More Labels

Aug 30, 2012

ભાગવત રહસ્ય-૧૦૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     

સ્કંધ ત્રીજો-૨૨ (સર્ગ લીલા)

શરીર માં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયો ના વિષયો છે. જેમ કે જીભ નો વિષય એ –રસ-છે.
આ ઇન્દ્રિયો વિષય નું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે.

વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.
મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્ય ને માર ખવડાવે છે.

ઉદાહરણ તરીકે જોઈએ-તો –એક ઘરમાં ઉંદર પણ રહે છે અને પાળેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે-અને
ઘરમાંથી ઉંદર ને પકડી ને લઇ જાય છે.ત્યારે ઘરનાં કોઈને દુઃખ થતું નથી,ઉપરથી રાજી થાય છે. એક ઉંદર ઓછો થયો.
પણ બીજા દિવસે બિલાડી આવે છે અને ઘરમાંથી પોપટ ને લઇ જાય છે. તો ઘરનાં બધા દુઃખી થઇ જાય છે.
ઉંદર માં મમતા નહોતી-એટલે  દુઃખ ન હોતું. પોપટ માં મમતા હતી એટલે દુઃખ થયું.

આવી જ રીતે મન ના બીજા એક ખેલ માં “મારું અને તારું “ છે.
મન જયારે એમ માને કે –આ મારું –છે-તો પછી તે કોઈ જ જાતનો દ્વેષ કરતુ નથી. ‘મારા’ જોડે પ્રેમ કરવા માંડે છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો-રાત્રે અગિયાર વાગે ઘરમાં બ્રાહ્મણ અતિથી આવ્યા- તો-
ગૃહિણી કહેશે,-મહારાજ,ચા કે દૂધ -શું લેશો ?તમને તો અમારા હાથનું નહિ ચાલે.
મન માં વિચારે છે કે-આખો દિવસ કામ કરી –શરીર થાકી ગયું છે ને -અત્યારે આ લપ વળી ક્યાંથી આવી ?
મહારાજ સરળ હતા-તે કહે કે –દૂધ માં લોટ બાંધી થોડી પૂરી કરી નાખો.
એટલે ગૃહિણી –રસોડામાં જઈ પહેલો તવેતો પછાડશે-અને પછી કરશે.
પણ જો અગિયાર વાગે પોતાનો ભાઈ-પિયરથી આવ્યો હોય તો-ચહેરો ખિલી જાય છે. ભાઈ કહેશે કે-નાસ્તો કરીને આવ્યો છું,
ભુખ નથી. છતાં કહેશે-ભાઈ તું ભૂખ્યો,હોઈશ,હમણાં જ શીરો હલાવી નાખું છું. શીરો –પૂરી કરી પ્રેમ થી જમાડશે.
આ ભાઈ-“મારો”-છે- અને પેલો-મહારાજ-‘મારો’ નથી.

કપિલદેવ કહે છે-કે-મા, આ જીવ ના બંધન અને મોક્ષ નું  કારણ મન ને જ માનવામાં આવ્યું છે.
મન નિર્વિષય બને તો-મુક્તિ અને મન વિષયી બને તો બંધન.
મન જો વિષયો માં આસક્ત થાય તો-બંધન નું કારણ બને છે,પણ એ જ મન જો-પરમાત્મા માં આસક્ત થાય તો મોક્ષનું કારણ બને છે.
મા, જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે,અને પરમાત્મા નું ચિંતન કરે તો મિત્ર છે.
જે મન બંધન કરે છે-તે જ મન મુક્તિ આપે છે.

કોઈ કહેશે-કે-એક જ મનથી બંધન અને એક જ મનથી મુક્તિ કેવી રીતે મળે ?
ઉદાહરણ થી જોઈએ તો-જે ચાવી થી તાળું બંધ થાય છે-તે જ ચાવીથી તાળું ખુલે છે.પરસ્પર વિરુદ્ધ કામ –એક જ ચાવી કરે છે.
પાણી થી કાદવ થાય છે-અને જે પાણી થી કાદવ થાય છે-તે જ પાણી થી કાદવ ધોવાય છે.

મન ને આધીન રહેશો તો એ શત્રુ છે-મન ને આધીન કરશો-તો એ મિત્ર છે.
મન એ પાણી જેવું છે,પાણી જેમ ખાડા તરફ જાય છે તેમ વિના કારણ મન પણ નીચે ખાડામાં જાય છે.
પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી-ત્યારે-પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે.
મન અધોગામી છે. જે મન પ્રભુ પાસે જતું નથી,તે મન ખાડામાં જ પડે છે.

મન વિના કારણ પરસ્ત્રી,પરધન નું ચિંતન કરે છે. આ બંગલો બહુ સુંદર છે. બંગલો બહુ સુંદર છે-પણ તને કોઈ આપવાનું છે ?
આસક્તિપૂર્વક પરસંપત્તિ નું ચિંતન કરવું  એ માનસિક પાપ છે. નિશ્ચય કરો કે-જે વસ્તુ મારી નથી,જે વસ્તુ સાથે મારો સંબંધ નથી,
તેનું ચિંતન શા માટે કરવું ?
પાણી જેવું,અધોગામી મન નીચે ની તરફ જાય છે,ઉંચે ચડતું નથી. આ મન ને ઉપરની બાજુ પ્રભુ ના ચરણ સુધી લઇ જવા
શું કરવું ? પાણી ને યંત્ર  (મોટર) નો સંગ થાય તો –પાણી પાંચમા માળ સુધી ચડે છે-તેમ મન ને મંત્ર નો સંગ આપો.
પાણી ને યંત્રનો તો મન ને મંત્રનો સંગ!!
મન ને મંત્ર નો સંગ થાય તો તે ઉર્ધ્વગામી બનશે. પ્રભુ ના ચરણ સુધી પહોચશે.
મન ને સુધારવા બીજું કોઈ સાધન નથી.મન ને ઉલટું કરવાથી થશે નમ. નમ અને નામ –મન ને સુધારશે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE