Feb 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1064






સિદ્ધ કહે છે કે-એમ ઉદ્વેગ પામ્યા પછી મેં વિચાર કરવા માંડ્યો કે-પરમતત્વ જ માત્ર સારરૂપ છે,
તો ભોગોમાં શી મનોહરતા રહી છે? માટે હું ઉદ્વેગરહિત નિર્વિકાર ચિદાકાશમાં જ કેવળ વિશ્રાંતિ કરું.
આ સંસારમાં પાંચ વિષયો(શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ) વિના બીજું કશું દેખાતું નથી,તો પછી એવા પરિચ્છિન્ન અલ્પ-સુખમાં
હું કેમ રમું? આ સર્વ વિષયો ચિદાકાશરૂપ અને કેવળ ચિન્માત્ર છે.તો તેમાં હું  કેમ આનંદ પામું?
ખરું જોતાં વિષયો એ વિષની જેમ જ મરણ-ઉન્માદ આદિના હેતુરૂપ છે.

સમુદ્રમાં ઉત્પન્ન થતા પરપોટાની જેમ,આ શરીર ક્ષણમાત્રમાં નાશ પામી જાય એવું છે.આ જીવન-રૂપી નદી
વિવિધ પ્રકારના વિક્ષેપો-રૂપી તરંગવાળી છે,જન્મ-મરણ-રૂપી બે કાંઠાવાળી છે,સુખ-દુઃખ-રૂપી તરંગોને ધારણ
કરનારી છે,યૌવન-અવસ્થાના આવિર્ભાવ-રૂપી કાદવ-વાળી છે,વૃદ્ધાવસ્થા-રૂપી ધોળા ફીણના ગોટા-રૂપી છે.
એ જીવન એ,રાગ-દ્વેષ,લોભ-મોહ,ચડતી-પડતી વાળું છે અને તે શીતળ દેખાવા છતાં,ત્રિવિધ તાપોથી ભરેલું છે.

સ્ત્રી,પુત્ર,મિત્ર આદિ પ્રિય પદાર્થોના સમાગમો સંસારરૂપી નદીમાં જળની જેમ જ નિરંતર વહ્યે જાય છે.
પ્રથમની ધન-સંપતિ જતી રહે છે તો બીજી અપૂર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે.આવા પ્રથમ પ્રાપ્ત થઈને પછી પાછા જતા
રહેનારા નષ્ટ પદાર્થોનું શું પ્રયોજન છે? એવા પદાર્થોમાં શી અને શા માટે આસ્થા (આસક્તિ) રાખવી?
નદીઓનું જળ જોકે વહી જાય છે,પણ મેઘ,પર્વત વગેરેમાંથી તેની (નવું પાણી આવવાની) આવક પણ હોય છે,
પરંતુ દેહ-રૂપી-નદીનું આયુષ્ય-રૂપી-જળ તો વહી જાય છે,પણ તેમાં પછી બીજી કોઈ આવક નથી.

આ સંસાર-રૂપી સાગરમાં સેંકડો ભોગ્ય પદાર્થો,પ્રત્યેક દેહે અને પ્રત્યેક ક્ષણે,જુદાજુદા-રૂપે બદલાઈ જતા જણાય છે.
વિષયો-રૂપી-શત્રુઓ,વિવેક-આદિ દ્રવ્યને રાતમાં લુંટી લેવામાં ચતુર ચોર જેવા છે-તો તેમાં શું હું સૂતો રહું?
અહો,કાળ વડે જતા રહેનારા એ દિવસોને કોણ જાણે છે?
અમુક પદાર્થ આજે મને મળ્યા,અમુક પદાર્થ મને કાળે મળશે,અમુક મારું છે અને અમુક બીજા કોઈનું છે,
એમ કલ્પનામાં વહી ગયેલા આયુષ્યને તથા નજીક આવી પડેલા મૃત્યુને કોઈ જાણી શકતું નથી.

મેં અનંત વનભૂમિઓમાં ભ્રમણ કર્યું  છે,અનેક વસ્તુઓનો ઉપભોગ કર્યો છે,અનેક રસોનું પાન કર્યું છે
અને અનેક સુખ-દુઃખોનો અનુભવ પણ કર્યો છે,તો પછી અહી શું અપૂર્વ બીજું મેળવવાનું છે?
સુખ-દુઃખનો અનુભવ થવાથી,વારંવાર જન્મ-મરણના અખંડ ચકરાવામાં ભમવાથી અને સર્વ પદાર્થો અનિત્ય હોવાથી,
હવે મને ભોગોમાં ઉત્કંઠા રહી નથી.અહીં જગતમાં કોઈ પણ સ્થળે મને વિશ્રાંતિ મળતી નથી.
શાશ્વત અને નિરંતર રહે તેવો કોઈ પદાર્થ નથી,પણ સર્વ અનિત્યતા અને દુઃખથી ભરપુર જ છે.

જે મનુષ્યને કાળે,પોતાની ઝપટમાં લીધો છે,તેને સ્ત્રી,પુત્ર,ધન,મિત્રો કે બાંધવો પણ રક્ષી શકતા નથી.
માણસો ધૂળના ઢગલા જેવા અસ્થિર છે.અને વિષયોમાં આસક્ત થઈને મરણ-શરણ થાય છે.
આ જીવન અતિ ચપળ છે.એમ મેં અનુભવ્યું છે એટલે વિષયો મારા મનને હરી શકતા નથી,
કે જુદીજુદી વિભૂતિઓ મને મનોહર લાગતી નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE