Nov 4, 2019

ભાગવત રહસ્ય-૯૯

અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.તે ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ? એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-દેવી તમે કોણ છો ? પત્નીએ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.

વાચસ્પતિને સઘળું જ્ઞાન થાય છે. કહે છે-કે-૩૬ વર્ષ સુધી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર,મારી આટલી સેવા કરી,તારા અનંત ઉપકાર છે. તારી કંઈ ઈચ્છા છે? પત્ની કહે છે-મારી કાંઇ ઈચ્છા નથી,જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા લખો છો, હું આપની સેવા કરી કૃતાર્થ થઇ.
વાચસ્પતિનું હૃદય ભરાયું. કાંઇ માગવા કહ્યું,છતાં પત્નીએ કંઇ માગ્યું નહિ.તેમણે પત્નીને તેનું નામ પૂછ્યું-
જવાબ મળ્યો-ભામતિ. વાચસ્પતિ કહે છે-આજે જે હું બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખું છું-તેનું નામ –ભામતિ ટીકા-રહેશે.આજે પણ એ વેદાંતનો અદભૂત ગ્રંથ ગણાય છે.

આવો હતો ભારત વર્ષ. આવા પુરુષોને –સાચું જ્ઞાન –મળે છે.બાકી જ્ઞાન બજારમાં મળતું નથી.પુસ્તકોનો આજકાલ બહુ પ્રચાર થયો છે.પણ કોઈના મસ્તકમાં –સાચું જ્ઞાન જોવામાં મળતું નથી.
વાતો બધા જ્ઞાનની કરે છે.પણ પૂર્ણ સંયમ વગર જ્ઞાન આવે નહિ,પરમાત્મા(સત્ય) પ્રગટ થાય નહિ.

કર્દમ એ જીવાત્મા છે-અને દેવહુતિ તે નિષ્કામ બુદ્ધિ છે. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે.
દેવહુતિ પતિની સેવા કરે છે,પતિના મનમાં મન મેળવી દીધું છે. પતિ માગે તે પહેલાં જ વસ્તુ હાજર રાખે છે.
લગ્નનો અર્થ છે --તન-બે –પણ મન એક. ગૃહસ્થાશ્રમ –એ-અદ્વૈત (એક) નું પહેલું પગથિયું છે.
પતિ-પત્નીનો સ્વભાવ એક હોવો જોઈએ.મતભેદ હોય તો બંનેને શાંતિ મળતી નથી.
બંનેના મન એક હોય-બંનેનું લક્ષ્ય એક હોય-તો સંસાર દીપે છે....ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે.

અનેક વર્ષો સુધી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું છે. સેવા કરતાં કરતાં દેવહુતિનું શરીર બહુ દુર્બળ થયું છે, જાણે હાડકાં જ બાકી રહ્યાં છે. એક દિવસ કર્દમની નજર દેવહુતિ પર ગઈ, દેવહુતિને કહે છે-દેવી,તમને ધન્ય છે, સર્વને પોતાનું શરીર પ્રિય હોય છે,પણ મારી સેવા કરવામાં તમે શરીરનો મોહ ના રાખ્યો. મારા માટે તમે ઘણું સહન કર્યું, આજે હું પ્રસન્ન છું, તમારે જે માગવું હોય તે માગો. દેવહુતિ કહે છે-મને કોઈ પણ અપેક્ષા નથી. તમારાં જેવા સમર્થ –ભગવદપરાયણ પતિ મળ્યા પછી શું જોઈએ ?

છતાં કર્દમ આગ્રહ કરે છે-એટલે –દેવહુતિ કહે છે-કે-આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી-કે એક બાળક થાય પછી –સંન્યાસ લઈશ.મારા મનમાં એવી ભાવના છે કે –એક બાળક હોય તો સારું.કર્દમઋષિએ આજ્ઞા કરી કે તમે બિંદુ સરોવરમાં સ્નાન કરો. હાથમાં પાણી લીધુ અને સો વર્ષની તપશ્ચર્યાનું ફળ અર્પણ કર્યું.દેવહુતિનું શરીર બદલાય છે,અલૌકિક શરીરની પ્રાપ્તિ થઇ છે. સંકલ્પથી કર્દમ-ત્રણ માળનું વિમાન બનાવે છે, ને પોતે પણ કામદેવ જેવા સુંદર થઇ વિમાનમાં બેઠા. કર્દમ –દેવહુતિના કામ-શૃંગારનું બહુ વર્ણન કર્યું છે.

વક્તા તે શૃંગારનું વર્ણન કરે નહિ. કથા મનને પવિત્ર કરવા માટે છે. શૃંગાર-રસ મનને બગાડે છે.
કથામાં શાંત અને કરુણરસ પ્રધાન છે,શૃંગાર અને હાસ્યરસ ગૌણ છે. કથામાં કવચિત હાસ્ય અને વીર રસ આવે પણ શૃંગારરસ નહિ.કથામાં શૃંગારરસનું વર્ણન કરવાની મહાત્માઓએ આજ્ઞા આપી નથી.
રામદાસ સ્વામી એ દાસબોધ માં કથા કેવી રીતે કરવી તેનો એક અધ્યાય લખ્યો છે. કહ્યું છે-કે-
ગ્રંથ નો ગુહ્યાર્થ કહેવો પણ લૌકિકાર્થ ન કહેવો.
ભાગવતના બીજા સ્કંધના –સાતમાં અધ્યાયમાં કથા કેમ કરવી?-તે બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું છે.


આ સો વર્ષમાં કર્દમ-દેવહુતિ ને ત્યાં –નવ કન્યાઓ થઇ.કહેવાનો મતલબ એવો છે-કે-
નવ કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ ના આવે ત્યાં સુધી કપિલ એટલે જ્ઞાન ના આવે.
(શ્રવણ-કિર્તન-સ્મરણ-પાદસેવન-અર્ચન-વંદન-દાસ્ય-સખ્ય અને આત્મનિવેદન –આ નવધા ભક્તિ છે.)
(જો કે-તત્વ દ્રષ્ટિએ –છેવટે જ્ઞાન અને ભક્તિમાં બહુ અંતર નથી. ભક્તિમાં પહેલાં –દાસોહમ-અને પછી-સોહમ થાય છે.)

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE