More Labels

Sep 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-917

વાસનાઓ અને અભિમાનો -વડે વીંટાઈ રહેલા,અને અનેક દુષ્ટ વિકારો વડે ખેંચાઈ જઈ,
આમતેમ દોડ્યા કરતા અવિવેકી પુરુષો,પર્વત પરથી નીચે પડતી શિલાઓ ની જેમ નીચે પડતા જાય છે.
વાસના-રૂપી વાયુથી ખેંચાતા મનુષ્ય-રૂપ-તૃણોને,એવાં એવાં તો (જન્મ-મરણ-આદિ) દુઃખી પ્રાપ્ત થાય છે કે
તેના વિષે બોલવા જઈએ તો તેનો પાર પણ ના આવે.
પોતાની વાસના અને અભિમાનને અનુસરી,વિષયોમાં રાગ થઇ તે રસ વડે વિષયોની અંદર જ બંધાઈ આસક્ત થઇ રહેલાં મનુષ્યો,ખુબ જ ભટકી ભટકીને છેવટે પાપના યોગે,નરકોમાં  પડે છે,
અને ત્યાં યમની યાતનાઓ ઘણો લાંબો કાળ સહેવાથી,ચોતરફ થી જર્જરિત થઇ જાય છે અને પછી કાળાન્તરે,કૃમિ-કીટ-વગેરે જન્મો લઇ,કેમ જાણે કોઈ બીજા જ હોય તેવા થઇ જાય છે.

(26) અનર્થોની ઉત્પત્તિ અને વિનાશ

વસિષ્ઠ કહે છે કે-જીવ કે જે આ સંસાર-રૂપ મહા વિકટ અરણ્યમાં ભટક્યા કરે છે,તેને (તે જીવને)
જેમ,વર્ષા-ઋતુમાં અનેક કીડાઓ પેદા થાય છે,તેમ,પહેલાં ઘણીવાર અનુભવમાં આવી ગયેલ,
ક્ષુધા-તૃષા-જન્મ-મરણ-આદિ લાખો વૃતાંતો,ફરીફરી પાછાં પ્રાપ્ત થતાં રહે છે.

જેમ,જંગલમાં જુદેજુદે ઠેકાણે રહેલા પથ્થર,એકબીજા સાથે કશો સંબંધ રાખતા નથી,
તેમ,આ (જગતના) સર્વ પદાર્થો,એકબીજા સાથે કશો સંબંધ ધરાવતા નથી,માત્ર વાસના જ તેમનો એકબીજામાં,પરસ્પર સંબંધ કરાવવામાં સાંકળ-રૂપ છે.એ વાસનાનું મૂળ ચિત્ત છે.
અને તે ચિત્ત રાગ-દ્વેષ-આદિ વડે રંગાઈ જઈને પોષાય છે.અને વિવેકની બાબતમાં સૌ અંધ બની જાય છે.
અને અનાદિ-કાળથી અનુભવમાં આવ્યા કરતાં,અનેક વૃતાંતો વડે ભરપૂર થઈને રહે છે.

અહો,એ આશ્ચર્ય છે કે-વાસનાને લીધે પરવશ બની ગયેલાં  પ્રાણીઓ,
વારંવાર પ્રાપ્ત થયા કરતા જન્મોમાં અનેક સુખ-દુઃખોનો અનુભવ કરતાં જ રહે છે.
અહો,આ વાસના સાવ ભૂંડી છે.તેને લીધે મનુષ્યો,સાવ મિથ્યા છતાં,માત્ર અજ્ઞાનના બળથી દ્રષ્ટા-દર્શન અને દ્રશ્ય-એ ત્રિપુટી-રૂપે થઇ રહેલા પદાર્થો વડે,પોતાની અંદર આ સંસાર-રૂપી ભ્રાંતિને અનુભવે છે.
સ્ત્રી,ધન-વગેરે આ સર્વ પદાર્થો,સૂકી રેતી વડે બનાવેલાં  કોડિયાંની જેમ,ક્ષણવારમાં જ નાશ પામી જનારા છે.

બ્રહ્માથી માંડી  છેક તણખલા સુધીની સેંકડો યોનિઓમાં આ આખો  કલ્પ તમે ઘૂમ્યા કરશો,
તો પણ મનના નિરોધ વડે જ્ઞાન પ્રાપ્ત થયા વિના તમારા ચિત્તને કદી શાંતિ મળવાની નથી.
જેમ માર્ગે ચાલનાર કોઈ વટેમાર્ગુ  પુરુષ,બરાબર જોઈ-તપાસી પગ મૂકે,તો માર્ગના ખાડા-ટેકરા તેને બાધ કરી શકે નહિ,તેમ,જે કોઈ ઉત્તમ પુરુષ પોતાના સ્વરૂપનું અને જગત આદિનું વિવેક વડે માત્ર અવલોકન કરે,
તો તેને જગત-રૂપી-જાળનો બંધ જરા પણ બંધ કરી શકતો નથી.
વિવેક વડે સાવધાન થઇ રહેલા તમારા ચિત્તને વાસના ગળી શકશે નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE