Feb 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1071





(૯૬) આત્મા અજરામર જ છે
વસિષ્ઠ કહે છે કે-તમને આગળ જે પાષણાખ્યાન કહ્યું,તે જ રીતે આ સર્વ સૃષ્ટિઓ,આરોપિત-રૂપે જ ચિદાકાશની અંદર
રહેલ છે.નિરાકાર બ્રહ્મ જ વિવર્તભાવથી સૃષ્ટિના જેવું થઇ  રહેલું ભાસે છે.આ સર્વ,એ અનંત,નિર્વિકાર અને અવિનાશી
એવા ચિદાકાશ-રૂપ જ છે અને હજારો મહાક્લ્પોમાં પણ ઉદય કે નાશને પ્રાપ્ત થતું નથી.
એટલે જીવ પણ ચિદાકાશ-રૂપ જ છે.તમે હું,અને આ ત્રણે લોકો પણ ચિદાકાશ-રૂપ છે.
ચિદાકાશને જો છોડી દેવામાં આવે તો (તે ચિદાકાશ વગરનું) આ શરીર નિર્જીવ જ છે.

એક અચ્છેદ્ય અને અદાહ્ય એવું આ ચિદાકાશ કદી નષ્ટ થતું નથી.અને સર્વ ચિદાકાશ-રૂપ હોવાથી કશું નવું ઉત્પન્ન થતું
નથી કે કશાનો નાશ થતો નથી.એટલે જગત એ ચિદાકાશનો જ એક વિવર્ત છે એમ અનુભવમાં આવે છે.
મનુષ્યમાત્રમાં તે અવિનાશી તત્વ (ચિદાકાશ કે બ્રહ્મ) આત્મા તરીકે રહેલું છે પણ જો એ અવિનાશી તત્વ મરી જતું હોય
તેમ વિચારવામાં આવે તો, "આત્મા વૈ જાયતે પુત્રઃ" એ શ્રુતિના વચન મુજબ જો પુત્ર અને પિતાનો આત્મા અભેદ હોય તો
પિતાનું મરણ થતાં તેનો પુત્ર પણ નિઃસંદેહ મરણને પ્રાપ્ત થઇ જવો જોઈએ.
અને 'એક જ આત્મા સર્વ પ્રાણીઓમાં રહેલ છે' એ વચનથી એક જીવ (આત્મા) મરી જતાં બધા જ જીવો (આત્માઓ)
મરી જઈ આખી પૃથ્વી શૂન્ય થઇ જવી જોઈએ.

પણ હે રામચંદ્રજી,આજ સુધી કોઈ સ્થળે,કોઈનું પણ,તે ચિન્મય (ચિદાકાશ) તત્વ નાશ પામ્યું નથી
અને પૃથ્વી પણ શૂન્ય થયેલી દેખાતી નથી.તેથી સિદ્ધ થાય છે કે-તે ચિન્મય-તત્વ  અક્ષય (અજરામર) છે.
'હું કેવળ એક ચિન્મય (બ્રહ્મ) છું અને શરીર મારું નથી' એવું જો અહર્નિશ અનુસંધાન રહેતું હોય
તો પછી જન્મ-મરણ આદિ ક્યાંથી રહે? જે આત્મ-હત્યારાઓ,આવા અનુભવોનું કુતર્કોથી ખંડન કરે છે,
તેઓ (જન્મ-મરણ-વગેરે) વિપત્તિ-રૂપી સમુદ્રમાં ડૂબી જાય છે.તેવા આત્મ-હત્યારા પુરુષોને ધિક્કાર છે.

જે પુરુષમાં "હું શુદ્ધ ચિદ્રુપ છું,તો પછી દેહ-ઇન્દ્રિયો સાથે મારે ક્યાં સંબંધ છે?" એવો બોધ થવાથી,જે પોતાના
આત્મ-સ્વરૂપને ઓળખે છે,તેવા વિવેકીને જન્મ-મરણની આપત્તિઓ પરાભવ આપી શકતી નથી,માનસિક આધિઓ
અસર કરી શકતી નથી.તેના બળ,બુદ્ધિ,તેજ ઉદય પામે છે ને મોહ,મદ-લોભનો નાશ થાય છે.
"હું કપાતો નથી,બળતો નથી,વજ્ર જેવો દૃઢ છું,હું દેહધારી નથી પણ મારા ચિન્મય સ્વરૂપમાં જ રહ્યો છું"
એવો જેને નિશ્ચય થઇ ગયો હોય તેને મૃત્યુ પણ તૃણના જેવું તુચ્છ લાગે છે.

આત્મા નાશ પામતો જ નથી છતાં જે "હું નાશ પામી જાઉં "એવું રુદન કરે છે,તેવું રુદન તો  વિવેકીઓને માટે,
એક હાસ્યજનક વાર્તા જ છે.ચિદાકાશનો કદી નાશ થતો નથી.અને તેવા ચિન્મય-તત્વને મૂકી દઈ તેને બીજા રૂપ
(શરીર-રૂપ) ગણવું તે હાસ્યાસ્પદ જ છે.જો ચેતન મરી જતું હોય તેની સાથે સંબંધ રાખનારા સર્વ મનુષ્યો પણ મરી જવા
જોઈએ,પણ તેવું હકીકતમાં શક્ય થતું નથી."હું મરું છું કે હું જીવું છું" એવી ભ્રાંતિને ચિદાત્મા અનુભવે છે,
પણ તે પોતે કદી નષ્ટ થતો નથી.તે ચિદાત્મા જેવા જેવા સંકલ્પને સ્ફૂરાવે છે,તેવુતેવું જ તે દેખે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE