Nov 1, 2019

ભાગવત રહસ્ય-૯૭

વિદુરજી –મૈત્રેયજીને કહે છે-કે-આપ કર્દમ અને દેવહુતિના વંશની કથા કહો. કપિલ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે.
મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમને ત્યાં પ્રગટ થયા છે.કર્દંમ=ઇન્દ્રિયોનું દમન કરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.
ઇન્દ્રિયોના નિગ્રહથી શરીરમાં સત્વ-ગુણની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે.

સત્વ-ગુણની વૃદ્ધિ-સંયમથી,શુદ્ધ આચારથી,શુદ્ધ વિચારથી,શુદ્ધ આહા થી,ઇન્દ્રિયોના નિગ્રહથી થાય છે.
લૂલી (જીભ) માગે-તે તેને આપશો નહિ.(ઇન્દ્રિય નિગ્રહ).
લૂલીને ખાતરી થઇ જાય –કે હું માગું તે મળવાનું નથી- તો તે શાંત થઇ જાય છે.
આ લૂલીમાં એકે ય હાડકું નથી-છતાં પણ એ બધાને નચાવે છે.

ઇન્દ્રિયો-તો નોકર છે,અને તમે માલિક છો. જો માલિક નોકરને આધીન રહે તો તેનું પતન થાય છે.
ઈન્દ્રિયોને જ્યાં જવું હોય ત્યાં તમારે જવાનું નથી-તમારે જ્યાં જવું હોય ત્યાં ઇન્દ્રિયોને લઇ જાવ.
માનવ નો શત્રુ કોણ ? એના જવાબમાં શંકરાચાર્યજી કહે છે-પોતાની ઇન્દ્રિયો-એ-જ-પોતાનો શત્રુ છે.

કર્દમઋષિ-સરસ્વતી નદીના કિનારે આખો દિવસ તપ કરે છે. સરસ્વતીનો કિનારો એ સત્કર્મનો કિનારો છે.
તેઓ આદિનારાયણનું ધ્યાન કરે છે,શરીર –પ્રાણ –મન ને સતત –સત્કર્મમાં પરોવી રાખે છે. એક પળ નવરા બેસતા નથી.એવો કાર્યક્રમ નક્કી કર્યો છે-કોઈ વિષયમાં મન જાય નહિ. દુઃખ સહન કરીને જેણે તપ કર્યું છે,તેઓ જ જગતમાં મહાન થયા છે.બુધ્ધિપૂર્વક જે –દુઃખ સહન કરે –તેના પાપ બળે છે. તેના પર ભગવાન પ્રસન્ન થાય છે-ભગવાન તેના ત્યાં પધારે છે.

આજકાલ લોકો, એક-બીજા સાથે- ગપ્પાં માર્યામાં સમય વિતાવી દે છે.પણ સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે.ભગવાન સર્વ રીતે ઉદાર છે-પણ સમય આપવામાં ઉદાર નથી. ભગવાન અતિશય સંપત્તિ આપે છે,પણ અતિશય સમય આપતા નથી.કોઈ કહે કે-ભગવાન બે લાખ રૂપિયા આપું-મારું આયુષ્ય –બે –દિવસ વધારી આપો-તો ભગવાન આયુષ્ય વધારશે ? 
લક્ષ્યને લક્ષમાં રાખો-તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો આદમી સઢ વગરના વહાણ જેવો છે.

સિદ્ધપુર પાસે કર્દમઋષિનો આશ્રમ છે.કર્દમઋષિ અતિશય દુઃખ સહન કરીને તપશ્ચર્યા કરે છે, શરીરમાં હાડકાં જ જાણે બાકી રહ્યા છે.ઋષિની તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા.”મારા માટે બહુ દુઃખ સહન કર્યું” આંખ માંથી હર્ષના આંસુ નીકળ્યા છે.આ આંસુનું થયું-બિંદુ સરોવર.
સિદ્ધપુરમાં બિંદુ સરોવર-કચ્છમાં નારાયણ સરોવર-દક્ષિણમાં ઋષ્યક પર્વત પાસે, પંપા સરોવર-અને 
ઉત્તરમાં માન સરોવર.વ્રજ માં પ્રેમ સરોવર છે. ત્યાં રાધાકૃષ્ણનું પ્રથમ વાર મિલન થયેલું. 
મિલન-દર્શનનો એટલો આનંદ થયો કે-આંખમાંથી પ્રેમ આંસુ-રૂપે બહાર આવ્યો.અને તેનું થયું પ્રેમ સરોવર.
આ સરોવરોનો મહિમા છે.

કર્દમ –પ્રભુને કહે છે-કે-તમારાં દર્શન કરવાથી મારી આંખ સફળ થઇ છે. આમ સદાય તમારું દર્શન રહે. તપ માં મને આનંદ આવે છે.મને સંસારસુખની કામના નથી,પરંતુ બ્રહ્માજીએ મને લગ્ન કરવાની આજ્ઞા કરી છે, મારે પત્ની જોઈતી નથી,પણ મારે ઘરમાં સત્સંગ જોઈએ છે.મને એવી સ્ત્રી આપજો કે ભક્તિમાં સાથ આપે,મારા મનમાં કદાચ પણ પાપ આવે તો મને પાપ કરતાં અટકાવે.

પરમાત્માએ સ્મિત કર્યું અને કહ્યું-મેં બધી તૈયારી રાખી છે.બે દિવસ પછી-મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી-દેવહુતિ તમને આપશે. દેવહુતિ બહુ લાયક છે,તમારો ગૃહસ્થાશ્રમ જગતને આદર્શરૂપ થશે.પરમાત્માએ આજ્ઞા કરી છે-કે-મનુ મહારાજ કન્યા લઈને આવે ત્યારે બહુ નખરાં કરતા નહિ.
(આજકાલ લોકો નખરાં બહુ કરે છે-કે-મારે પરણવું નથી.)
પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો –ભગવાનને ઈચ્છા થાય કે –હું તેમને ત્યાં જન્મ લઉં.
“હું તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ-જગતને મારે સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કરવાનો છે.” 
એવું કહી હરિ અંતર્ધ્યાન થયા.

આ બાજુ-નારદજી ફરતા ફરતા મનુ મહારાજ પાસે આવ્યા. મનુ મહારાજને ચિતા માં જોઈ પૂછ્યું-આપ શાની ચિંતા કરો છો? મનુ મહારાજ કહે છે- મારી પુત્રી મોટી થઇ છે -તેના વિવાહની ચિંતા છે. નારદજીએ કહ્યું-દેવહુતિને બોલાવો.તેના હાથની રેખા જોઈ-નારદજી એ કહ્યું-કે આ કોઈ રાજાની રાણી થશે નહિ,પણ કોઈ તપસ્વી ઋષિની પત્ની થશે.

મનુ મહારાજ કહે છે-મારી પુત્રીની પણ એવીજ ઈચ્છા છે કે-કોઈ તપસ્વી પુરુષ જોડે તેનું લગ્ન થાય. રાજ મહેલનું આ વિલાસી જીવન તેને જરા ય ગમતું નથી.રોજ સવારે વહેલી ઉઠી,જપ-ધ્યાન કરે છે.
નારદજીએ કહ્યું-કે –તો તો તમે કર્દમઋષિને કન્યાદાન કરો. તે મહાન તપસ્વી છે.
મનુ મહારાજ કહે-પણ તેઓ રાજ કન્યા સાથે લગ્ન કરશે ?
નારદજી કહે છે-મેં સાંભળું છે-કે તેમણે લગ્ન કરવાની ઈચ્છા છે,એટલે કરશે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE