Mar 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1108

(૧૨૫) જીવનમુક્ત પુરુષોની ક્રિયાનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-શાકદ્વીપમાં જલધર નામનો પર્વત છે.તેમાં હરીતકીના વનમાં,કોઈ મુનિના શાપથી પૂર્વ-દિશાનો
વિપશ્ચિત રાજા હરડેના વૃક્ષ-ભાવને પામ્યો હતો.પશ્ચિમ-દિશાના વિપશ્ચિત રાજાને આ વાતની ખબર પડી  એટલે
તેણે ત્યાં આવી,શાપ આપનાર મુનિને પ્રસન્ન કરી,તેની પાસેથી વિદ્યા ભણી,તે વિદ્યાથી તેણે,તે પૂર્વના રાજાને
અક્ષત-પણે છોડાવ્યો હતો.તે જ રીતે બીજી દિશાઓના વિપશ્ચિત રાજાઓને જયારે જયારે આવી આપત્તિઓ આવી
પહોંચી ત્યારે એક બીજાએ પ્રયત્ન કરીને એકબીજાને છોડાવ્યા (મુક્ત કર્યા) હતા.

રામ કહે છે કે-હે મહારાજ,યોગીઓ એક દેશમાં રહ્યા છતાં ચોતરફ વ્યાપ્ત થઇ જઈ,
ત્રણે કાળમાં જુદાંજુદાં અનેક કર્મો શી રીતે કરે છે તે વિષે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ જગતની અંદર અવિવેકીઓની દૃષ્ટિએ,જે કંઈ ભૂત-ભૌતિક આદિ રહ્યાં છે,
કે આ વિષયમાં તેમનું જે માનવું હોય-તે ભલે હો,આપણે તેનો અહીં વિચાર કરવાની જરૂર નથી.
બાકી વિવેકી પુરુષોની આ બાબતમાં જે સમજણ છે,તે વિષે હું તમને કહું છું તે તમે સાંભળો.
તત્વવેત્તાઓની દૃષ્ટિમાં સત્તા-સામાન્ય-ચિન્માત્ર-રૂપ વિના જગતનું બીજું કોઈ રૂપ જ નથી.

જયારે દૃશ્યના અત્યંત અભાવનો બોધ થઇ જાય છે અને ઉત્પત્તિ-પ્રલય સંબંધી દૃષ્ટિનો પણ ક્ષય થઇ જાય છે,
ત્યારે તત્વવેત્તા પુરુષ સત્તા-સામાન્ય-રૂપ ચિન્માત્રમાં જ નિરંતર વિશ્રામ થઇ રહે છે.તેથી તે નિત્ય સર્વ-સ્વરૂપ,
સર્વાત્મા-રૂપ થાય છે,તો પછી તેને કયા સ્થળે,કોણ અને શી રીતે રોકી શકે? એ તમે જ કહો.
સર્વ-વ્યાપી,સર્વના આત્મા-રૂપ,પરમતત્વ જ જ્યાં સર્વત્ર અનુભવમાં આવે,ત્યાં રોકનાર કે રોકવાનો વિષય-
એ કશું જુદું અનુભવાતું જ નથી.વળી એ આત્મા-રૂપ-પરમતત્વની અંદર શું નથી રહ્યું?

અહો,આ માયાનો વિલાસ જુઓ,આ સર્વ (દૃશ્ય) ઉત્પત્તિ-પ્રલયને પ્રાપ્ત થયાં નથી છતાં યથાસ્થિતપણે,
તે નિર્લેપ તત્વ (પરમ તત્વ) ની અંદર રહેલાં છે.આ સર્વની સ્થિતિ સત્તા-સામાન્યને અધીન હોવાથી,
આ ત્રણે લોક વિજ્ઞાન-ઘન (એક જ્ઞાન-રૂપ) છે.ચિદાકાશ પોતાના મૂળ સ્વરૂપને નહિ છોડતાં વિવર્ત-ભાવથી
સર્વ-રૂપ થઇ રહ્યું છે.તે શબલ-બ્રહ્મ (પરમ-તત્વ) માયાના સંપર્કને લીધે જગતના આત્મા-રૂપ છે અને તે જ
દૃષ્ટા તથા દૃશ્ય-રૂપે થઈને જગત-રૂપે પ્રતીતિમાં આવે છે.તે શબલ-બ્રહ્મ (ઈશ્વર) ને શું દુઃસાધ્ય છે?

એ વિપશ્ચિત રાજાનું જીવ-ચૈતન્ય,એ પ્રબોધ તરફ વલણ રાખતું હતું,તો પણ હજુ પરમપદને પ્રાપ્ત થઇ ગયું નહોતું.
તે એક-રૂપ હતું,છતાં અગ્નિના પ્રસાદથી અનેક-રૂપ (અગ્નિ-કુંડમાંથી નીકળેલા એક રાજામાંથી ચાર રાજા)
થયું હતું અને સર્વત્ર સર્વ ક્રિયા કરી શકે તેમ હતું.(એક દેખાય કે અનેક-પણ વસ્તુતઃ તો તે એક જ ચૈતન્ય છે!)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE