Jan 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1029

એ બ્રહ્માંડના બે ભાગમાંથી ઉપરના ભાગને તે બ્રહ્માએ આકાશ-રૂપે કલ્પી લીધે અને નીચેના ભાગને
પૃથ્વીરૂપે કલ્પી લીધો.પરંતુ એ બંને ભાગ,એ વિરાટ-પુરુષની દૃષ્ટિમાં પોતાના આત્માથી જરા પણ જુદા નથી.
બ્રહ્માંડનો ઉપરનો ભાગ તે વિરાટના મસ્તક-રૂપ કહેવાય છે અને નીચેનો ભૂલોક ચરણ-રૂપ કહેવાય છે.
અને વચમાં રહેલા આકાશનો ભાગ તેના નિતંબરૂપ છે.
છેટેછેટે રહેલા એ બંને લોકોનો (ભૂલોક-આકાશલોકનો) વચલો ભાગ અતિ-વિસ્તારવાળો છે,અનંત છે
અને તે સર્વ મનુષ્યોને શૂન્ય-શ્યામ-એવી 'આકાશ-રેખા'રૂપે જોવામાં આવે છે.

સ્વર્ગલોક એ,તે વિરાટ-પુરુષના 'તાળવા-રૂપ' છે,તારાઓ 'રુધિર-બિંદુરૂપ' છે.તેના દેહની અંદર સૂર,અસુર,
નર આદિ જીવો-એ બુદ્ધિ તથા પ્રાણની અનેક 'વૃત્તિઓ-રૂપ' છે અને ભૂત,પિશાચ-આદિ 'કૃમિ-રૂપ' છે.
સૂર્યલોક,ચંદ્રલોક આદિ ઉપરના લોકો તેના ઉપરના (ચક્ષુ-વગેરે) છિદ્રો-રૂપ છે,
અને યમલોક-આદિ નરકસ્થાનો તેના નીચેનાં છિદ્રો-રૂપ છે.

વિસ્તારવાળો (પૃથ્વીની) નીચેનો બ્રહ્માંડ-ખંડ,એ 'પાતાળ-રૂપ' રહેલો છે કે જે તેના ચરણ-તળરૂપ છે.
જળ વડે ચંચળ દેખાતી,ગુફાઓ-રૂપી અનેક રંઘ્રોને (છિદ્રોને) ધારણ કરી રહેલી,કામ,રોગ,જરા,મરણ વડે વ્યાકુળ,
અને સમુદ્ર તથા દ્વીપ વડે વીંટાયેલી,પૃથ્વી એ તે વિરાટ-પુરુષના મધ્યમાં રહેલ નિતંબ-ભાગરૂપ છે.
જળ વડે ખળભળાટ કરનારી નદીઓ તેના દેહની નાડીઓ-રૂપ છે.અને જળ એ  નાડીના રસરૂપ છે.

મેરુરુપી કર્ણિકાને ધારણકરી રહેલો જંબુદ્વીપ એ વિરાટપુરુષના 'હ્રદય-કમળરૂપ' છે.
શૂન્ય-દિશાઓ એ 'પેટ-રૂપ' છે,પર્વતો 'યકૃત અને પ્લીહા-રૂપ' છે,મેઘો મેદના સમૂહ-રૂપ છે,
ચંદ્ર-સૂર્ય તેના લોચન-રૂપ છે,બ્રહ્મલોક તેના મુખ-રૂપ છે.
ચંદ્રને તે વિરાટના વીર્ય-રૂપ કહેવામાં આવે છે,અગ્નિલોક પિત્તરૂપ છે અને વાતસ્કંધમાં પ્રસિદ્ધ એવા
(આવહ-નિહવ-પ્રવહ) મહા-વાયુઓ તેના હૃદયમાં રહેનારા ;'પ્રાણ-અપાન-રૂપ' છે.

બ્રહ્માંડનો ઉપરનો સઘળો વિભાગ,તે વિરાટ-પુરુષના મસ્તક-રૂપ છે
અને તે બ્રહ્માંડના ઉપરના છેવટના ભાગમાં રહેલી 'જ્યોતિ' તે વિરાટની પ્રદિપ્ત શિખા-રૂપ છે.
એ વિરાટપુરુષ પોતે જ સમષ્ટિના 'મન-રૂપ' છે,તેથી તેનું જુદું મન માનવાની કશી જરૂર રહેતી નથી.
વળી 'એ વિરાટનો આત્મા જ ભોગને માટે ભોગ્ય વસ્તુને કલ્પી લઈને,પોતે ભોક્તારૂપ થાય છે'
એવી કલ્પના પણ યોગ્ય નથી,કેમ કે આત્મા તો અસંગ અને અદ્વિતીય છે,
અને બીજો કોઈ ભોગ્ય પદાર્થ જ ના હોવાથી તે (આત્મા) કોનો ભોક્તા થાય?
શી રીતે તેનામાં ભોક્તા-પણું સંભવે? તેથી તેને ભોક્તા કેમ કહી શકાય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE