Oct 21, 2019

ભાગવત રહસ્ય-૮૬

ભગવાનને ભુખ લાગે ? આના પર મહાત્માઓએ ચર્ચા કરી છે.ઉપનિષદનો સિદ્ધાંત છે-કે-ઈશ્વરને ભુખ લાગતી નથી. કહે છે-સંસાર વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે. જીવ અને શિવ .
જીવ રૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે.તેથી તે દુઃખી છે. પરમાત્મા તેને સાક્ષીરૂપે નિહાળે છે. ભગવાન ખાતા નથી.ઉપનિષદ નો આ સિદ્ધાંત પણ ખોટો નથી ,અને ભાગવતનો સિદ્ધાંત પણ ખોટો નથી.

ભાગવત કહે છે કે-ઈશ્વર નિત્ય તૃપ્ત છે,ઈશ્વર નિત્ય-આનંદ-સ્વરૂપ છે.-પણ-આનંદમય ભગવાનને –ભક્તોનો પ્રેમ જોઈ ખાવાની ઈચ્છા થાય છે. ભક્તના હૃદયમાં અતિ પ્રેમ ઉભરાય તો-નિષ્કામ પણ સકામ બને છે. ત્યારે ભગવાન આરોગે છે.નિરાકાર-સાકાર બને છે. ઈશ્વર પ્રેમના ભૂખ્યા છે.

કાશીમાં એક વખત ચર્ચા થઇ કે-ભક્તિ શ્રેષ્ઠ કે જ્ઞાન ? પંડિતો, કૃષ્ણાનંદ સરસ્વતી પાસે ગયા. તેઓએ કહ્યું કે-જ્ઞાન વસ્તુ એવી છે-કે-જે -વસ્તુ -ને જાણે તેણે જ્ઞાન થયું કહેવાય. જે જેવું છે તેવું તેને જાણવું –તે જ્ઞાન. 
પણ ભક્તિમાં –પ્રેમમાં –એવી શક્તિ છે કે –તે જડને ચેતન બનાવે છે. નિષ્કામ ઈશ્વરને સકામ બનાવે છે. નિરાકારને સાકાર બનાવે છે.જ્ઞાનમાં કોઈ વસ્તુનું પરિવર્તન કરવવાની શક્તિ નથી,પણ ભક્તિમાં-પ્રેમ માં,કોઈ વસ્તુને પરિવર્તન કરવાની શક્તિ છે.
ભક્તિ-સ્વતંત્ર (ઈશ્વરને-પરતંત્ર બનવે છે.એટલે જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. જ્ઞાનથી પ્રેમ શ્રેષ્ઠ છે.

જ્ઞાનેશ્વર અને નામદેવ જાત્રા એ નીકળ્યા હતા. રસ્તામાં તરસ લાગી. એક કુવો જોયો,પાણી ઊંડું હતું અને દોરડી હતી નહિ.કરવું શું ? જ્ઞાનેશ્વર-પાસે લઘુમા સિદ્ધિ હતી, તે સૂક્ષ્મ સ્વરૂપ લઇ કુવામાં જઈ પાણી પી આવ્યા. પણ નામદેવ ભક્ત છે.બહાર ઉભા રહી પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રભુએ પ્રાર્થના સાંભળી,કુવામાં પાણી ઉભરાયું અને ઉપર આવ્યું. નામદેવને પાણી જોડે નીચે કુવામાં જવું પડ્યું નહિ પણ પાણી તેમની પાસે આવ્યું. તેથી સિદ્ધ થાય છે-ભક્તિ શ્રેષ્ઠ છે.

શુકદેવજી કહે છે-વિદુરજીએ કુસંગનો ત્યાગ કર્યો અને સત્સંગ સ્વીકાર્યો –ત્યારે ભગવાન મળ્યા. મનુષ્ય સંગ થી જ સુધરે છે,અને સંગથી જ બગડે છે,મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે,બગડેલો હોતો નથી, પણ મોટો થતાં જેના સંગમાં આવ્યો હોય તેવો બને છે.તમારે જેવા થવું હોય તેવા લોકોના સંગમાં રહો. અતિ વિલાસીના સંગ થી જીવન બગડે છે,ભજનાનંદી સંતનો સંગ કરવાથી જીવન સુધરે છે.કૃષ્ણપ્રેમમાં રંગાયેલા સંત મળે તો જ ભજનનો રંગ લાગે છે.

સાધારણ માણસ –રાજા ને –પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે તો –રાજા તેના ઘેર આવે ? ના જ આવે......પણ જીવ –જો પવિત્ર જીવન વિદુરજીની માફક ગાળે તો-તે લાયક બને અને પરમાત્મા –વગર આમંત્રણે તેના ઘેર આવે.વિદુરજીએ વિચાર્યું-પ્રભુએ ધ્રુતરાષ્ટ્રના ઘરનું પાણી પણ પીધું નથી-એટલે હવે કૌરવો નો વિનાશ થશે-ગમે તેવો પણ મારો ભાઈ છે-તેને ફરી એકવાર સમજાવું.
વિદુરજી-મધ્યરાત્રીએ ધ્રુતરાષ્ટ્રને મળવા ગયા-ઉપદેશ આપી સમજાવવા પ્રયત્ન કર્યો-છતાં તે માનતો નથી.
આ ઉપદેશ- મહાભારતના ઉદ્યોગપર્વમાં –વિદુરનીતિ- ના નામે ઓળખાય છે.

ધ્રુતરાષ્ટ્ર કોણ છે ? જે બીજાનું ધન પડાવી લે-તે-ધ્રુતરાષ્ટ્ર. જેની આંખમાં પૈસો છે-તે આંખ હોવાં છતાં આંધળો થઇ જાય છે.પાપી-દુષ્ટ –પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ તે ધ્રુતરાષ્ટ્ર છે. (પહેલાં તો એક ધ્રુતરાષ્ટ્ર હતો,આજકાલ બહુ વધી પડ્યા છે.) વિદુરજી-ધ્રુતરાષ્ટ્રને બહુ સમજાવી ઘેર ગયા.

સવારે-દુર્યોધનના સેવકોએ આવી તેને ચુગલી કરી કે-રાતે વિદુરકાકા આવ્યા હતા.તે પાંડવોના વખાણ કરતાં હતા,અને તમારી નિંદા કરતા હતા,તમને કેદમાં રાખવાનું પણ કહેતાં હતા. દુર્યોધન ગુસ્સામાં આવી જઈ ને –વિદુરજીને સભામાં બોલાવે છે.અને બુધ્ધિપૂર્વક તેમનું અપમાન કરે છે, કહે છે-કે તું દાસીપુત્ર છે,મારા ઘરનું અન્ન ખાઈને મારી વિરુદ્ધ કામ કરે છે.

ભરી સભામાં દુર્યોધને કરેલા આવા અપમાનથી પણ વિદુરજી –ગ્લાનિ(દુઃખ) પામતા નથી. તેઓ ગુસ્સે થયા નથી.વિદુરકાકા એ એકલી ભાજી ખાધેલી ને !!! સાત્વિક આહાર વગર-ગમ- ખાવાની- શક્તિ -નહિ આવે.
જીવનમાં સુખી થવું હોય તો-કમ (ઓછું) ખા અને ગમ ખા. નો સિદ્ધાંત અપનાવવા જેવો છે.
મનુષ્યને બધું ખાતાં આવડે છે પણ ગમ ખાતાં આવડતું નથી. ગમ ખાતા કેમ આવડે ? ગમ –ને ઉલટાવો –તો થશે મગ.બાર મહિના કેવળ બાફેલા મગ પર રહી જુઓ. મગ બાફી –બહુ જરૂર હોય તો –જ-સહેજ મીઠું અને ઘી નાખવું.આહાર માં સંયમ હોય,કે સાદું- સાત્વિક ભોજન હોય તો –સત્વગુણ વધે છે.સહનશક્તિ વધે છે.ગમ ખાતા આવડે છે.નિંદા સહન કરવાની-શક્તિ-આવે છે.

વિદુરજી વિચાર કરે છે-કે-ઝાડનું પાંદડું પણ ઠાકોરજીની ઈચ્છા વગર હાલતું નથી. બધાં કાર્ય ભગવાનની ઈચ્છાથી થાય છે.સર્વમાં શ્રીકૃષ્ણ વિરાજેલા છે,સજ્જનમાં અને દુર્જનમાં પણ. ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. મારું અપમાન થાય એ પણ ઠાકોરજીની લીલા જ છે. દુર્યોધનને પણ ,મારા ભગવાન ,કોઈ –પ્રેરણા આપતા હશે. મારી નિંદા કરનાર-અપમાન કરનાર નું પણ પ્રભુ કલ્યાણ કરે. દુર્યોધન મારી નિંદા કરતો નથી પણ દુર્યોધનના અંતરમાં રહેલ –નારાયણ મને કહે છે-કે-કૌરવોનો કુસંગ –તું છોડી દે. કૌરવોનો કુસંગ છોડાવવાની –પ્રભુની આ પ્રેરણા છે.

વિદુરજી મહાન ભક્ત છે. કૌરવોનું રક્ષણ –વિદુરજી નું -પુણ્ય -કરે છે. કૌરવોના મંડળમાં જો વિદુરજી વિરાજે- તો –કૌરવોનો વિનાશ થાય નહિ-એટલે પ્રભુજીએ વિદુરજીને ત્યાંથી –નીકળી જવા પ્રેરણા કરી છે.
      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE