Feb 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1072






એ ચિદાત્મા,આ સંસારને દ્રષ્ટા-રૂપે જુએ છે,સુખ-દુઃખને જુએ છે અને મુક્તપણાને પણ અનુભવે છે,
પણ તે તત્વ પોતાના ચિદ-સ્વરૂપથી જુદું રહેલું નથી.પોતાનું ખરું સ્વરૂપ,ન ઓળખવાથી (કે ભૂલી જવાથી)
તે પોતે જ મોહને ધારણ કરી લે છે.પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન થતાં,તે પોતે જ 'મોક્ષ' નામને ધારણ કરે છે.
આમ,તે ચિદાત્મા જગતની અંદર જેવાજેવા દ્રઢ સંકલ્પનું સ્ફુરણ કરે છે,તેવુતેવું તેના અનુભવમાં આવે છે.
આ વાત અનુભવ-સિદ્ધ છે.અને ચિદાત્માનું અનુસરણ ના કરે એવું પણ કશું છે જ નહિ,એ પણ સુપ્રસિદ્ધ છે.

(૯૭) સર્વ વાદીઓના જુદાજુદા મતની સત્યતા

વસિષ્ઠ કહે છે કે-જગત,એ એક જાતનું પરમાત્માનું સ્વપ્ન જ છે.તે ચિદ-રૂપ હોવાથી અને બ્રહ્માકાશથી કશું જ જુદું નહિ
હોવાથી,'સર્વ બ્રહ્મ-રૂપ છે'-એવો અનુભવ થાય છે.'જગત-રૂપી-બ્રહ્મ' એ દૃશ્ય (આંખથી દેખાય તેવું) છે પણ
બ્રહ્મ (મહા-ચૈતન્ય) એ અદૃશ્ય (મદ-શક્તિ જેમ દૃષ્ટા-રૂપે) છે.એટલે આમ,આ દૃશ્ય (જગત) એ બ્રહ્મનો એક વિવર્ત છે,
એમ માનનારા 'વેદાંતીઓ' (વેદાંત-વાદીઓ)નો  મત (તેમને) સત્ય લાગે છે,કેમ કે તેમને સર્વ કંઈ એવું બ્રહ્મ જ
સર્વ જગ્યાએ,દૃષ્ટિગોચર (દેખાય) છે અને એવું જ તેમને તે (અદ્વૈત) અનુભવમાં આવે છે.(વેદાંત-દર્શન-શાસ્ત્ર)

પુરુષ (બ્રહ્મ-ચૈતન્ય) એ ચિન્માત્ર અને અકર્તા છે,પ્રકૃતિ (જગત) નું કારણ છે,
તે જગત,મહત્તતત્વ,અહંકાર-આદિના ક્રમથી બને છે.એમ માનનારાઓનો 'સાંખ્ય-વાદ' પણ તેમને સત્ય લાગે છે
કેમ કે તેમને તેવો જ અર્થ અનુભવમાં આવે છે.(સાંખ્ય અને યોગ -દર્શન-શાસ્ત્ર)
'જગત એ પરમાણુઓના સમૂહ-રૂપ છે' એમ માનનારાઓનો,ગૌતમ-કણાદ-આદિનો મત પણ
તેમના વિચાર અનુસાર સત્ય છે,કેમ કે તેમને તેવો અર્થ અનુભવમાં આવે છે. (ન્યાય અને વૈશેષિક-દર્શન-શાસ્ત્ર)

'અજ્ઞાનને લીધે,સર્વ દૃશ્યની શાંતિ થાય તો પણ મોક્ષ મળતો નથી,જ્ઞાન વિના ચિદાત્મા અલભ્ય છે,
વળી મોક્ષના સમયમાં પણ તે મોક્ષનો જુદો અનુભવ કરનાર બીજો કોઈ નથી' (સર્વ શૂન્ય છે)
એવો 'શૂન્યતા-વાદ' પણ (તે મત માનનારને) સત્ય હોય તેમ લાગે છે.કેમ કે તેમને તેમ જ અનુભવમાં આવે છે.
કેટલાક ચાર્વાક-વાદીઓ વિચાર કરીને કહે છે કે-પૃથ્વી-આદિ પંચભૂતો જ છે,તેનાથી જુદો અંતરાત્મા નથી,
કેમ કે તે (અતીન્દ્રિય કે ઇન્દ્રિય વગરના આત્મા) ને દેહમાં કે કોઈ જગ્યાએ જોઈ શકાતો નથી.
તેમના વિચાર અને અનુભવ પ્રમાણે (તેમને) તે વાત સત્ય લાગે છે.

'પ્રતિક્ષણ વસ્તુમાત્રમાં ફેરફાર થતો જોવામાં આવે છે' એવી ક્ષણિકવાદીઓની બુદ્ધિ પણ તેમની દૃષ્ટિમાં સત્ય છે,
કેમ કે સર્વના આદિ-રૂપ-પરમતત્વ,એ સર્વશક્તિમાન હોવાથી તેમાં બધા વિકલ્પોનો સમાવેશ સંભવે છે.
'દેહમાં પરિચ્છિન્ન આકારે રહેલો જીવ,કર્મોનો ક્ષય થઇ જતાં દેહમાંથી નીકળી પરલોકમાં જતો રહે છે'
એવો આર્હતમત-વાદ તેમના અનુભવ અને વિચાર મુજબ (તેમને) સત્ય લાગે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE