Apr 1, 2012

Eknath-Jivan Charitra-એકનાથ જીવન ચરિત્ર

વધુ વિસ્તૃત (31 પેજ) થી વાંચવા અહીં ક્લિક કરો 

મહારાષ્ટ્રમાં પૈઠણ એક તીર્થસ્થળ ગણાય છે. ત્યાં એકસો આઠ સંતો થઈ ગયા એમ કહેવાય છે. 
મહાત્મા એકનાથનો જન્મ પૈઠણના એક બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં સંવત 1590માં થયો હતો. 

એકનાથ ઘણાં વરસ સુધી ગુરુની સેવા કરી જ્ઞાનના અધિકારી થયા હતા. તેમણે પોતે કહ્યું છે` હું ગુરુસેવામાં એવો તલ્લીન થઈ જતો કે તરસ જળને ભૂલી જતી અને ભૂખ અન્નને ભૂલી જતી! આવી ગુરુભક્તિ હોય, પછી જ્ઞાન કેમ ન આવે?`

ભાગવત એ એકનાથનું પ્રિય પુસ્તક હતું. તેઓ તેની કથા કરતા અને તેનો અર્થ સૌને સમજાવતા. તેઆએ ભજનો પણ બનાવતા ને ગાતા. 
તેમનાં પત્ની ગિરિજાબાઈ પણ તેમના જ ભગવદ્ભક્ત હતા. અતિથિસેવા એ તેમનું મુખ્ય કાર્ય હતું.

એકવાર એકનાથને ત્યાં શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણો ભોજન કરવાના હતા. એવામાં કેટલાક હરિજનો તેમના ઘર આગળ થઈને નીકળ્યા. પકવાનની મીઠી સુગંધ આવતાં તેમનાથી બોલાઈ ગયું`કેટલાં પુષ્ણ કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે!
આ શબ્દો એકનાથના કાને ગયા. તેમણે તરત જ હરિજનોને કહ્યું` રસોઈ તેયાર છે, જમવા પધારો!
ગિરિજાબાઈએ એમાં ઉમેર્યુઃ`એકલા નહિ, સહકુટુંબ આવવાનું!`
અને ખરેખર, એમણે હરિજનોને સહકુટુંબ જમાડયા.

તે પછી ગિરિજાબાઈ બ્રાહ્મણો માટે ફરી રસોઈ કરવા બેઠાં. પણ એકવાર બ્રાહ્મણો માટે કરેલી રસોઈ હરિજનોને ખવડાવી દીધી, તેથી બ્રાહ્મણો ગુસ્સે થયા હતા. તેમણે જમવા આવવાની ના પાડી.

ત્યારે એકનાથના એક શિષ્ય શ્રીખંડે કહ્યું`પ્રભુ, આજે તમે એવું સત્કર્મ કર્યું છે કે પિતૃઓ પોતે આવીને ભોજન લેશે!
પાતળો નખાઈ ને ભાણાં પીરસાયાં. પછી ચમત્કાર થયો. સ્વર્ગમાંથી પિતૃઓ ઊતરી આવ્યાં ને ભોજન કરવા બેસી ગયા.
બ્રાહ્મણોએ છુપાઈને આ જોયું. હવે તેમને પસ્તાવો થયો કે ભોજન ખોયું ને સાથે આબરૂ યે ખોઈ.

કહે છે કે એકનાથની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન પોતે શ્રીખંડ નામ ધરી એમને ઘેર રહ્યા હતા ને બાર વરસ સુધી એમણે એમની સેવા કરી હતી.

એકનાથને ઘેર રોજ કથાકીર્તન ચાલતાં. એકનાથ કહેતાઃ` બધે પ્રભુનો વાસ છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ભંગી નથી, અથવા કહો તો બધા બ્રાહ્મણ છે, બધા ભંગી છે! બધા પરમાત્મા સ્વરૂપ છે.

રાણો હરિજન રોજ આ સાંભળે. એકનાથ મહારાજ પર એને એવી ભક્તિ કે એક દિવસ એણે કહ્યું` મહારાજ, એકવાર મારે ત્યાં જમવા પધારો!`
`કાલે જ !` એકનાથે કહ્યું.

બીજે દિવસે એકનાથ રાણા હરિજનને ઘેર ગયા. હરિજને આંગણું લીંપીગૂંથીને તૈયાર કર્યું હતું. તેમાં રંગોળી પૂરી પાટલા ઢાળ્યા હતા. તુલસી-ક્યારે દીવો કર્યો હતો, ને ધૂપથી વાતાવરણ મધમધતું હતું! હરિજન દંપત્તીએ ભક્તની પૂજા કરી, ભક્તે આનંદથી ભોજન કર્યું.

આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બ્રાહ્મણો એકનાથને `ભ્રષ્ટ ચંડાળ` કહી ભાંડવા લાગ્યા. એકનાથ કહે` મારી નિંદા કરનારાઓ મારાં પાપ ધૂએ છે. તેઓ મારા ગુરુ છે. હું તેમને પ્રણામ કરું છું.`

એકનાથ કદી પણ કોઈના પર ગુસ્સે થતા નહિ. એકનાથના નિંદકોએ એક ગરીબ બ્રાહ્મણને ઉશ્કેર્યો`તું એકનાથને ગુસ્સે કરે તો અમે તને બસો રૂપિયા ઈનામ આપશું!`

બ્રાહ્મણ એકનાથના ઘેર ગયો. એકનાથ તે વખતે પૂજા કરવા બેઠેલા હતા. જોડા પણ કાઢયા વગર બ્રાહ્મણ પૂજાઘરમાં ઘૂસી ગયો ને ધબ દઈને એકનાથના ખોળામાં બેસી ગયો. આવે વખતે કોઈ પણ માણસ ગુસ્સે થઈ જાય, પણ એકનાથ ન થયા. તેમણે કહ્યું`આપનો મારા પર આ સ્નેહભાવ જોઈ મને બહુ આનંદ થાય છે.`
બ્રાહ્મણ ભોંઠો પડી ગયો. પણ તેને બસો રૂપિયાનો લોભ હતો. તેથી તેણે કહ્યું` મને ભૂખ લાગી છે.`

એકનાથ બ્રાહ્મણને લઈ જમવા બેઠા. ગિરિજાબાઈ પીરસવા નમ્યાં, ત્યાં બ્રાહ્મણ કૂદીને તેમની પીઠ પર સવાર થઈ ગયો. તોયે એકનાથ ગુસ્સે થયા નહિ. તેમણે ગિરિજાબાઈને કહ્યું`સાચવજો, બ્રાહ્મણ પડી ન જાય!`

ગિરિજાબાઈ કહે`પુત્રને આમ પીઠે વળગાડી ફરવાની મને ટેવ છે, એટલે ચિંતા ન કરો!`
કાપો તો લોહી ન નીકળે એવી બ્રાહ્મણની દશા થઈ. એકનાથ અને ગિરિજાબાઈના પગમાં પડી તેણે એમની માફી માંગી આંસુથી એમના પગ ધોયા. રોતાં રોતાં એણે કહ્યું` બસો રૂપિયાના લોભે તમને ગુસ્સે કરવા મેં આ પાપ કર્યું છે.`
એ સાંભળી એકનાથે કહ્યુ` તો પહેલાથી એવું કહેવું હતું ને, હું ગુસ્સે થાત.` બોલતાં બોલતાં એ હસી પડયા.

આવો એક બીજો પ્રસંગ છે.
એકનાથ રોજ નદીએ નહાવા જતાં. રસ્તામાં એક મુસલમાનનું ઘર આવતું. કોઈ કોઈ વાર એ મુસલમાન એકનાથ નહાઈને ઘેર જતા હોય ત્યારે એમના પર થૂંકતો. એકનાથ ફરી નહાવા જાય. નહાઈને બહાર આવે એટલે ફરી એમના પર થૂંકે. કોઈ કોઈ વાર તો એકનાથને આવી રીતે ચારપાંચ વાર નહાવું પડતું, પણ એ કદી ગુસ્સે થતા નહિ.
એક દિવસ આ મુસલમાન હઠે ચડયો. બે પાંચ દશ વખત નહિ, પણ એકસો ને આઠ વાર એ એકનાથની ઉપર થૂંકયો.તોય એકનાથના મનની શાંતિ તૂટી નહિ. છેવટે મુસલમાન શરમાયો. એણે એકનાથના પગમાં પડી એમની માફી માંગી.

એકનાથના ઘરમાં અતિથિઓનું આઠે પહોર સ્વાગત થતું. એકવાર મઘરાતે અતિથિ આવી ચડયા. એમને માટે રસોઈ કરતાં બળતણ ખૂટયું તો એકનાથે ઘરના છાપરામાંથી વળીઓ ખેંચી કાઢી! એ વળીઓ બાળીને રસોઈ કરી ગિરિજાબાઈએ અતિથિઓને જમાડયા.

એકવાર એકનાથના ઘરમાં ચોરો ચોરી કરવા આવ્યા. તેમણે લેવાય તે લઈ લીધું. પછી બીજા ઓરડામાં ગયા, તો ત્યાં એકનાથ ઘીનો  દીવો કરી હરિસ્મરણ કરતા બેઠા હતા. તેમણે આંગળીઓથી પોતાની વીંટી કાઢી આપી ચોરોને કહ્યું` આ પણ લઈ જાઓ, કામ લાગશે!`
ચોરોએ એકનાથના પગમાં પડી માફી માંગી. એકનાથે ગિરિજાબાઈને જગાડી રસોઈ કરાવી ચોરોને જમાડયા ને પ્રસાદ બંધાવી વિદાય કર્યા.

એકનાથે આખા ભારતની યાત્રા કરી હતી. એકવાર કેટલાંક સંતો સાથે તેઓ કાશીથી કાવડમાં ગંગાજળ લઈ રામેશ્વર જતા હતા. ગંગાજળ ભગવાન રામેશ્વરને ચડાવવાનું હતું. રસ્તે જતાં એકનાથે એક ગધેડાને મરવા પડેલો જોયો. ઉનાળાના દિવસો હતા. ગધેડો પાણી વિના ભોંય પર તરફડતો હતો. એકનાથને દયા આવી. એમણે ખભેથી કાવડ ઉતારી બધું ગંગાજળ મરતા ગધેડાને પાઈ દીધું! ગધેડો બચી ગયો.

એકનાથના સાથીઓએ કહ્યું` આ શું કર્યું? ભગવાનનું ગંગાજળ ગધેડાને પાઈ દીધું? હવે રામેશ્વરને શું ચડાવશો?`
એકનાથે કહ્યું` ગંગાજળ મેં રામેશ્વરને જ ચડાવ્યું છે. ગધેડામાં પણ એ જ રામેશ્વર છે.

એકનાથ આવા દયાળુ અને સમદૃષ્ટિવાળા હતા.

એકનાથને હરિ નામે પુત્ર હતો. 
એ સંસ્કૃત ભાષાનો મોટો પંડિત હતો. એકનાથ મરાઠી ભાષામાં કથા કરતા ને ભજનો લખતા તે હરિ પંડિતને ગમતું નહિ. તે કહેતો `મરાઠી તે કંઈ ભાષા છે!`

એકવાર  પૈઠણની એક બાઈએ પતિની માંદગીમાં એક હજાર બ્રાહ્મણોને જમાડવાની બાધા લીધી હતી. પણ પછી પતિ ગુજરી ગયો અને ઘરની હાલત એવી ખરાબ થઈ ગઈ કે ચારે બ્રાહ્મણનેય ન જમાડી શકે. એણે કોઈ શાસ્ત્રાળની સલાહ લીધી. શાસ્ત્રાળએ કહ્યું`બાઈ, તું એક જ જ્ઞાની બ્રાહ્મણને જમાડે તો એ એક હજાર બ્રાહ્મણોને જમાડયા બરાબર છે.`

વિચાર કરી કરીને બાઈએ એકનાથને જમાડવાનું નક્કી  કર્યું. હરિ પંડિતે રસોઈ કરી અને એકનાથને જમ્યા. પિતા જમીને ઊઠયા એટલે પુત્રે તેમની એંઠી પતરાવળીઓ ફેંકી દેવા માટે ઉપાડી, તો નીચે બીજી દેખાઈ.બીજી ઉપાડી તો ત્રીજી દેખાઈ. ત્રીજી ઉપાડી તો ચોથી દેખાઈ. આમ પૂરી એક હજાર પતરાવળી થઈ. 

હરિ પંડિત વિચારમાં પડી ગયા. એમને ખાતરી થઈ કે પિતા સંસ્કૃતના પંડિત નથી, પણ એ ખરેખરા જ્ઞાની છે! માત્ર સંસ્કૃતના પંડિત થવાથી જ્ઞાની થવાતું નથી. હરિ પંડિતનો અહંકાર ઓગળી ગયો. 

એકનાથે શ્રીમદ્ ભાગવત ઉપર સુંદર ગ્રંથ લખ્યો છે. તે `એકનાથી ભાગવત` નામે વિખ્યાત છે. 

તેમણે અસંખ્ય ભજનો લખ્યાં છે. જ્ઞાનેશ્વર મહારાજ પ્રત્યે તેમને ખૂબ જ પૂજ્યભાવ હતો. જ્ઞાનેશ્વરી ગીતામાં લહિયાઓની બેદરકારીને લીધે ઘણી અશુદ્ધિઓ ધૂસી ગઈ હતી. એકનાથે તે બધી દૂર કરી પોતાના હાથે તેની શુદ્ધ પ્રત તૈયાર કરી, જે આજે આપણે વાંચીએ છીએ.

એકનાથે જોયું કે હવે મારું જીવનકાર્ય પૂરું થઈ ગયું છે. એટલે એમણે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને દિવસ નક્કી  કરી મહિના અગાઉથી એની જાહેરાત કરી. ગામેગામથી લોકોનાં ટોળે ટોળાં એમનાં છેલ્લા દર્શન કરવા અને એમની છેલ્લી વાણી સાંભળવા આવ્યાં. 
એક નાથ હવે સૌની સાથે ભજન ગાતા ગાતા નદીએ ગયા. ત્યાં પણ ભજનોની ધૂન ચાલી. 
પછી એકનાથે નદીમાં સ્નાન કર્યું, ઊંચા આસન ઉપર પલાઠી વાળીને બિરાજ્યા, ને લોકોને ઉપદેશ આપ્યો`હવે હું જાઉં છું. ભાગવત ધર્મનું પાલન કરજો, હળીમળીને રહેજો, વિઠોબાના ચરણનું શરણ લેજો ને મનુષ્યજન્મ સાર્થક કરજો!
એમ કહી તેઓ આંખો મીંચી ધ્યાનમાં બેઠાં. તે જ ઘડીએ એમણે દેહનો ત્યાગ કર્યો. સંવત 1656 ચૈત્ર વદ છઠ. તે વખતે તેમની ઉંમર છાસઠ વર્ષની હતી.