Nov 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-989

"પદાર્થ (સૃષ્ટિ)ની ફરીવાર ઉત્પત્તિ થતી જોવામાં આવવાથી,પહેલાં નાશ પામેલા પદાર્થનું જ વચમાં અસ્તિત્વ છે"
એવી કલ્પના પણ ઘટતી નથી,કેમ કે તે પદાર્થ-તે તેનો તે જ છે-એવું જ્ઞાન કોને થાય છે?
લૌકિક-દૃષ્ટિએ,સર્વ પદાર્થ અવશ્ય નશ્વર (નાશ પામે તેવો) છે,તેથી,"એક પદાર્થ નાશ પામ્યો અને ફરીથી બીજો તેવો જ પદાર્થ ઉત્પન્ન  થયો" એવી કલ્પના કાંઇક સંભવિત હોય તેમ લાગે છે.

"વૃક્ષના મૂળથી માંડી શિખા સુધી,આખા વૃક્ષમાં (શાખાઓ,પત્ર,પુષ્પ,ફળમાં) એક "બીજ-સત્તા" જ વ્યાપીને
સર્વત્ર એક અખંડ-પણે રહેલી છે" એવી "ઐક્ય-દૃષ્ટિ" થાય તો-બીજ-વૃક્ષનું,કાર્ય-કારણ-પણું ક્યાંથી રહે?
આ જ રીતે સૃષ્ટિ,પ્રલય,દેશ,કાળ,ક્રિયા-આદિ-રૂપે પ્રસરી રહેલું એક ચૈતન્ય-રૂપ-બીજ જ સત્તા-રૂપે દેખવામાં આવે અને ."તે ચૈતન્ય,સર્વ-રૂપે,વિવર્ત-ભાવથી થઇ રહ્યું છે" એવી જો દૃષ્ટિ થાય,તો કાર્ય-કારણ-પણું રહે નહિ.

સર્વ "દર્શનો" (દર્શન-શાસ્ત્રો)ના સિદ્ધાંતમાં એક વસ્તુમાં અનેક પ્રકારના ભાવોના ભેદનું નિરૂપણ કરવામાં
આવ્યું નથી.એટલે જો પરમ-અર્થ-રૂપ ચિન્મયમાં (ચૈતન્યમાં) અનેક પ્રકારના ભેદો,ખરી રીતે છે જ નહિ,
તો એ વિષે વિવાદ કરવાનું આપણને શું પ્રયોજન હોય?
આમ,આ બાબતમાં વિચાર કરવાથી અને "અનુભવ-પ્રમાણ"થી એટલું જ  સિદ્ધ થાય છે કે-
આ સર્વ (પદાર્થો-સૃષ્ટિ કે જગત) એ ચિદાત્માનો જ એક વિવર્ત છે.(જળના તરંગની જેમ)

તેથી,તે (તત્વ,બ્રહ્મ કે ચૈતન્ય) અનાદિ,અનંત,શાંત,નિર્લેપ,નિરાકાર અને માત્ર બોધ-રૂપ જ છે.
એ તત્વ જેવી રીતે, અવિદ્યાને લીધે અનુભવમાં આવતું નથી,પણ, વિદ્યા વડે અનુભવમાં આવે છે અને
જેવી રીતે,એ (અદ્વૈત) તત્વજ્ઞાનથી  સિદ્ધ થાય છે-તે સર્વ હું ક્રમથી કહી સંભળાવું છું-તે તમે સાંભળો.

મહાપ્રલયમાં જયારે તરણાથી  હિરણ્યગર્ભ (બ્રહ્મા-મહાદેવ) સુધીના સર્વ દૃશ્ય-સમૂહ(મન-બુદ્ધિ-કર્મ સહિત)
નાશ પામે છે,જયારે આકાશ પણ લયને પામી જાય છે,જયારે કાળ (સમય) પણ સ્થિતિ-વિહીન થઇ જાય છે,
ત્યારે શાંત,અનુભવરૂપ,નિત્ય,નિર્મળ.નામ-રૂપ વિનાનું,અનાદિ,અનંત,શુદ્ધ અને સ્વચ્છ-એવું
કંઇક અનિર્વચનીય તત્વ (બ્રહ્મ) જ અવશેષ રહે છે.
કે જે (તત્વ) ઇન્દ્રિય વડે જાણી ના શકાય તેવું અવ્યક્ત છે,શૂન્ય જેવું છે,પ્રાણીમાત્રના આત્મા-રૂપ છે.

તે તત્વ,વ્યવહાર-દૃષ્ટિએ જોતાં કાર્ય-કારણ-રૂપ છે અને તે જ પરમપદ-રૂપ છે.
અધિષ્ઠાન-દૃષ્ટિએ જોતાં તે કશાય-રૂપ નથી અને આરોપિત દૃષ્ટિએ જોતાં તે સર્વ-રૂપ છે.
આ પરમતત્વ-રૂપી ચિદાકાશ કાંઇક જુદી જ તરેહનું છે અને અવર્ણનીય છે,
અને, આ પરમતત્વ કોઈક મુક્ત થઇ ગયેલા તત્વવેત્તાના જ અનુભવમાં આવે છે.
તે તત્વવેત્તાઓની સ્થિતિ એ પરમપદમાં જ નિરંતર રીતે રહેલી હોય છે.આમ તે માત્ર  તે "અનુભવગમ્ય" જ છે.
(એટલે કે તે પરમ-તત્વને માત્ર અનુભવી જ શકાય છે -કે-તે પરમ-તત્વ એ માત્ર "અનુભવ" જ છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE