Jan 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1053


વસિષ્ઠ કહે છે કે-પ્રથમ તો,'દિશા'ઓને (પ્રપંચને) પોતાનામાં આરોપનારું 'આકાશ',
''ચિદશક્તિ' વડે 'ચિત્ત-રૂપ' થઇ જાય છે.પછી તેમાંથી 'અહંકાર' (હું) પેદા થાય છે,
અને તે (અહંકાર) જ નિશ્ચયરૂપે ઘાટાપણાને પ્રાપ્ત થઇ 'બુદ્ધિ' કહેવાય છે.
પછી તે બુદ્ધિ,સંકલ્પ-વિકલ્પ આદિ-રૂપે ઘાટાપણાને પામતાં 'મન' (વિચારો) કહેવાય છે.
હવે તે મન,તન્માત્રાઓ (શબ્દ-સ્પર્શ વગેરે તન્માત્રાઓ) 'કલ્પી' (વિચારી) લે છે,અને
તેમ તે સ્થૂળતાને પ્રાપ્ત થતાં પાંચ ઇન્દ્રિયો-રૂપ બને છે.અને આમ 'ઇન્દ્રિયો'નો સમુદાય ઉદય પામે છે.

આમ સૃષ્ટિના આદિકાળમાં નિર્વિકાર એવા ચિદાત્મામાં ક્ષણવારમાં જ જગત-રૂપી-'દૃશ્ય' ઉદય પામે છે,
કે જે સુખ-દુઃખ પેદા કરે છે.આ અનંત દૃશ્ય-જાળની પ્રતીતિ સર્વેને એકસરખા કાળ સુધી ભાસ્યા કરે છે.
આ પ્રમાણે,રમણીય એવા એક પરમાણુ જેવડા ભાગમાં પણ બ્રહ્માંડ-રૂપે પ્રસરી રહેલા ચિદાત્માનો
મને અનુભવ થયો.વસ્તુત્તઃ તો તે સર્વ ચિદાકાશ છે,પણ મન,સર્વ ઠેકાણે પોતાના શરીરને કલ્પી લે છે.

સર્વના પરમ 'કારણ'રૂપ,હિરણ્યગર્ભના મનની કલ્પના 'શક્તિ' થી પ્રથમથી જ જે પદાર્થનું જેવું રૂપ કલ્પાઈ ગયું હોય છે,
તેને તે પોતે ઘણો યત્ન કરવા છતાં પણ ફેરવી શકતા નથી.તો પછી બીજાથી તો કેમ ફરી શકે?
આમ, સહુ પ્રથમ,હું (વસિષ્ઠ) ચેતન-પણાને લીધે અપરિચ્છિન્ન છું પણ ચિત્તે કરેલી પરિચ્છિન્ન-પણાની 'કલ્પના'માં જોડાઈ
જતાં 'અણુ-રૂપ' થઇ ગયો.પછી ચિદાત્માના પ્રતિબિંબને લીધે મને 'તેજ'ના કણ જેવા,તેજોમય
'લિંગ-શરીર'ની સ્ફૂર્તિ થઇ અને પછી તેની જ ભાવના કરતાં જાણે હું 'સ્થૂળ-દેહ'રૂપ બની ગયો હોઉં તેમ જણાયું.

પછી "હું કાંઇક વિષયો (રૂપ-આદિ) નો અનુભવ કરું " એવો મારા સૂક્ષ્મ જીવાત્મામાં જરાક 'વિચાર' આવ્યો,
એટલે મેં તે તે વિષયોમાં 'પ્રવૃત્તિ' કરી,એટલે મને ઇન્દ્રિયો અને તેના 'વિષયો'નો અનુભવ થયો.
હે રામચંદ્રજી,એ ઇન્દ્રિયો અને વિષયોનાં જે જે નામો છે તેમાં મુખ્ય નામોની તમારા જેવા સુજ્ઞ પુરુષોએ
જે કલ્પના કરી છે-તે વિષે હવે હું કહું છું તે તમે સાંભળો.

જે ઇન્દ્રિય વડે મેં જોવાની પ્રવૃત્તિ કરી-તે 'ચક્ષુ' (આંખ) કહેવાય છે,
તેનાથી જે કંઈ જોવાનું હોય તે 'દૃશ્ય' (રૂપ) કહેવાય છે
અને તે બંને (આંખ અને દૃશ્ય) ના સંયોગના ફળને 'દર્શન' કહેવામાં આવે છે.
જે 'સમયે' એ રૂપનું દર્શન થાય એ સમયને 'કાળ' શબ્દથી ઓળખવામાં આવે છે.
અને જે 'પ્રકારે' એ રૂપને જોવામાં આવે છે-તેને 'ક્રમ' કહે છે.
આવી જાતનો જે એક ઈશ્વરી-પ્રૌઢ નિયમ છે તેને 'નિયતિ' કહે છે.
જે શૂન્ય અધિષ્ઠાનની અંદર (જેમાં) એ 'દૃશ્ય' જોવામાં આવે છે તેને 'આકાશ' કહે છે,
અને તે આકાશના જે ભાગની અંદર હું રહું છે-તેને 'દેશ' કહેવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE