Mar 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1107

(૧૨૪) વિપશ્ચિત રાજાઓનો દ્વીપો તથા પર્વત પર વિહાર
રામ કહે છે કે-હે મહારાજ,તે સર્વ (ચાર) વિપશ્ચિત રાજાઓ એક ચિન્મય જ હતા,
તેમનું મૂળ શરીર પણ એક જ હતું,છતાં એકીસમયે તેમને જુદીજુદી ઇચ્છાઓ કેમ ઉત્પન્ન થઇ?

વસિષ્ઠ કહે છે કે-સર્વત્ર ભરપૂર એવું એક ચિદાકાશ,એ કદી જુદાજુદા પ્રકારના આકારે થયું નથી,
છતાં,તે સર્વની અંદર વ્યાપ્ત થઈને રહેલ છે.જેમ,જીવાત્મા સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થતાં,અનેક આકારે થઇ રહે છે
તેમ તે ચિદાકાશ પણ જાણે અનેક આકારે થઇ રહેલું જણાય છે.
તે ચિદાકાશ પોતે સ્વચ્છ છે પણ પોતાની અંદર પોતાના જ સ્વરૂપને તે જાણે અનેક આકારે થઇ રહેલું હોય,
તેમ પ્રતિબિમ્બિત થઇ રહેલું- અનેક આકારે દેખે છે.
એ સ્વચ્છ ચિદાકાશ જગતના આકારે પ્રતીત થાય છે -તેમાં તેની નિર્મળ સ્વચ્છતા જ કારણ-રૂપ છે.

આ સર્વ પદાર્થો વસ્તુતઃ એક ચિદ્રુપ છતાં પરસ્પર પ્રતિબિમ્બિત થઇ રહેલા દેખાય છે,
તેથી જે જે ભોગ્ય વસ્તુ તેની પાસે આવે છે,તે તે તેના ભોગ માટે કલ્પાય છે,
કેમ કે માયાના સંપર્કથી અચિંત્ય શક્તિપણાને લીધે,તેનો સહજ સ્વભાવ જ તેવો છે.
આમ ચિદાકાશ અનેક-રૂપે નહિ થયા છતાં અનેકરૂપે દેખાય છે,
બાકી વસ્તુતઃ તેમાં અનેકતા કે એકતા કશું પણ નથી.એ જ તેનો અચિંત્ય મહિમા છે.

આથી,જે વિપશ્ચિત રાજાની પાસે જે પદાર્થ જોવામાં આવ્યો તે એ વિપશ્ચિત રાજાની ચિન્મયતાને લીધે
તેનામાં પ્રતિબિમ્બિત થઇ ગયો અને તદ્રુપતાને પ્રાપ્ત થઇ,જાણે તેને અધીન થઇ રહ્યો હોય તેવો જણાયો,
અને જુદાજુદા રાજાને તે જુદા જુદા આકારે અનુભવમાં આવ્યો.
વળી યોગી પુરુષો એક દેશમાં રહ્યા છતાં પોતાના યોગબળથી ચારે તરફ વ્યાપ્ત થઇ અનેક કર્મો કરે છે
અને ત્રણે કાળમાં થનારી સર્વ બાબતોને અનુભવે છે,તો પછી,વિપશ્ચિત રાજાઓ (મનથી)
જુદાજુદા દેશોમાં જઈને જુદા જુદા પ્રકારે સર્વ વસ્તુનો અનુભવ કરે તેમાં શું સંશય રાખવો ઘટે?

અણીમાદિ ઐશ્વર્યને લીધે,કેટલાક યોગીઓ જગતમાં થનારાં અસંખ્ય કર્મોના સમુહને
એક જ સમયે યોગબળથી કરે છે અને અનુભવે છે.એ જ પ્રમાણે વિપશ્ચિત રાજાઓ મૂળ એક જ ચિદ્રુપ હતા,
છતાં તેમણે સર્વ દિશાઓમાં જુદાજુદા-રૂપે રહી જુદોજુદો વ્યવહાર કર્યો અને સુખ-દુઃખ આદિ ભોગવ્યું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE