Dec 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1010

વિદ્યાધરી કહે છે કે-મને જયારે તરુણપણું પ્રાપ્ત થયું,એટલે અત્યંત વિકસિત થઈને હું સુંદર થઇ રહી.મારો પતિ કેવળ તપમાં જ આસક્ત છે,તે શ્રોત્રિય-પણાને લીધે (કોઈ જાતની અપેક્ષા નહિ રાખવાને લીધે) નાહકનો વિલંબ કરીને આજ સુધી મને પરણેલ નથી.હું યુવાનીથી સંપન્ન છું અને વિલાસોના રસ વડે સુશોભિત છું,આથી જેમ અગ્નિનો સંપર્ક થતાં,કમલિની બળ્યા કરે છે તેમ,આ અવિવાહિતપણાને લીધે,હું એ પતિ વિના અંદર બળ્યા કરું છું.મારી સખીઓ મારો દાહ શમાવવા માટે પુષ્પોની શૈયા રચી,હીંડોળાની જેમ હીંચકાવે છે,તો પણ હું જાણે કાંટાઓમાં હીંચકતી હોઉં,તેવો મને અત્યંત દાહ થાય છે.

ઉત્તમ (રમ્ય કે મનને ગમતી) વસ્તુ જોતાં જ હું (તે મળતી ના હોવાથી સંતાપથી) રોવા માંડું છું,
મધ્યસ્થ (ઉપેક્ષા કરવા યોગ્ય) વસ્તુ જોતાં જ હું (તેના પ્રત્યે સંશય હોવાથી-વિચારને લીધે) શાંત થઇ રહું છું,
અને,આ લોકમાં નીચ (નિંદ્ય) ગણાતાં મૂર્છા તથા જડપણું પામીને મને ઉલટો હર્ષ થાય છે,
કેમ કે હું દીન છું અને તે સમયમાં કેવી સ્થિતમાં હોઉં છું,તેનું મને ભાન રહેતું નથી.
હાય,મારા એ નવ-યૌવનના દિવસો વ્યર્થ ચાલ્યા ગયા !!

(૬૫) વિદ્યાધરીની સિદ્ધ દશા

વિદ્યાધરી કહે છે કે-ઘણો લાંબો કાળ ચાલ્યો જતાં,એ મારો સ્નેહ પણ નિર્માલ્ય જેવો થઇ ગયો છે.
મારો પતિ વૃદ્ધ છે,એકાંતમાં રહ્યા કરે છે,નીરસ,સ્નેહ-રહિત છતાં સરળ-ચિત્ત છે ને મૌનધારી છે,
તો મારે હવે જીવીને ય શું પામવાનું છે? બાળપણથી જ વૈધવ્ય ભોગવવું એ ઠીક છે,કે મરણ થઇ જાય-એ પણ ઠીક છે,
પરંતુ ચિત્તને રુચે નહિ એવી પ્રકૃતિ-વાળો પતિ હોય એ ઠીક નથી જ.

નીરસ પતિવાળી સ્ત્રી પોતે જીવતાં છતાં મરેલી જ છે,શાસ્ત્ર-સંબંધી સંસ્કાર વિનાની બુદ્ધિ પણ અનેક દુષ્કર્મોથી હણાયેલી જ છે,
અને દુર્જનોના ઉપભોગમાં આવેલી લક્ષ્મી પણ ધૂળધાણી જ થયેલી છે.
જે સ્ત્રી પોતાના મન-વચન-કર્મ વડે પોતાના પતિને અનુસરે છે,તે જ ખરી સ્ત્રી છે,જે લક્ષ્મી,સત્પુરુષને અનુસરે છે
તે જ ખરી લક્ષ્મી છે અને જે બુદ્ધિ શમ-દમ-આદિ સાધન-સંપત્તિ વડે ઉદાર છે તે જ ખરી બુદ્ધિ છે.
સ્ત્રીઓ જગતમાં પ્રસિદ્ધ રીતે દેખાતા ઘર,ધન-આદિ સર્વ પદાર્થોનો ત્યાગ,(થોડા ગુણને લીધે કે પ્રમાદને લીધે)
કરી શકે છે પરંતુ તેઓ પોતાના એક પતિનો ત્યાગ કરી શકતી નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE