Oct 31, 2019

ભાગવત રહસ્ય-૯૬


ત્રીજા સ્કંધના પ્રકરણોના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા.
પૂર્વમીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસામાં કપિલ નારાયણ ના ચરિત્રનું વર્ણન છે.વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે.
જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.વાદળાં જેમ સૂર્યને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે.

યજ્ઞમાં -આહુતિ આપવામાં આવે-તો જ યજ્ઞ થાય(કહેવાય) એવું નથી. પણ-સત્કર્મ--જેવા કે –પરોપકારમાં શરીરને ઘસાવો-તે યજ્ઞ છે,કાયા,વાણી,મનથી કોઈને દુભાવવું નહિ તે યજ્ઞ છે,સદા પ્રસન્ન રહેવું તે યજ્ઞ છે,બ્રહ્મચર્યનું પાલન કરવું તે યજ્ઞ છે, મૌન રાખી ભગવદસ્મરણ કરવું તે પણ યજ્ઞ છે. સત્કર્મ કરતાં-ચિત્ત શુદ્ધ થાય-તો જ્ઞાન અંદરથી સ્ફુરણ પામે છે. અને અંદરથી આવતું આ જ્ઞાન કદી ભૂલાતું નથી-ટકે છે. જ્ઞાન તો પુસ્તકો દ્વારા પણ મળે છે, પણ પુસ્તકો વાંચવાનું બંધ કરો-ત્યારે જ્ઞાન ભૂલાઈ જાય છે.

માનવ શરીર –એક –ઘડો છે.જેને ઇન્દ્રિયો રૂપી નવ કાણાં પડેલા છે. ઘડામાં કાણાં હોય તો ઘડો ભરાય નહિ. એક એક ઇન્દ્રિયોરૂપી કાણા માંથી જ્ઞાન વહી જાય છે. આમ ના થાય તે માટે-ઇન્દ્રિયોને સત્કર્માં પરોવી,પ્રભુ માર્ગે વાળો.જ્ઞાન મેળવવું-કદાચ સહેલું હશે-પણ ટકાવવું અઘરું છે.સમજણ આવે છે-પણ સમજણમાં સ્થિરતા આવતી નથી.અનેક વાર વિકાર વાસનાના આવેગમાં જ્ઞાન વહી જાય છે. 

કોણ નથી જાણતું-કે –હંમેશાં સત્ય બોલવું જોઈએ ? દુકાનદાર પણ સમજે છે-કે સત્ય બોલવું એ ધર્મ છે. પણ જ્યાં- કોઈ ઘરાક આવ્યો-અને લાગે કે થોડું જુઠ્ઠું બોલવાથી ફાયદો થાય એવો છે-તો દુકાનદાર વિચારે છે-કે-ભલે પાપ લાગે-થોડું જુઠ્ઠું બોલી ફાયદો કરી લેવા દે-મંદિરમાં એક રાજભોગ કરીશું, એટલે પાપ બળી જશે !!! પણ-એમ કંઈ પાપ બળતા નથી.

જ્ઞાનીઓ ઈન્દ્રિયોને વિષયમાં જતી અટકાવે છે,ત્યારે વૈષ્ણવો (ભક્તો) ઈન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળે છે.
જ્ઞાન ટકતું નથી-તેનું એક કારણ છે-મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે, જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે-મસ્તકમાં રહ્યું નથી.પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન –શાંતિ નહિ આપે. અંદરથી પ્રગટ થયેલું જ્ઞાન શાંતિ આપે છે.
પુસ્તકો માં શું છે-તે જાણવા કરતાં-મારા મન માં શું છે તે જાણવું અતિ ઉત્તમ છે.

પુસ્તકોની પાછળ પડે તે વિદ્વાન અને પ્રભુના પ્રેમમાં –પરમાત્માની પાછળ પડે તે સંત.
વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે-જયારે શાસ્ત્ર સંતની પાછળ દોડે છે.
શાસ્ત્રો વાંચીને જે બોલે છે તે વિદ્વાન-જયારે-પ્રભુને રિઝાવીને-તેના પ્રેમમાં પાગલ થયેલા- જે બોલે તે સંત.
સંત-પોતાની અંદરની –પ્રેમની-ભક્તિની-પોથી વાંચી-પ્રભુ પ્રેરણાથી બોલે છે.

મીરાંબાઈના જીવનચરિત્રમાં –ક્યાંય લખ્યું નથી-કે તેમના કોઈ ગુરુ છે-કે-તે કોઈના ઘેર શાસ્ત્રો ભણવા ગયા છે. તેમ છતાં –મીરાંબાઈ ના મુખમાંથી જે શબ્દ નીકળે છે-એની પાછળ શાસ્ત્રો દોડે છે.મીરાંબાઈના ભજન માં જે શક્તિ છે-તે કોઈ સામાન્ય મનુષ્યના ભજનમાં આવે નહિ. મીરાંબાઈ –પ્રભુના પ્રેમમાં તરબોળ થઇ બોલ્યાં છે.તુકારામ મહારાજ પણ કોઈને ઘેર શાસ્ત્રો ભણવા ગયા નથી.

ગીતાજી માં ભગવાન કહે છે-અર્જુન,જ્ઞાન તારામાં જ છે,(જ્ઞાન બહારથી આવતું નથી,જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, હૃદયમાં સાત્વિક ભાવ જાગે-મન શુદ્ધ થાય –એટલે –હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.)
“પરમ શ્રદ્ધાવાન,જ્ઞાનપ્રાપ્તિ માટે તત્પર,અને જીતેન્દ્રિય –પુરુષ –જ્ઞાનને- પ્રાપ્ત થાય છે,જેથી-શાંતિમળે છે”(ગીતા-૪-૩૯)

આમ –પૂર્વમીમાંસામાં –સત્કર્મ કરવાની આજ્ઞા કરી, હવે સંયમથી જ્ઞાન ને કેવી રીતે સંપાદન કરવું તે ઉત્તરમીમાંસામાં કપિલમુનિ જે ભગવાનનો જ્ઞાનાવતાર છે-તેના દ્વારા બતાવે છે.
ભાગવતમાં જ્ઞાન વિષેનું –આ અગત્યનું પ્રકરણ છે-જેને કપિલ ગીતા પણ કહે છે.

સ્વયંભુવ-મનુ અને રાણી શતરૂપાને ત્યાં –પાંચ સંતાનો થયાં.
બે પુત્રો-પ્રિયવ્રત અને ઉત્તાનપાદ.અને ત્રણ પુત્રીઓ-આકુતિ,દેવહુતિ,અને પ્રસૂતિ.
તેમાં –આકુતિ-રુચિ ને,દેવહુતિ –કર્દમ ને અને પ્રસૂતિ –દક્ષને પરણાવેલી.
દેવહુતિનું લગ્ન કર્દમઋષિ જોડે થયેલું, તેમને ત્યાં કપિલ ભગવાન પધારેલા.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE