપનો પ્રકાશ કરવા માત્ર જ છે (એટલે કે નેત્રના ખુલવાથી પદાર્થનું રૂપ દેખાય છે)
તેમ,અહંકાર સહિત,આ જગત પણ,સાક્ષી-ચૈતન્યના બહાર આવી ફેલાવાથી જ પ્રકાશમાં આવે છે (દેખાય છે)
જેમ નેત્ર બંધ થતાં,રૂપ (પદાર્થ) દેખાવું બંધ થાય છે,
તેમ, વૃત્તિઓ દ્વારા બહિર્મુખ થઇ ગયેલા સાક્ષી-ચૈતન્યને અંતર્મુખ કરીને પોતાના સ્વરૂપમાં સ્થાપવાથી,
સર્વ દ્રશ્ય-વર્ગ (જગત અને જગતના પદાર્થો) દેખાવા બંધ થાય છે.

જેમ,આકાશમાં રહેલ પવન,પોતાના સ્વરૂપમાં ગતિને વિસ્તારી દે છે,
તેમ, શુદ્ધ-આત્મ-ચૈતન્ય જ અવિવેક વડે,બહાર થઇ જઈ,પોતાના આત્મ-સ્વરૂપમાં જ,અહંકાર સહિત,
સાવ મિથ્યા એવા આ જગતને ફક્ત,ભ્રાંતિ વડે કલ્પના દ્વારા વિસ્તારી દે છે.
ખરી રીતે તત્વ-દ્રષ્ટિથી આ જગત અસત્ય જ છે.બ્રહ્મ-ચૈતન્યે તેને પોતાનાથી જુદું નહિ રચ્યા છતાં,
કેમ જાણે તે જગત બ્રહ્મ-ચૈતન્યથી જુદું હોય અને સત્ય હોય તેવું થઈને રહેલ છે.

માટી અને માટીમાંથી બનેલા ઘટ (આકાર) ની જેમ,આ જગત (આકાર) એ બ્રહ્મનો વિવર્ત હોવાથી,
તે જગતની સત્તા,બ્રહ્મ-સત્તાથી જુદી પાડી શકાતી નથી.અને તે (જગત) બ્રહ્મથી જુદું નહિ હોવા છતાં,
બ્રહ્મના સ્વરૂપમાં જ અવિદ્યા વડે તેની ભિન્ન-રૂપે કલ્પના કરવામાં આવી છે.
આ ત્રણે લોક "સ્વગત-ભેદ અને સજાતીય-ભેદ"થી રહિત કેવળ શુદ્ધ બ્રહ્મ-રૂપ જ છે અને
શાંત ચિદાકાશ જ તેનું સ્વરૂપ છે-એમ તમે સમજો.
(નોંધ-વેદાંતમાં ત્રણ જાતના ભેદ કહ્યા છે.સ્વગત-ભેદ,સજાતીય-ભેદ અને વિજાતીય ભેદ.
વિજાતીય ભેદ વિષે આગળ આવી ગયું છે અહી બાકીના બે ભેદથી પણ રહિત એવું બ્રહ્મ છે-એમ કહે છે)

પરમપદને પ્રાપ્ત થઇ ગયેલા,શાંત જીવનમુક્ત પુરુષને અંદર એવી શીતળતા પ્રાપ્ત થાય છે કે-
તેની સામે શીતળ ચંદ્ર પણ ધગધગતા અગ્નિના અંગારા જેવો છે.
જગત અત્યંત શાંત અને સર્વ-વ્યાપી પરમાત્મા-રૂપ છે,તો પછી તેમાં એ પરમાત્માના
કોઈ મર્યાદા વિનાના પ્રકાશ સિવાય બીજો (સૂર્ય-ચંદ્ર-વગેરેનો) પ્રકાશ શી રીતે ઘટી શકે?
જે સત્તા બ્રહ્મ-શબ્દ  વડે કહેવામાં આવે છે,તેજ સર્વ પદાર્થ-માત્રનું પોતાનું વાસ્તવ સ્વરૂપ છે,
અને તેનો કોઈ પ્રકારે બાધ થઇ શકતો નથી.

તેમ છતાં,જયારે મન-ઇન્દ્રિયો-આદિ નામ-રૂપને આકારે થઇ રહેલા સર્વ-વિકલ્પો અને તે નામ-રૂપના પ્રમાણ-રૂપે  
અનુભવ કરાવનારનો અભાવ થઈને તેનો બાધ થઇ જાય છે પરંતુ સાક્ષી-ચૈતન્યનો અભાવ થઇ શકતો નથી.
કેમ કે તે તો જન્મ-મરણ -આદિ વિકારોથી રહિત અબાધ્ય-બ્રહ્મ-રૂપ જ છે.
મનનો બાધ કરી  દઈને,આકાશના જેવા નિર્વિકાર વિવેકી પુરુષને નામ-રૂપ દેખાતાં  જ નથી,
કેમ કે-નામ-રૂપ તો સ્વરૂપ-સ્થિતિનો દૃઢ અભ્યાસ --ના હોવાને લીધે,
સ્વપ્નમાં જણાતા અનેક વિકારોની જેમ જ અનુભવમાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE