Nov 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-982

ચિદાત્મા પોતે આકાશના જેવો અસંગ,નિર્વિકાર અને સર્વના અધિષ્ઠાન-રૂપ છે.મન જેમ સ્વપ્નના આકારે પરિણામ પામી જઈ,સ્વપ્નના પદાર્થો-રૂપે જોવામાં આવે છે તેમ,સર્વ પદાર્થોનું તત્વ ચિદાકાશ જ છે,છતાં તે પદાર્થોને આકારે પરિણામ પામતું નથી."બહારના જડ-પદાર્થો જ ચિદાત્માની સત્તાથી અંદર ચિદાકાશ-રૂપે (ચેતન-રૂપે) પરિણામ પામી જઈ જોવામાં આવે છે" એમ કહી શકાતું નથી,કેમ કે જડ પદાર્થ એ ચેતનથી સાવ ઉલટો છે અને તે કદી પણ ચેતન થઇ શકતો નથી.

ચિદાત્મા,દૃશ્ય-પણાને પ્રાપ્ત થતો જ નથી.તે કદાચિત વિવર્ત-ભાવથી દૃશ્ય(જગત)-રૂપે જોવામાં આવે તો પણ તે સદાકાળ પોતાના અવિકૃત (વિકાર વિનાના) સ્વરૂપમાં જ રહેલો છે.અને તેનો કોઈ પણ અન્ય ભાવ થતો નથી.
ચિત્ત-વૃત્તિમાં જયારે અત્યંત શુદ્ધ એવા ચિદાકારનો ઉદય થશે ત્યારે જડ-ચેતનનું નામ-રૂપ જતું રહેશે.

ચિત્ત એ વાસનાને આધારે ટકી રહેનાર,લિંગ-દેહ-રૂપ છે અને પોતાની (ચિત્તની) દૃઢ ભાવનાને લીધે જ
આ દૃશ્ય-દેહ આદિ સ્થૂળ-પ્રપંચ-રૂપે (માયા-રૂપે) વાસનાથી કલ્પિત થઈને જોવામાં આવે છે.  
બાકી ખરી રીતે તો,એ ચિત્ત આકાશની જેમ અસંગ અને નિર્લેપ એવા ચિદાત્મા-રૂપ છે.
ચિત્તવૃત્તિ-નિગ્રહ (ચિત્તવૃત્તિનિરોધ) નો અભ્યાસ કરી,ખરું તત્વ જાણવામાં આવતાં,આ સંસારની
સર્વ ભ્રાંતિ તરત જ જતી રહે છે.અને આ ભ્રાંતિનું જ્ઞાન થતાં વાસના પણ પોતાની મેળે જ ટળી જાય છે.
વાસનાનો ક્ષય થાય એટલે તરત જ જન્મ-મરણના પ્રવાહ-રૂપી સંસાર શમી જાય છે.

જેવી રીતે સૂક્ષ્મ-દેહ,ભાવનાના અભ્યાસથી સ્થૂળ-દેહ બની જાય છે,તેવી રીતે તત્વજ્ઞ પુરુષોએ,પોતાના વાસનામય સ્થૂળ-દેહને પણ જ્ઞાનને પામી,બ્રહ્મમાં જ "અહંભાવની વાસના"વાળો કર્યા પછી,તેને બ્રહ્મ-ચૈતન્ય-રૂપ કરવો.
(એટલે કે જ્ઞાનના સતત અભ્યાસ વડે તત્વજ્ઞ-પુરુષોએ સ્થૂળ દેહથી બ્રહ્મભાવને પ્રાપ્ત કરી લેવો)
આત્મા વિના બીજું કોઈ છે જ નહિ,એટલે જીવાત્માને આધાર આપનાર લિંગ-દેહની ઉત્પત્તિ કરનાર આત્મા જ ગણાય,તો પછી લિંગ-દેહ (મન કે ચિત્ત-વગેરે) આત્માથી જુદો છે -એમ કેવી રીતે કહી શકાય?

જ્યાં સુધી જીવ-ચૈતન્યનું (આત્માનું) અને બ્રહ્મ-ચૈતન્યનું (પરમાત્માનું) વૃત્તિ (ચિત્ત-વૃત્તિ) દ્વારા અખંડ એકરસ-પણું થાય,અને,તે જ રીતે અખંડાકાર વૃત્તિનું પણ અનુસંધાન ના રહે,ત્યાં સુધી જીવ-ચૈતન્યના અસંગ-પણા અને અદ્વિતીય-પણાની ભાવના કર્યા કરવી.બહાર અને અંદર સર્વત્ર ચિત્ત શાંત થઇ જતાં,પોતાના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ નજરે પડે છે.એ નિર્મળ અને શીતળ સ્વરૂપ-સ્થિતિનો આશ્રય રાખી તમે શાંત થઈને સુખેથી રહો.

તૃષ્ણાનો ક્ષય થઇ જવાને લીધે,શાંત મનવાળા અને સંપૂર્ણ નિરોધ અવસ્થાને પામેલા,
જ્ઞાન-નિષ્ઠ પુરુષની સ્થિતિ,એ દૃઢ સમાધિની સ્થિતિ જ છે,બીજી કોઈ સ્થિત સંભવતી જ નથી.
બાહ્ય પદાર્થોની તૃષ્ણાનો ક્ષય થઇ ગયા પછી વૈરાગ્યને લીધે ચિત્ત જેવું શાંત રહે છે,
તેવું,અનેક શાસ્ત્ર-ગ્રંથો,ઉપદેશ,તપ કે ઇન્દ્રિય-નિગ્રહથી પણ  શાંત રહેતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE