Nov 2, 2019

ભાગવત રહસ્ય-૯૮

મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.વિચારે છે-પ્રભુએ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,પણ હું કન્યાની પરીક્ષા કરું.
કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.

દેવહુતિ બહુ ભણેલાં ન હતાં,પણ સુશીલ છે, સ્ત્રીધર્મને જાણે છે. દેવહુતિએ વિચાર કર્યો-કે-ભવિષ્યમાં આ મારા પતિ થવાના છે,પતિએ પાથરેલા આસન પર બેસું તો પાપ લાગશે, અને જો આસન પર ના બેસું તો આસન આપનારનું અપમાન થશે.તેથી દેવહુતિ –જમણો હાથ આસન પર રાખી,આસનની બાજુમાં બેસે છે. જમણો હાથ આસન પર રાખી –બતાવ્યું –કે-મેં આસનનો સ્વીકાર કર્યો છે,પણ તમે પાથરેલા આસન પર બેસું તે –મારો ધર્મ નથી.

આજકાલ છોકરાઓની પરીક્ષા કરવાની રીત જુદી છે, એવું પણ બને કે છોકરીઓ છોકરાની પરીક્ષા કરે છે. ગમે તે હોય-પણ પ્રશ્નો પૂછવાથી-કે વાતો કરવાથી શું પરીક્ષા થાય છે ? પરીક્ષા શીલની થાય છે. કે સુશીલતા કેટલી છે ?

કર્દમ વિચારે છે-છોકરી છે તો લાયક.લગ્ન કરવામાં હરકત નથી.
મનુ મહારાજે કહ્યું-કે આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું. કર્દમઋષિ એકદમ સરળ છે.તે છળકપટ જાણતા નથી.કર્દમઋષિએ સ્પષ્ટ કહ્યું છે-લગ્ન કરવાની મને ઈચ્છા છે.પણ લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. એક પુત્ર ના થાય ત્યાં સુધી હું લૌકિક સંબંધ રાખીશ.એક પુત્ર થાય પછી હું સંન્યાસ લઈશ.મારે ભોગ પત્ની નહિ,ધર્મપત્ની જોઈએ છે.

લગ્નની વિધિ માં –કન્યાદાનના મંત્ર માં લખ્યું છે-કે-વંશનું રક્ષણ કરવા –એક-પુત્ર માટે હું કન્યા અર્પણ કરું છું.
માટે...શાસ્ત્રમાં પહેલા –એક-પુત્ર ને –જ-ધર્મ પુત્ર કહ્યો છે. બીજા પુત્રો-સંતાનો-થાય તેને કામજ પુત્રો ગણવા.
કામાચરણ માટે નહિ પણ ધર્માચરણ માટે લગ્ન છે.

પતિ-એ –પત્નીમાં –પુત્રરૂપે જન્મે છે. એક પુત્ર થાય પછી-પત્ની માતા –જેવી-બને છે. (સંસ્કૃતમાં તેથી પત્ની ને –જાયા-કહે છે.)તેથી એક પુત્ર થયા પછી –પતિપત્ની તરીકેનો લૌકિક સંબંધ રાખવો નહિ.
કામ-એ-ઈશ્વરની જેમ –વ્યાપક-થવા માગે છે. સ્ત્રીમાં જ્યાં સુંદરતા દેખાય છે-કે-કામ ઉત્પન્ન થાય છે.
આ-કામ-ને –એક જ-સ્ત્રીમાં સંકુચિત કરી-કામનો નાશ કરવા માટે લગ્ન હોય છે.

લગ્નના દિવસે –વર કન્યામાં –લક્ષ્મી નારાયણની ભાવના કરવા માં આવે છે.
લગ્ન વખતે બ્રાહ્મણ બોલે છે-શુભ લગ્ન સાવધાન-વર કન્યા સાવધાન.
લગ્નમાં –આ-સાવધાન શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે,
કારણ બધા જાણે છે કે,લગ્ન પછી આ કંઈ સાવધાન રહેવાનો નથી.
આ ચેતવણી છે. લગ્ન પહેલાં જ જે સાવધાન થાય અને લગ્ન પછી જે સાવધ રહે –તે જીત્યો.

રામદાસ સ્વામી-લગ્ન પહેલાં સાવધાન થયા હતા.લગ્ન મંડપમાં-જેવા-ગોર મહારાજ સાવધાન બોલ્યા-કેરામદાસ સ્વામી સાવધ થઇ ગયા-અને લગ્ન મંડપમાંથી નાસી ગયા. (લગ્ન થતાં પહેલાં જ).
લગ્ન કર્યા પછી –પણ -માનવી-સાવધાન રહે તો-લગ્ન એ પુણ્ય છે. ગાફેલ રહે તો પાપ છે.
કામસુખ ભોગવ્યા પછી મનુષ્ય વિવેક રાખે તો-તે કામનો ત્યાગ કરી શકે છે.

ઋષિઓએ સ્ત્રીને ધર્મપત્ની માની છે. સ્ત્રી એ ભોગનું સાધન નથી,પણ ધર્મનું સાધન છે.
ભોગની પાછળ રોગ ઉભા જ છે. ભોગ વગર રોગ થાય જ નહિ. હા,કેટલાક રોગ,પૂર્વજન્મના પાપથી થાય છે, પણ મોટા ભાગના રોગો આ જન્મના ભોગવિલાસથી થાય છે. ભોગ વધે એટલે આયુષ્યનો ક્ષય થાય છે.
ભોગો ભોગવાતા નથી- પણ આપણે જ-ભોગવાઈ જઈએ છીએ.

હાલના વરરાજાઓ –ઘોડાની બગી-કે મોટરમાં બેસવા લાગ્યા છે. તેમને ઘોડા પરથી પડી જવાની બીક લાગે છે.એક ઘોડો પાડી નાખશે –તેની બીક લાગે છે –તો અગિયાર ઘોડાઓ શું દશા કરશે ? ૧૧ ઘોડાઓ ૧૧ ઇન્દ્રિયો છે.આ અગિયાર ઇન્દ્રિયોને કાબુમાં રાખવા લગ્ન છે. જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે.

કર્દમઋષિ કહે છે-મારું લગ્ન એક સતપુત્ર ને માટે છે-પછી હું સંન્યાસ લઈશ. આ મારો નિયમ તમારી કન્યાને માન્ય છે ? દેવહુતિ એ કહ્યું-મને માન્ય છે.મારી ઈચ્છા પણ કોઈ જીતેન્દ્રિય પુરુષ મળે તેવી જ છે.
મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે. દેવહુતિ અને કર્દમના લગ્ન થયાં. દેવહુતિ કર્દમના આશ્રમમાં વિરાજ્યાં છે.

‘આજસુધી હું રાજકન્યા હતી,પણ હવે હું ઋષિપત્ની થઇ છું. મારા પતિ તપસ્વી છે-તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ.’ આમ સમજી-કિંમતી વસ્ત્રો-આભૂષણો ઉતારી નાખ્યા છે. પતિ પત્ની બંને એક આશ્રમમાં રહી તપશ્ચર્યા કરે છે.મૌન રાખે છે.બાર વર્ષ સુધી એક જ ઘરમાં સંયમથી નિર્વિકાર રહ્યા છે. સંયમ કેવો હોવો જોઈએ?તે કર્દમ પાસેથી શીખવા મળે છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE