Dec 8, 2019

ભાગવત રહસ્ય-૧૩૩

જરા-(વૃદ્ધાવસ્થા) સાથે લગ્ન થયા પછી પુરંજનની દશા બગડી છે. શરીર વૃદ્ધ થયું છે.
ભોગ ભોગવે એને –જરા-વૃદ્ધાવસ્થા વળગે છે. યોગીને જરા-અવસ્થા વળગી શકે નહિ.
જવાની એ "જવા" ની જ છે. વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી.
ને પછી –મૃત્યુનો સેવક-પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રી માં અતિ આશક હોવાથી –અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં-શરીર છોડવાથી –પુરંજન –વિદર્ભ નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો.

એવું નથી કે કોઈ કાયમ માટે પુરુષ કે કાયમ માટે સ્ત્રી થઇ પુનર્જન્મ પામે.આ શરીર માં જીવ જે દૃઢ વાસના કરે છે-તે પ્રમાણે-તેનો પુનર્જન્મ થાય છે. મનુષ્ય પોતાનું સ્વરૂપ પોતે જ નક્કી કરે છે.
બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં જે થોડા સત્કર્મો કરેલા હતા તેને પ્રતાપે- વિદર્ભમાં પુરંજનનો જન્મ કન્યારૂપે (વૈદર્ભી) થયો.સમય જતાં તેનું લગ્ન દ્રવિડ દેશના રાજા સાથે થયું.પાંડ્ય (મલયધ્વજ) રાજા ભક્ત હતા. તેનાથી એક પુત્રી અને સાત પુત્રો થયા.

કથા શ્રવણ –સત્સંગમાં રુચિ-તે ભક્તિ.(પુત્રી) સાત પુત્રો ભક્તિના સાત પ્રકાર છે.
(શ્રવણ,કિર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન અને દાસ્ય)
આ સાત પ્રકારની ભક્તિ મનુષ્ય પ્રયત્ન કરવાથી પામી શકે છે.
પરંતુ આઠમી સખ્ય અને નવમી આત્મનિવેદન –ભક્તિ –પ્રભુ જેના પર કૃપા કરે છે તેને જ મળે છે.

સાત પ્રકારની ભક્તિ સિદ્ધ કર્યા પછી, એક વખત,જયારે કન્યાના પતિનું મરણ થાય છે-ત્યારે તે દુઃખી થાય છે. ત્યારે પરમાત્મા સદગુરુ રૂપે આવી અને સખ્ય અને આત્મનિવેદન ભક્તિનું દાન કરે છે.
એટલે કે જે મિત્ર-અવિજ્ઞાતને (પરમાત્માને) પુરંજન (જીવ) માયાને લીધે ભૂલી ગયો હતો-તે સદગુરુ રૂપે આવ્યા. અને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કર્યો-કે-તું મને છોડીને (મારાથી વિખુટો પાડીને) નવ દ્વાર વાળી નગરી (શરીર)માં રહેવા ગયો ત્યારથી તું દુઃખી થયો છે.પણ હવે તું તારા સ્વ-રૂપને ઓળખ.
તું મારો મિત્ર છે.તું મારો અંશ છે.તું સ્ત્રી નથી કે પુરુષ નથી. તું મારા સામું જો.
પુરંજન પ્રભુની સન્મુખ થયો. જીવ અને ઈશ્વ નું મિલન થયું. અને જીવ કૃતાર્થ થયો.

મનની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે.એટલે કે-મનને એકાગ્ર કરવા 'ભક્તિ' (કર્મ)ની જરૂર છે.
અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા 'જ્ઞાન'ની જરૂર છે.
'જ્ઞાન –ભક્તિ અને વૈરાગ્ય' –ત્રણે પરિપૂર્ણ થાય –ત્યારે જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.

ભક્તમાળમાં (ભક્તમાળ-પુસ્તકમાં) મહાન સંત અમરદાસજીની કથા આવે છે.
તેમની ઉંમર ત્રણ વર્ષની હતી ત્યારે તેમણે તેમની મા ને પૂછ્યું-મા હું કોણ છું ? મા એ જવાબ આપ્યો-તું મારો દીકરો છું.અમરદાસ પૂછે છે-દીકરો કોણ ?કોનો? માએ તેમની છાતી પર હાથ રાખી કહ્યું –આ મારો દીકરો છે.
અમરદાસ કહે-એ દીકરો ક્યાં છે? એ તો છાતી છે. હવે મા એ તેનો હાથ પકડી કહ્યું- આ મારો દીકરો છે.
અમરદાસ-કહે મા તે તો મારો હાથ છે. મા જો આ શરીર એ તારો દીકરો,તો તારું લગ્ન થયું ત્યારે હું ક્યાં હતો ?
મા કહે છે –બેટા મારા લગ્ન પછી તારો જન્મ થયો છે. અમરદાસ કહે છે-મા તું ખોટું કહે છે. લગ્ન પછી તો શરીર નો જન્મ થયો.પણ તે પહેલાં તો હું ક્યાંક તો હતો જ. તે મારું અસલી ઘર ક્યાં છે ?

મનુષ્યનું અસલી ઘર પરમાત્માના ચરણ માં છે.” હું કોણ છું “તેનો વિચાર કરવાનો છે.જીવનના લક્ષ્ય ને ભૂલવાનું નથી.નારદજીએ પ્રાચીનર્બહી રાજાને પુરંજન આખ્યાન કહી સંભળાવ્યું.(ભાગવતની અંદર બહુ ઊંડાણથી અને વિસ્તૃત રીતે –આ કથા છે-જિજ્ઞાસુએ તે વાંચવું રહ્યું-અહીં ટુંકાણમાં રહસ્ય કહ્યું છે)

જીવને ઈશ્વરનું જ્ઞાન તો નથી પણ જીવને હું કોણ છું? તેનું પણ જ્ઞાન નથી. વિષયોમાં જીવ એવો ફસાયો છે-કે-હું કોણ છું? તેનો પણ વિચાર કરતો નથી તો પછી પરમાત્માનો તો વિચાર પણ ક્યાંથી આવે ? પુરંજન કથાનું આ રહસ્ય છે.જેનાથી પ્રભુ પ્રસન્ન થાય તે કર્મ અને જેનાથી પ્રભુમાં બુદ્ધિ પરોવાય તે જ્ઞાન.
નારદજીની કથા સાંભળી રાજાને આનંદ થયો છે. ભગવત ચિંતન કરતાં કરતાં પરમાત્મામાં લીન થયા છે.

કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે-અને ભાન કરાવી તે દોષો છોડાવે છે. (જો માણસ સમજે અને પ્રયત્ન કરે- તો) પૂર્વ જન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવાનું છે.પણ નવું પ્રારબ્ધ ઉભું કરવાનું નથી.
એવું સાદું જીવન જીવવાનું-કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય.

આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળે છે.
મનુષ્યને “જગત નથી “ એવો અનુભવ થાય છે-પણ “હું નથી” એવો અનુભવ થતો નથી.
“અહમ” નું વિસ્મરણ જલ્દી થતું નથી.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE