Feb 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1073






વિષમ પદાર્થોમાં પણ સમ બુદ્ધિ રાખનારા તત્વવેત્તાઓની દૃષ્ટિમાં બ્રહ્મ જ સર્વરૂપ છે અને સર્વના આત્મારૂપ છે,
આ સર્વ સ્વભાવ-સિદ્ધ જ છે,એમ સ્વભાવવાદીઓનું કહેવું છે,તે પણ તેમના અનુભવ મુજબ તેમને સત્ય લાગે છે.
કેમ કે શોધ કરવા છતાં પણ તેમની બુદ્ધિમાં બીજો કોઈ બુદ્ધિમાન-સર્વકર્તા આરૂઢ થતો નથી.
(સાકાર-બ્રહ્મ) ઈશ્વરમાં આસકત (દ્વૈત-વાદીઓ કે આસ્તિકો),ભક્તિ-ચિત્તવાળા પુરુષો કહે છે કે-
સર્વત્ર એક જ કર્તા છે.આ વાત પણ સત્ય જ છે,કેમ કે ઉપાસક પુરુષ પોતાનો દૃઢ નિશ્ચય હોવાથી
'સર્વ-કર્તા' એવા એક પરમેશ્વરને જરૂર પ્રાપ્ત થાય છે.આ વાત અબાધિત છે.

કેટલાક આસ્તિકો (સાકાર બ્રહ્મમાં માનનાર) આ લોકની જેમ પરલોકને પણ માને છે,અને તીર્થ-સ્નાન-યજ્ઞ-આદિ
બીજાં કર્મો પણ પરલોકમાં સુખ-સાધક હોવાથી તે કર્મોના પોતે કર્તા થવાની ભાવના પણ તેમના અનુભવ મુજબ સત્ય છે.'
આ સર્વ શૂન્ય જ છે' એવો બૌદ્ધોનો મત પણ તેમના વિચાર અને અનુભવ મુજબ સત્ય છે,કેમ કે
તે શૂન્ય-વાદમાં પણ વિચાર કરતાં,છેવટે તો કશું અવશેષ રહેતું જ નથી.

સત-ખ્યાતિવાદ,અસત-ખ્યાતિવાદ અને અનિર્વચનીય ખ્યાતિવાદ,એ સર્વના મત પણ ખોટા નથી,કેમ કે,
બ્રહ્મ,સર્વ-શક્તિમાન છે અને તેની માયા-શક્તિ એ અનિર્વચનીય છે.તે શૂન્ય પણ નથી કે અશૂન્ય પણ નથી,
તેથી તે અનિર્વચનીય કહી શકાય છે.

આવી રીતે સર્વ વાદીઓના (પરમેશ્વર વિષેના જુદાજુદા મત (વાદ) ને માનનાર જુદાજુદા મનુષ્યો કે વાદીઓ)
'વિચાર' ને,એક ચિદાત્મા (કે ચૈતન્ય) જ તેમની ભાવના અનુસાર પોતાનો (ચૈતન્યનો) અનુભવ કરાવી આપે છે.
જે પુરુષ,પોતાની બુદ્ધિથી વિચાર કરી,પોતાના મન વડે,જેવા નિશ્ચયમાં સ્થિર થઇ રહ્યો હોય,તે નિશ્ચયમાંથી,
પોતે જો,પોતાની જ બુદ્ધિથી કદી પણ પાછો ના હઠે-તો તે અવશ્ય ફળને (તે નિશ્ચયને) પામે છે.

માટે,બુદ્ધિમાન પુરુષે,શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનાર પંડિતો,પાસે બેસી,જુદાજુદા મત કે વાદો વિષે વિચાર કરવો,
તેમાં જે પોતાની બુદ્ધિને (વિચારને) અનુકુળ આવે,તે મુજબ તે તત્વ-રૂપ (ચૈતન્ય) વિષે દૃઢ નિશ્ચય કરી,
તે કોઈ 'એક' શ્રેષ્ઠ મત કે વાદને ગ્રહણ કરી લેવો ને પછી તે નિશ્ચયમાં સ્થિર થઈને કદી પણ પાછા હઠવું નહિ.

(નોંધ-અહી કોઈ એક ચોક્કસ મતને કે વાદને માનવાનું કહ્યું નથી,પણ શાસ્ત્રોના અભ્યાસથી અને આચરણથી
મનુષ્ય 'બુદ્ધિવાળો' થાય,પછી તે બુદ્ધિથી 'વિચાર' કરી,પોતાને જે શ્રેષ્ઠ લાગે તેનો નિશ્ચય કરવાનું કહ્યું છે !!
અને તે પછી અહીં તહીં ના ભટકતાં તે નિશ્ચયમાં સ્થિર થવાનું પણ કહ્યું છે-કે જેથી ચૈતન્યનો 'અનુભવ' થાય!!
મુખ્ય ધ્યેય,એ 'ચૈતન્ય (ઈશ્વર) નો 'અનુભવ' કરવાનો છે.તે માટે આ સર્વ વાદો એ એક માત્ર 'સાધન'જેવા છે!!)

બાકી તો,સંસાર-રૂપી-સાગરમાં,મનોરથોના તરંગો વડે પ્રાણીઓ તણાયા કરે છે,કોઈ ધ્યેય (પરમાત્મા)નો
અનુભવ કરતા નથી અને તેમનું જીવન વ્યર્થ રીતે ચાલ્યું જાય છે.
માટે ઉત્તમ શાસ્ત્ર પ્રમાણે આચરણ (વ્યવહાર) કરીને,કોઈ સમયે દૈવ-યોગે સંદેહ પેદા થઇ વિવાદ થાય,
તો પણ તેનું બુદ્ધિ-વડે વિચાર કરી તેનું સમાધાન કરી,આનંદ ઉપજાવે તેવું (નિષિદ્ધ) આચરણ (વ્યવહાર)
કરતા રહેવું જોઈએ અને બુદ્ધિથી જ નિશ્ચય કરી,'પરમાત્માના અનુભવ'ના વિચારમાં સ્થિર રહેવું જોઈએ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE