Sep 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-920

દ્રષ્ટા-દર્શન અને દૃશ્ય એ ત્રિપુટીનો બાધ કરી દઈ,કેવળ પોતાના નિરાકાર સ્વરૂપમાં જ સ્થિતિ રાખનારા,
જ્ઞાન-દૃષ્ટિ વડે યથાર્થ આત્મ-સ્વરૂપને જાણી ચૂકેલા અને નિસ્પૃહ-એવા,
વિવેકી પુરુષને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી થાય? (એટલે કે વિવેકીને દેહનો અધ્યાસ રહેતો નથી)
દરેક પદાર્થની ઈચ્છા થવી એ જ દૃઢ બંધ છે અને તેમાં સર્વથા વૈરાગ્ય થવો તે મુક્ત-પણું છે.
તો પછી,પૂર્ણકામતા-રૂપી વૈરાગ્ય-દશામાં વિશ્રાંતિ પામેલા તત્વજ્ઞ પુરુષને કોની અપેક્ષા રહે?

આ પાર્થિવ શરીર,મિથ્યા અને ભ્રાંતિમાત્ર જ છે,તો પછી (તે શરીરમાં) શા માટે ઈચ્છા ઉત્પન્ન  થાય?
શી ઈચ્છા થાય? કોને ઈચ્છા થાય?અને તે શા માટે પેદા થાય?
માટે આત્મજ્ઞાનથી શોભતો જ્ઞાની પુરુષ,સર્વ ઇચ્છાઓથી-સર્વ કૌતુકોથી-અને સર્વ પીડાઓથી-
રહિત થઇ જઈ ફક્ત પોતાના આત્માનંદમાં જ સ્થિર થઈને રહે છે.

(વસિષ્ઠ રામને કહે છે કે) ઉપર પ્રમાણે મારાં વચનોનું શ્રવણ કરી,એ મંકિઋષિએ,એ જ જગ્યાએ પોતાના
મહા-પ્રબળ-મોહને પણ જડમૂળથી ત્યજી દીધો.અને વાસનાથી રહિત થઇ,આવી પડેલાં કાર્યો કરતા રહી,
છેવટે સમાધિમાં સ્થિતિ કરી આજ સુધી અચળ થઈને રહ્યો છે.
હે રામચંદ્રજી,આ મંકિઋષિએ ગ્રહણ કરેલા માર્ગનું અવલંબન કરી,જ્ઞાનનો ઉદય થતાં,શુદ્ધ થઇ ગયેલા ચિત્ત વડે વિવેકને પ્રાપ્ત થઇ જઈ, તમે પોતાના આત્માનંદમાં રમણ કરવા શાંતિને પ્રાપ્ત થાઓ.

(૨૭) ચિત્તની ચંચળતાથી જગતની પ્રતીતિ

વસિષ્ઠ કહે છે કે-વિવેક વડે ચિત્તને શાંત રાખી,પ્રારબ્ધ વડે જે કંઈ આવી મળે-તેનું ગ્રહણ કરી લઇ,મુક્ત થઈને રહો,
અને સ્ફટિકમાંથી બનાવેલી પ્રતિમાની જેવા તમે (આંખને) દેખાતા હોવા છતાં,પણ નથી જેવા થઈને રહો.
વ્યવહાર દૃષ્ટિએ જોતાં (અજ્ઞાન-દશામાં) જે સર્વ-વ્યાપી-આત્મતત્વ "સમષ્ટિ ભાવ--રૂપે-એક" છે
તે જ,વ્યષ્ટિ-ભાવથી (વ્યક્તિગત ભાવથી કે વ્યક્તિગત-રૂપે) "સર્વ-રૂપે" થઇ રહેલું છે,
પારમાર્થિક દૃષ્ટિએ જોતાં (જ્ઞાન-દશામાં) વ્યષ્ટિ-ભાવ અને સમષ્ટિ-ભાવ-એ સર્વનો બાધ થઇ જાય છે.

એ અવર્ણ્ય (વર્ણવી ના શકાય તેવું ચૈતન્ય-તત્વ) સમષ્ટિ-રૂપે એક છે કે વ્યષ્ટિ-રૂપે અનેક છે,
એમ કોઈ પણ પ્રકારે કહી શકાતું નથી,તો પછી તેમાં વિવિધ પ્રકારની બીજી કલ્પનાઓ તો ક્યાંથી જ ઘટે?
આ જે કંઈ છે તે આદિ-અંતથી રહિત,ચિદાકાશ-રૂપ છે અને ચેતન-તત્વ વડે ભરપુર છે,
જો કે શરીરની ઉત્પત્તિ અને નાશ થયા કરે છે,તો પણ અખંડ આત્મતત્વને તેનાથી શો બાધ લાગી શકે?

જડ દેહાદિકની ચેષ્ટાઓ,ચિત્તની ચંચળતાને લીધે જ પ્રતીતિમાં આવે છે.પણ યોગ વડે ચિત્તની ચંચળતા જતી રહે,
અને તે ચિત્ત આત્મામાં જ સ્થિર થઈને રહે,તો સઘળું આત્મામાં જ શમી (મળી) જાય છે.
"હું આ દેહ-રૂપ છું"એવી ભ્રાંતિ લાવવી તે બરાબર નથી.વારંવાર પુનર્જન્મ આદિ અનર્થ ઉત્પન્ન કરનારા,
એ દેહાદિક પદાર્થો,અવસ્તુ-રૂપ છે,એટલે તેમાં તમે અહંકાર લાવી બંધાઈ ના જાઓ,
અને અનંત સુખ આપનાર,સર્વના આદિ-રૂપ,મહામંગલમય પરમાત્માની જ ભાવના કરતા રહો,
એટલે તમને મોક્ષ-રૂપ-પરમ-પુરુષાર્થની પ્રાપ્તિ થશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE