Mar 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1096

એક ભાવની નિવૃત્તિ થઇ બીજા ભાવની પ્રાપ્તિ થતાં વચ્ચે જે ચિદાત્માનું રૂપ જોવામાં આવે છે તે ચિદાકાશ છે,
અને તે જ સર્વ-રૂપે થઇ રહેલું છે,બીજું કશું પણ નથી.કાર્ય-કારણ-ભાવ આદિની દૃષ્ટિ અવિદ્યા વડે કલ્પાયેલી છે,
અને એ ચિદાત્મા જ,જેમ જગતની કલ્પના કરે છે તેમ કાર્ય-કારણ-ભાવને પણ કલ્પી લે છે.
તેની સ્વતંત્ર 'ઈચ્છા'ને કોણ રોકી શકે એમ છે? જો બીજો જ કોઈ દૃષ્ટા-ભોકતા કે કર્તા હોય,
તો હજી આ દૃશ્ય શી રીતે થયું? અને તે દૃશ્ય શું છે? એવી સંભાવના ઘટી શકે,
પરંતુ જો ચિદાત્મા પોતે જ દૃષ્ટા-ભોક્તા-કર્તા-રૂપ હોય,તો તે સંભાવના ઘટી શકતી નથી.

કોઈ પણ જાતના આભાસ વિનાનું,આકાશ જેવા અદ્વિતીય શુદ્ધ ચિદાકાશમાં બીજું શું કલ્પી શકાય?
ઠેઠ સ્વયંભૂથી માંડી આ સૃષ્ટિની ભ્રાંતિ,તે ચિદાકાશની અંદર ભ્રાંતિ અવિદ્યા (અજ્ઞાન કે માયા)ને લીધે ભાસે છે,
એટલે જો જ્ઞાનથી તેનું ખરેખરું સ્વરૂપ ઓળખવામાં આવે તો,ક્ષણમાત્રમાં તે બ્રહ્મ-રૂપ જ થઇ જાય છે.
સર્વ જીવો (આત્માઓ) પોતાના સ્વરૂપની અંદર પ્રતિબિમ્બિત થઇ રહેલા જગતના મિથ્યા-પણાને 'વિચાર'ના
અભાવે ઓળખી (સમજી) શકતા નથી,ને આમ સ્વરૂપ ના ઓળખાયાથી જડ જેવા થઇ ગયા છે.
અને એમ ને એમ પોતાનું આયુષ્ય એળે (નકામી રીતે) ગાળી નાખે છે.

બાકી 'વિચાર' કરનારા વિવેકી પુરુષ 'અંતઃકરણમાં જ ચૈતન્ય-રૂપી-ચિદાત્મા રહ્યા છે' એ સમજી જાય છે.
એટલે જગતના નામ-રૂપ-વાળા પદાર્થોને છોડી દઈ,અવશિષ્ટ રહેલા તત્વને ચિદાકાશ-રૂપ સમજીને,
વિવેકી પુરુષે,ચેતન છતાં પાષાણની જેમ અચળ થઈને રહેવું જોઈએ અને બીજા માયિક (દેહ-આદિ) પદાર્થોમાં આસ્થા
રાખવી નહિ.સૃષ્ટિના આદિ-કાળમાં ચેતનમાંથી,તેનાથી જુદી જાતનું જડ 'કાર્ય' ઉત્પન્ન થવું સંભવતું નથી,કેમ કે તેમ બનવામાં
નિમિત્ત-રૂપ થાય તેવાં કશાં સહકારી કારણો નથી.માટે આદિ ચૈતન્ય જ સ્વપ્નની જેમ દૃશ્ય-રૂપે થઇ રહેલું છે.

(૧૦૭) જગત ચિદાત્માનો વિલાસ છે

વસિષ્ઠ કહે છે કે-આ જગત જડ-ભાવથી રહિત ચિન્મય છે કેમ કે ચિદાકાશ જ સર્વત્ર ચારે બાજુ વિવર્ત-રૂપે ભાસે છે
અને તેની અંદર પ્રતીતિમાં આવતી દૃષ્ટા-દૃશ્ય-દર્શનની ત્રિપુટી પણ ચિદાકાશ-રૂપ જ છે,માટે આપણે સર્વ જીવતા છતાં
નહિ જીવતા જેવા જ છીએ.આકાશમાં દેખાતી શ્યામતાની જેમ,જે કંઈ આ પ્રસરી રહેલું દેખાય છે,
તે કશું છે જ નહિ,એમ તમે સમજો કેમ કે આકાશની અંદર વળી કશું હોવાનો સંભવ જ ક્યાંથી હોય?
જે કંઈ આ ચિદાકાશના વિવર્ત-રૂપે પ્રતીતિમાં આવે છે છતાં તે વાસ્તવિક નથી.એ જગત જો કે
અનુભવમાં આવે છે તો પણ વસ્તુતઃ તે શૂન્ય (અને ક્ષણિક) જ છે-તો તેમાં શા માટે આસ્થા રાખવી?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE