Feb 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1065

સિદ્ધ મહાત્મા (વસિષ્ઠને) કહે છે કે-હે મહારાજ,જ્યાં આજે કે કાલે,ક્રૂર કાળ મસ્તક પર પગ મૂકવાને કે આપત્તિ આપવાને
તૈયાર થઇ રહ્યો છે,ત્યાં કયા સમયે,કોને,ક્યાંથી અને કયા પ્રકારે આ અનિત્ય પ્રપંચનો ભરોસો રખાય?
આ આખું આયુષ્ય નીરસ ભોગો અને તેના મનોરથોમાં જ ચાલ્યું ગયું,પરંતુ ચમત્કાર બતાવે એવો કોઈ પુરુષાર્થ મારાથી
મેળવાયો નથી.હવે આજે મોહ મંદ પડી ગયો છે અને દેહ નિઃસાર હોવાથી કોઈ ઉપયોગી દેખાતો નથી.
આવા જીવનમાં,ઇન્દ્રિયો અને તેના વિષયોમાં (ભોગોમાં) આસ્થા (આસક્તિ) રાખવી એ અધમ સ્થિતિ છે
પણ વિષયોમાં (ભોગોમાં) અનાસ્થા (અનાસક્તિ) રાખવી એ જ ઉત્તમ અવસ્થા છે.

સંપત્તિ આવી મળે ત્યારે બુદ્ધિમાન મનુષ્યે નિરંતર માનવું જોઈએ કે
'અહો,મોહ ઉતપન્ન કરે એવી આપત્તિ મારા પર આવી પડી છે' અને તેણે સંસારમાં બંધાવું જ ના જોઈએ.
વિધિ-નિષેધ (કર્મ કરવું-કે ના કરવું)એ વ્યવહાર દશામાં સત્ય દેખાતા છતાં પ્રબુદ્ધ અવસ્થામાં મિથ્યા જણાય છે.
પણ તેમ છતાં મનુષ્યો વિધિ-નિષેધો વડે પોતાની 'ઈચ્છા' વડે દોરાયે જાય છે.
વિષયો-રૂપી-વાયુઓ,ચિત્ત-રૂપી-પુષ્પમાંથી,વિવેક-રૂપી-સુગંધને હરી લે છે અને મૂર્છા (અજ્ઞાન) ને પેદા કરે છે.

'માયા' (અજ્ઞાન)ના પ્રભાવને લીધે અસત્ય વિષયો સત્ય-રૂપ દેખાય છે અને મનુષ્યો વિષયો તરફ ખેંચાય છે.
ચિત્ત-રૂપી-બાણ,પોતાના લક્ષ્ય (મોક્ષ) ને છોડીને વિષયો તરફ દોડે છે અને વિવેકને ભૂલી જાય છે.
સુખો જ અતિ દુઃખરૂપ છે,સંપત્તિઓ જ પરમ આપત્તિ-રૂપ છે અને ભોગો જ રોગને લાવે છે,ને રોગરૂપ છે.
સુખ એ પરિણામે તો દુઃખને જ ઉત્પન્ન કરે છે,અને જીવન પણ છેવટે તો મરણ-રૂપ જ થાય છે,
અહો આ વિચિત્ર 'માયા'  (અવિદ્યા કે અજ્ઞાન) નો વિલાસ તો જુઓ !!

ઇષ્ટ-અનિષ્ટ ફળ આપનારા કાળના ફેરફારોનો,પ્રિય પદાર્થના વિયોગોનો અને કાંઇક સુખનો અનુભવ
કરતાં કરતાં મનુષ્યો ઘરડાં થઇ જાય છે.વિષયોનો ઉપભોગ આપનાર ભોગો 'પ્રતિક્ષણે નાશ'ને પ્રાપ્ત થાય છે.
પ્રયત્ન વિના જ,સ્વતઃસિદ્ધ હોવાથી પ્રાપ્ત થઇ શકે તેવા પરમપદની પ્રાપ્તિથી રહિત,પરિણામે ક્ષય પામનારા,
વિકરાળ અને કષ્ટકારક 'કર્મો' વડે આખું આયુષ્ય વ્યર્થ ચાલ્યું જાય છે.પોતાની જાતે જ
ભોગોની આશામાં તૃષ્ણાથી બંધનમાં બંધાઈ ગયેલા અવિવેકી પુરુષોને પગલે પગલે અપમાન મળે છે.
સંપત્તિ-સ્ત્રી-આદિ જો ક્ષણભંગુર જ છે,તો કયો વિવેકી પુરુષ તેમાં આનંદ પામે ?

ધન તો દ્વંદ્વ (સુખ-દુઃખ-વગેરે) ના દોષો વડે વ્યાપ્ત છે,દુઃસાધ્ય છે,અસ્થિર છે એટલે અવિવેકીઓ જ તે સેવવા યોગ્ય છે,
તેનાથી મને કદી સંતોષ થતી નથી.લક્ષ્મી ઉપરઉપરથી જ મધુર દેખાય છે,
પણ પરિણામે દુઃખ પેદા કરનાર છે,ક્ષણિક વિલાસવાળી છે અને કેવળ મોહ જ પેદા કરે છે.
મનુષ્યોનું આયુષ્ય ક્ષણભંગુર છે.યૌવન ભોગોમાં વીતી જાય છે અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં,
શરીર જીર્ણતાને પામીને ક્ષય થઇ જાય છે,પરંતુ એક 'તૃષ્ણા' જ કોઈ દિવસ જીર્ણ થતી નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE