Dec 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1005

વળી,જે પુરુષો વિવેક-યુક્ત આત્માવાળા હોય છે અને શુદ્ધ ચૈતન્યની સાથે એકતા પામેલા હોય છે,તે પુરુષો મારી સાથે મળતા વિચારના છે અને મારા એક આત્મા-રૂપ જ છે,કેમ કે તેવા પુરુષોને હું મારા આત્મારૂપ જ સમજુ છું.
આવી ઉત્તમ વિવેક-દૃષ્ટિનો પાક-કાળ આવી જાય છે,ત્યારે દૃષ્ટા-દર્શન-દૃશ્ય-એ ત્રિપુટીમાં કશી પણ બુદ્ધિ ઉદય જ પામતી નથી,કેમ કે અપરોક્ષ અનુભવ વડે આત્માનું સર્વત્ર એક-પણું જ જણાય છે.

રામ કહે છે કે-હે મહારાજ,આપ જયારે ઉપર પ્રમાણે અનુભવ કરતા હતા,ત્યારે તે સ્ત્રી શું કરતી હતી ?

વસિષ્ઠ કહે છે કે-પહેલાંની જેમ જ,પ્રીતિ-પ્રશંસા-વગેરે વ્યાપાર કરતી અને તે જ આર્યા (નામનો છંદ) બોલ્યા કરતી,એ સ્ત્રી ચિદાકાશની અંદર દેવીની પેઠે ચિદાકાશ-રૂપી-દેહ વડે મારી પાસે જ ઉભી હતી,
જેવી રીતે, મેં ચિદાકાશ-રૂપી દેહ ધારણ કરેલો હતો,તેવી રીતે તેનો પણ ચિદાકાશ-રૂપી દેહ હતો,અને તેથી જ,
પૂર્વના દેહ (જયારે સ્થૂળ-દેહમાં અભિમાન હતું ત્યારનો દેહ) માં તે સ્ત્રી મારા જોવામાં આવી નહોતી.

રામ કહે છે કે-સ્થૂળ શરીર,જીભ,પ્રાણવાયુ વગેરેના સંયોગથી ઉત્પન્ન થનારા અક્ષરો (વાણી) જે મુખ દ્વારા બહાર નીકળે છે,તે શબ્દો (આર્યા નામના છંદો) તે ચિદાકાશ-રૂપી શરીરને ધારણ કરી રહેલી એ સ્ત્રીમાંથી કઈ રીતે ઉત્પન્ન  થઇ શકે? વળી આપ પણ ચિદાકાશ-રૂપી શરીર ધારણ કરી રહ્યાં હતાં,તો આપને પણ એ સ્રીના રૂપનું દર્શન અને તે સંબંધી "વિચાર" એ બંને શી રીતે થયાં? આ બાબતે જે તત્વ અને તેનો નિશ્ચય હોય તે આપ કહો.
વળી તે સ્ત્રી સાથે આપનો જે સંભાષણ-આદિ વ્યવહાર થયો હોય-તો તે પણ કહો.

વસિષ્ઠ કહે છે કે-તત્વદૃષ્ટિથી જોઈએ તો,આપણે સર્વ અને આપણને પ્રતીતિમાં આવતું આ દૃશ્યમાન સર્વ જગત,
પણ શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે.પરમાર્થ-દૃષ્ટિથી જોતાં,જેનું સાત્વિક સ્વરૂપ શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે,
તે અત્ય એવો પરબ્રહ્મ-રૂપી મહા-ધાતુ પોતે વિવર્ત-ભાવથી સર્વ-રૂપે પ્રતીતિમાં આવે છે.
જગતની વાસના-રૂપી-ઉપાધિના યોગથી જ ચિદાત્માના શુદ્ધ સ્વભાવમાં એવી પ્રતીતિ થાય છે,એમ નિશ્ચય છે.

આ આપણા સ્થૂળ શરીર,જીભ-વગેરે શબ્દના ઉચ્ચારના સ્થાનો અને આપણી ઇન્દ્રિયોના અસ્તિત્વમાં તમને શો પાકો ભરોસો છે? જેવી રીતે સમાધિકાળમાં દૃશ્ય-રૂપે દેખાયેલા પદાર્થો (દેહ-આદિ) કેવળ પ્રતીતિ-માત્ર હતા,
તેવી રીતે આપણું પણ,આ સર્વ (દેહ-આદિ) પ્રતીતિમાત્ર ખડું થઇ રહેલ છે.
જેવું એ સમાધિમાં દેખાયેલ દૃશ્ય અસત્ય હતું,તેવું જ આ દૃશ્ય પણ અસત્ય છે.એટલે જેવું આ પ્રત્યક્ષ રીતે પ્રતીતિમાં આવે છે,તેવું જ એ સમાધિકાળનું દૃશ્ય પણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવતું હતું.

વસ્તુતઃ દૃશ્ય સાવ અસત્ય છે,પણ તે પ્રત્યક્ષ જણાય છે એટલે તે સત્ય જેવું થઇ રહ્યું છે.
અને આત્મતત્વ તો ત્રણે કાળમાં સત્ય છે,છતાં અજ્ઞાનના આવરણને લીધે તે અત્યંત અપ્રસિદ્ધ થઇ રહ્યું છે.

જેમ સ્વપ્નના વ્યવહારો ચિદાકાશ-રૂપ છે તેમ,હું,તમે સમાધિમાં દેખાયેલી સ્ત્રી-વગેરે સર્વ દૃશ્ય ચિદાકાશરૂપ જ છે.પણ જેમ સ્વપ્નના વ્યવહારો મિથ્યા છતાં અનુભવમાં આવે છે તેમ,આ સંસાર પણ અનુભવમાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE