Sep 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-921

વસિષ્ઠ કહે છે-ચિદાકાશ અનંત છે,તે પરમતત્વનું દેશ-કાળ-વસ્તુ-વગેરેથી કશું પરિમાણ (માપ) બાંધી
શકાતું નથી,માટે તમારા ચિત્તને,સુખ-દુઃખ-આદિમાં સમાન રાખીને,પરમતત્વમાં જ સદાકાળ લાગેલું રાખો.
તમે જો આવો આત્માકાર-વૃત્તિનો નિશ્ચય રાખશો,તેઓ તમે પોતે જ આત્મતત્વ-રૂપ છો.
ધ્યાતા-ધ્યાન-ધ્યેય-એમાંનું કશું સત્ય નથી.વળી, દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-એ પણ ચિત્ત-તત્વની જ વિભૂતિ છે,
કેમ કે,જડ વસ્તુ,એ ચેતન-તત્વથી જુદી હોઈ શકતી નથી,તેથી તે નથી અને ધ્યાતા-ધ્યાન-ધ્યેય-પણ નથી.

આત્મ-તત્વ સર્વત્ર એક સમાન રૂપે જ રહેલું છે,નિર્વિકાર છે એટલે તેમાં ક્ષોભ થવો કે શમી જવું -વગેરે કશો
વિકાર થતો જ નથી.છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપાની બુદ્ધિ થાય છે તેમ,શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યમાં ચિત્તને લીધે જ દેહાદિની ભ્રાંતિ થાય છે.
જેમ,ચિત્તને લીધે દેહાદિની ભ્રાંતિ થાય છે,તેમ દેહાદિને લીધે ચિત્તની ભ્રાંતિ થાય છે.
આવી જ રીતે અધિષ્ઠાન ચૈતન્યમાં જીવભાવ પણ દેહ-મન-આદિના અધ્યાસને લીધે કલ્પિત જ છે.
એ બધા ચેતનતત્વના વિવર્તો છે,તો પછી તે શુદ્ધ ચેતનતત્વમાં દ્વૈતની સંભાવના ક્યાંથી હોય?

સ્વરૂપનું સંપૂર્ણ રીતે જ્ઞાન થઇ જાય તો આ સર્વ એક શાંત-બ્રહ્મ-રૂપ જ જણાય છે.
જ્ઞાન-દૃષ્ટિએ જોતાં,જગત-આદિ કશું છે જ નહિ અને બીજી કોઈ પણ ભ્રાંતિ પણ નથી.
જેમ આકાશમાં વન હોઈ શકતું નથી કે રેતીમાં તેલ હોતું નથી,તેમ,શુદ્ધ ચૈતન્યમાં દેહાદિ-કશું પણ નથી.
હે રામચંદ્રજી,આમ,આ જગતની ભ્રાંતિ છે જ નહિ,તો તેમાં તમે કાંઇ પણ ભય ના રાખો,
અને તેને મિથ્યા જ સમજીને આત્મતત્વને ઓળખી લેવું-એ જ પરમ સત્ય વાત છે-એમ તમે સમજો.

બ્રહ્મની અને આત્માની એકતા એ જ સાચી વસ્તુ-સ્થિતિ (ગતિ) છે.તેનો તમે સારી રીતે અપરોક્ષ અનુભવ
કરીને સ્થિર થઇ રહ્યા છો-તો પછી ચિત્તને તાવ ઉત્પન્ન કરનાર,હર્ષ-શોક-તૃષ્ણા-આદિ સર્વ દુષણોને
છોડી દઈ તમે સુખેથી રહો-કે-(અથવા) લૌકિક દૃષ્ટિએ ભલે તમે તે સર્વ (હર્ષ-શોક-આદિ) ને અનુસરીને રહો.

(૨૮) પુરુષ અને કર્મ

રામ કહે છે કે-હે મહારાજ,"પુરુષો અને તેમનાં કર્મો"--"બીજ અને અંકુર"ની જેમ,એકબીજાની સાથે જોડાઈને
રહેલાં છે,અને અદૃષ્ટરૂપી-નિમિત્ત વડે યુક્ત થઇ અનેક જન્મ-પરંપરાને આપનારાં છે,તે વિશેનું ખરું તત્વ,
આપ મને ફરી વાર કહી સંભળાવો.
(નોંધ-અહી ફરીવાર કહી સંભળાવો -એ વાક્ય નોંધ-પાત્ર છે-એટલે જ અહી પુનરાવર્તન જોવામાં આવે છે)

વસિષ્ઠ કહે છે કે-"અદૃષ્ટ"નું તત્વ વિચારવા બેસીએ તો -તે તત્વ એ "કર્મ" છે.કર્મ નું તત્વ "પુરુષ" (જીવ) છે,
પુરુષનું તત્વ મન-રૂપે થઇ રહેલા ચિદાત્માનું "સ્ફુરણ" છે,અને એ સ્ફૂરણનું તત્વ "ચિદાત્મા" છે.

ચિદાત્મા પ્રથમ સૃષ્ટિના આરંભ-કાળમાં "હું સૃષ્ટિ-રૂપે થઈને અનેક-રૂપે થાઉં" (બહુસ્યાં પ્રજાયેય)
એવા "સંકલ્પ-રૂપ-ચેતનના સ્ફૂરણ" થી,સમષ્ટિ અને વ્યષ્ટિ-"મન" રૂપે થઇ જાય છે,અને,
"હું અમુક દેહ-આદિ આકારવાળો છું" એવા અધ્યાસ વડે,તે "જીવ(પુરુષ)રૂપ" બની "કર્મો" કરે છે.
પછી તે (કર્મો) "દૈવરૂપે" થાય છે,જે (દૈવ) પાપ-પુણ્ય-રૂપ "અદૃષ્ટ" (રૂપે કે નામથી) કહેવાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE