Apr 2, 2012

ગંગા સતી અને પાન બાઈ


શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ !
જેના બદલે નહિ વ્રતમાન રે;
ચિત્તની વરતી જેની સદાય નિરમળી,
જેને મા’રાજ થયા મે’રબાન રે… શીલવંત.
ભાઇ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં,
જેને પરમારથમાં પ્રીત રે;
મન, કર્મ, વાણીએ વચનુંમાં ચાલે ને,
રૂડી પાડે એવી રીત રે… શીલવંત. ભાઇ રે !
આઠે પો’ર મનમસ્ત થૈ રે’વે,
જેને જાગી ગયો તુરીયાનો તાર રે;
નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને,
સદાય ભજનનો આહાર રે….શીલવંત. ભાઇ રે !
સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને,
ત્યારે ઊતરશો ભવપાર રે;
ગંગાસતી એમ બોલિયાં રે,
જેને વચનુંની સાથે વે’વાર રે … શીલવંત.


3.અભયભાવ
ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઇ !
રહે છે હરિની જોને પાસાં
ઇરે ભક્તિ ક્યારે ઉરમાં આવે,
જ્યારે થાય સદ્ ગુરુના દાસ… ભગતી
ભાઇ રે ! અભયભાવના લક્ષણ બતાવું પાનબાઇ !
તમે સુણો એકાગ્ર ચિત્ત થઇ;
એ વારે લક્ષણ સાંભળતાં પાનબાઇ !
અભયભાવ ચિત્તમાં પ્રગટાય… ભગતી
ભાઇ રે ! સદગુરુ વચનમાં સુરતાને રાખો,
તો તો હું ને મારું મટી જાય;
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે,
ત્યારે અભયભાવ કહેવાય…. ભગતી
ભાઇ રે ! એવા અભયભાવ વિના
ભગતિ ન આવે પાનબાઇ !
મરને કોટિ કરે ઉપાય;
ગંગાસતી એમ બોલિયાં રે,
તે વિના જીવપણું નહિ જાય… ભગતી.