Jan 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1039

ત્રણગુણો,ત્રણ કાળ,પ્રણવ (ॐ) ના ત્રણ વર્ણ (અ-ઉ-મ),ત્રણ વેદ અને મન-બુદ્ધિ-અહંકારની ત્રિપુટી,
એ સર્વ તે રુદ્રનાં ત્રણ નેત્ર-રૂપ છે.ત્રૈલોક્ય-રૂપી ત્રિશૂલ,તેમણે પોતાની મૂઠીની અંદર પકડી રાખ્યું છે.
સર્વ પ્રાણીમાત્રમાં એ રુદ્ર સિવાય બીજું કશું નથી,તેથી સર્વ દેહોના આત્મારૂપ તે જ થઇ રહેલ છે.
પોતે સર્જેલ પ્રાણીઓને તેમના કર્મો મુજબ ભોગ આપવો અને અંતે મોક્ષનો અધિકાર પ્રાપ્ત થતાં તેમને
મોક્ષ આપવો,એવો જેમનો સ્વભાવ છે-તે જ તેમનું 'સૃષ્ટિ-રચનાનું પ્રયોજન' છે.

શુદ્ધ ચિદાકાશ અને નિરતિશય પરમાત્માની 'એકોહમ બહુસ્યામ' એવી સંકલ્પરૂપી 'માયા-વૃત્તિ' વડે પ્રેરણા
થાય છે,એટલે તે રુદ્ર પોતાનું કાર્ય (સૃષ્ટિ) કરે છે.અને જયારે તે જ માયાથી પ્રલયની પ્રેરણા થાય છે,
એટલે ક્રમે કરી સર્વ સૃષ્ટિને તે ગળી જાય છે (સૃષ્ટિનો સંહાર કરે છે) એટલે,
એ રુદ્રનું ખરું સ્વરૂપ તો નિર્મળ ચિદાકાશરૂપ છે પણ એ જ ઈશ્વર-રૂપ રુદ્રને કાળા વર્ણવવામાં આવ્યા છે.
એ જ રુદ્ર જગતનો પ્રલય કરી સમુદ્ર-રૂપ કરી નાખે છે અને એ સમુદ્રને પી જઈ શાંતિને પ્રાપ્ત થાય છે.

ત્યાર બાદ પણ હું જોવા લાગ્યો,તો રુદ્ર,પ્રાણવાયુના વેગથી એ મહાસાગરને પી જવાનો ઉદ્યમ કરી રહ્યા હતા.
ત્યારે તે મહાસાગર રુદ્રના પ્રાણથી ખેંચાઈને રુદ્રના મુખમાં પ્રવેશ કરતો હતો.
એ અહંકાર-રૂપી-રુદ્ર જ પ્રલયકાળ પર્યંત,સમુદ્રમાં વડવાનલ-રૂપ (અગ્નિ) થઈને સઘળાં જળને પી જાય છે.
જેમ સૂર્ય અંધકારને પી જાય છે,તેમ એ શ્યામવર્ણા રુદ્ર મુહુર્તમાત્રમાં મહાસાગરના જળનું પાન કરી ગયા.
ઠેઠ બ્રહ્મલોકથી માંડીને પાતાળ સુધી બધું શાંત અને શૂન્ય થઇ ગયું,
જળ,પવન અને પ્રાણીઓનો અભાવ હતો,એટલે હવે માત્ર આકાશ જ એકસરખી રીતે પોતાના સ્વરૂપમાં હતું.

(નોંધ-અહીં ચાર મહાભૂતોનો મહાપ્રલયમાં નાશ કેવી રીતે થયો તેનું વર્ણન કર્યું છે તે નોંધનીય છે.
મહા-પ્રલયમાં સહુ પ્રથમ અગ્નિ (બાર સૂર્યો) પછી પૃથ્વી (જળમાં ડૂબી) જળ (પવનશક્તિથી બન્યું અને ગયું)
અને  છેવટે પવન (વાયુ)શક્તિ (માયા) ને ધારણ કરનાર (બ્રહ્મ-રૂપી) રુદ્ર (આકાશ-રૂપે) બાકી રહ્યા !!!)

હે રામચંદ્રજી,તે વખતે ફક્ત "આકાશના જેવા નિર્મળ ચાર પદાર્થો" જ અચળપણે જણાતા હતા.
તે વિષે હવે હું તમને કહું છું તે તમે સાંભળો.
એક,તો કાળા રંગના આકાશના જેવા આકારવાળા,સુગંધ(વાયુ)ની જેમ,
રુદ્ર તે આકાશમાં 'નિરાધાર'રીતે મધ્યમાં દેખાતા હતા.
બીજો,પદાર્થ બ્રહ્માંડ-રૂપી ઘરનો સાત-પાતાળનો નીચેનો ભાગ હતો,તે અતિ છેટે,
પૃથ્વી -અને- આકાશના તળ (તળિયા) ના જેવો જણાતો હતો.

(એ ભાગ ત્રણે લોક ભસ્મ થઇ જવાને લીધે અવશેષ રહેલી ભસ્મ અને તેના પર જળ પડવાથી ભીના થઇ ગયેલા
કીચડ-રૂપે જામી ગયેલા પાર્થિવ ભાગ વડે વ્યાપ્ત હતો,અને આકાશની અપેક્ષાએ 'સ્થૂળ' દેખાતો હતો)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE