Oct 30, 2019

ભાગવત રહસ્ય-૯૫

ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.આમ ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.પણ ભાગવતની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.
અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.

હિરણ્ય-એટલે સોનું –અને અક્ષ એટલે-આંખો. જેની આંખમાં સોનું –ભર્યું છે –જેને સોનું જ દેખાય છે-તે હિરણ્યાક્ષ.હિરણ્યાક્ષ –એ સંગ્રહવૃત્તિ- લોભ છે. તેણે ભેગું કર્યું –અને હિરણ્યકશિપુ એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ –લોભ છે.આ લોભ ને જીતવો –એ-બહુ મુશ્કેલ કામ છે.
ભગવાનને આ લોભ –(હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ) ને મારવા બે અવતાર લેવા પડ્યા છે.
હિરણ્યાક્ષને મારવા-વરાહ અવતાર અને હિરણ્યકશિપુને મારવા નૃસિંહ અવતાર.

કામ (રાવણ-કુંભકર્ણ) ને મારવા –એક જ રામજી નો અવતાર.અને 
ક્રોધ (શિશુપાલ-દંતવક્ત્ર) ને મારવા –એક જ કૃષ્ણાવતાર.

લોભ –જેમ જેમ વધે તેમ તેમ –ભોગ- વધે છે. ભોગ વધે તેમ પાપ વધે છે.જ્યારથી લોકો એમ માનવા લાગ્યા કે-કેવળ પૈસાથી જ સુખ મળે છે-ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે.પૈસાથી થોડી સગવડતા મળે છે,પણ શાંતિ મળતી નથી. શાંતિ –સંતોષથી મળે છે.આ પૃથ્વીની –બધી જ સંપત્તિ અને ભોગસામગ્રી –કોઈ એક જ વ્યક્તિને આપવામાં આવે તો –પણ તેને શાંતિ મળશે નહિ.

કામ –વૃદ્ધાવસ્થામાં શરીર ક્ષીણ થાય - કામ જાય અને ડહાપણ આવે-–એમાં શું ગઢ જીત્યો ?
(યુવાનીમાં કામ જીતવાનો છે)
ક્રોધ- વૃદ્ધાવસ્થામાં –ડોસાને કોઈ ગણકારે નહિ-પછી ક્રોધ જાય એમાં શું નવાઈ ? પણ
લોભ-તો વૃદ્ધાવસ્થામાં યે છૂટતો નથી, સંતોષ થતો નથી.
લોભ સંતોષથી મરે છે. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ હશે તો લોભ મરશે.

વિચારો-કે-દુનિયાના ઘણા જીવો કરતાં આપણે સુખી છીએ. ઘણા જીવોને તો ભોજનના પણ સાંસાં હોય છે.
ઈશ્વરે આપણી લાયકાત કરતાં વધારે સુખ સંપત્તિ આપ્યાં છે-એમ માનશો તો સંતોષ થશે અને શાંતિ આવશે.

વરાહ ભગવાન –એ સંતોષનો અવતાર છે-યજ્ઞ (સત્કર્મ)નો અવતાર છે.(યજ્ઞાવતાર)
સત્કર્મ ને –યજ્ઞ- કહે છે (ગીતા).જે દિવસે તમારે હાથે સત્કર્મ થાય-શ્રેષ્ઠ કર્મ થાય-તે દિવસ –યજ્ઞ-નો-કે- શ્રેષ્ઠ દિવસ છે.વરાહ=વર+અહ-જ્યાં-વર=શ્રેષ્ઠ અને અહ=દિવસ.
શ્રેષ્ઠ દિવસ એ સત્કર્મનો(યજ્ઞનો) દિવસ છે. સત્કર્મમાં(યજ્ઞમાં)- વિઘ્ન –કરનારો-હિરણ્યાક્ષ-લોભ- છે.
મનુષ્યના હાથે સત્કર્મ થતું નથી-કારણ તેને એમ લાગે છે-કે-પ્રભુએ મને બહુ ઓછું આપ્યું છે.
(બહુ મેળવવાનો લોભ છે-સંતોષ નથી)

વરાહ ભગવાને-પૃથ્વી-જે સમુદ્રમાં ડૂબેલી હતી-તેને સમુદ્રમાંથી બહાર કાઢી. પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી.પૃથ્વી-મનુને-એટલે –મનુષ્યોને –સોંપી. જે પોતાની પાસે આવ્યું તે બીજાને આપી દીધું.
વરાહ નારાયણ –એ સંતોષનું સ્વરૂપ છે. (હિરણ્યાક્ષ લોભનું સ્વરૂપ છે)
વરાહ ભગવાન યજ્ઞાવતાર છે-યજ્ઞના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ (સત્કર્મ) કરવાથી-લોભ વગેરેનો નાશ થઇ-મનશુદ્ધિ- ચિત્તશુદ્ધિ થાય છે.ચિત્તશુદ્ધિ થાય એટલે જ્ઞાન-બ્રહ્મવિદ્યા-કપિલમુનિ પ્રાપ્ત થાય. કપિલમુનિ-નો જ્ઞાનાવતાર છે.

હિરણ્યાક્ષ-એક વખત પાતાળમાં ગયો-અને વરુણ જોડે લડવાની તૈયારી કરી.(વરુણ –જળના દેવ છે)
વરુણે કહ્યું-તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. એટલે હિરણ્યાક્ષ –વરાહ નારાયણ જોડે યુદ્ધ કરવા આવ્યો.
મુષ્ટિપ્રહાર કરી વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. અને પૃથ્વીની સ્થાપના જળમાં કરી. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપીને કહ્યું-ધર્મથી પૃથ્વીનું પાલન કરો.વરાહ નારાયણ બદ્રીનારાયણના સ્વરૂપમાં લીન થયા છે.સમાજ ને સુખી કરવો-એ-મનુષ્ય માત્રનો ધર્મ છે-આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણથી શીખવ્યો છે.

       NEXT PAGE               
    INDEX PAGE