More Labels

Nov 18, 2012

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૨૨

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE
અધ્યાય-૩-કર્મયોગ -૩
જેમ કમળ નું પાન રાત-દિવસ પાણીમાં રહે છે, પણ પાણી થી ભીંજાતું નથી.
તે જ રીતે સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત રહેતો મનુષ્ય, બીજા મનુષ્યો ના જેવો જ ભાસે છે.
ભલે બહારથી તે લોકાચાર પ્રમાણે વર્તે - પણ તેનું અંતર નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ હોય છે.

જો પાણી ની અંદર સૂર્ય નું પ્રતિબિંબ પડતું હોય તો –પાણી ના સંગ થી સૂર્ય પાણી માં હોય તેમ લાગે છે.
પણ સાચી રીતે સૂર્ય પાણી માં નથી.
આજ પ્રમાણે ઉપરથી જોતાં તે મનુષ્ય સાધારણ લાગે છે-પરંતુ તેની “આત્મસ્થિતિ” ઓળખી શકાતી નથી.

જે શ્રેષ્ઠ પુરુષ (ઈચ્છા વગરનો મુક્ત પુરુષ)   છે-તે –
--અંદરથી નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ રહે છે. પણ બહારથી તે સામાન્ય માણસ જેવું જ વર્તન રાખે છે.
--ઈન્દ્રિયોને (જીભ -વગેરેને) આજ્ઞા કરતો નથી, કે વિષયો નો (સ્વાદ-વગેરેનો) ભય રાખતો નથી.
   અને જે જે પ્રસંગે જે જે કર્મો સામે આવે (ઉપસ્થિત થાય) તેનો ત્યાગ કરતો નથી.
--એટલે કે ઇન્દ્રિયો (જીભ-વગેરે) ને કર્મ કરતાં રોકતો નથી, અને તેના વિકારો ને વશ પણ થતો નથી.
--વાસના થી વ્યાકુળ થતો નથી, જેથી તેના મન ને “મોહ” ની બાધા અસર કરી શકતી નથી.
--કમળના પાન ની જેમ તે સંસારમાં અલિપ્ત-અનાસક્ત- નિસ્પૃહ રહે છે.

આવો મનુષ્ય જ યોગી છે,અને તે જ જગતમાં સ્તુતિપાત્ર છે.
માટે હે,અર્જુન, તું પણ એવો જ થા,તારા મન નું નિયમન કર,અને અંતર માં સ્થિર થા,(પછી)
ભલેને ઇન્દ્રિયો તેમના પોતાના વ્યાપારો કરતી રહે. ...................(૭)

આ સંસારમાં આમ જો કર્મ કર્યા વગરના થઈને રહેવું તે જો અસંભવિત જ હોય તો-અને
શરીરના નિર્વાહ માટે પણ જો કર્મ કરવાં જ પડતાં હોય તો. પછી, શાસ્ત્ર વિરુદ્ધ શા માટે વર્તવું ?
માટે જે કર્મો યોગ્ય હોય અને સમય ને અનુસાર પ્રાપ્ત થયાં હોય,તે તે કર્મ તું, નિષ્કામબુદ્ધિ થી કર.
મનુષ્યે પોતાના અધિકાર પ્રમાણે સ્વધર્મ-આચરણ કરવાં જોઈએ.........(૮)

(૧) --“હું –કર્મ કરું છું” એવું કર્તાપણા ના અભિમાન થી કર્મ કરવામાં આવે -
(૨) --આ કરેલા કર્મ નું ફળ જો ઈશ્વરને અર્પણ કરવાનો ભાવ (બુદ્ધિ) ન રાખવામાં આવે -
(૩) --ફળ ઉપર પોતાનો જ અધિકાર છે-તેવો ભાવ (બુદ્ધિ) રાખવામાં આવે -
(૪) --“મને ફળ મળવું જ જોઈએ “ એવી ઈચ્છાવાળી બુદ્ધિ  થી કર્મ કરવામાં આવે-
(૫) --અને જયારે સ્વ-ધર્મ (પોતાનો ધર્મ) નો ત્યાગ કરીને –દુષ્કર્મો (ખરાબ કર્મો) કરવામાં આવે-
       ત્યારે તે કર્મો બંધનરૂપ થાય છે.

પોતાના ધર્મ (સ્વ-ધર્મ) પ્રમાણે નિત્ય આચરણ કરવું –તે નિત્ય યજ્ઞ ના સમાન છે.

બ્રહ્માજી એ જયારે સૃષ્ટિ નિર્માણ કરી, તે વખતે-
તેમણે સર્વ જીવો અને તેમને આચરવાના ધર્મો –એ સાથો સાથ જ ઉત્પન્ન કર્યા.
પરંતુ આ ધર્મો સમજવામાં અઘરા હોવાં થી મનુષ્યો તેને સમજી શક્યા નહિ.
આથી તેમણે બ્રહ્માજી ને પ્રાર્થના કરી કે- હે,દેવ,અમારે સંસાર માંથી તરવાનો ઉપાય શો ?

ત્યારે બ્રહ્માજી એ કહ્યું કે-તમે સ્વ-ધર્મ રૂપી યજ્ઞ થી ધર્માચરણ કરો. એટલે એ સ્વ-ધર્મ રૂપી યજ્ઞ
તમારાં સર્વ મનોરથો પૂર્ણ કરશે..................(૯-૧૦)

આ સ્વ-ધર્મ ના આચરણથી સર્વ દેવતા સંતુષ્ટ થશે અને તેઓ તમને ઈચ્છિત ફળ આપશે.
અને આ પ્રમાણે સ્વધર્માચરણ  રૂપી પૂજાથી તમે સર્વ દેવ ગણ નું પૂજન કરશો –એટલે-
તેઓ પ્રસન્ન થઇ -તમને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ કરી આપશે.
અને પ્રાપ્ય વસ્તુ નું સંરક્ષણ પણ તેઓ પોતે જ કરશે.

દેવતાઓએ આપેલા ભોગો –તેમને-જ પાછા અર્પણ કરી, આ સ્વ-ધર્મ રૂપી યજ્ઞનો બાકી રહેલો
પ્રસાદ –જેઓ ગ્રહણ કરે છે-તે શ્રેષ્ઠ પુરુષો,સર્વ પાપો માંથી મુક્ત થાય છે.

જેમ માછલાંને પાણી ની બહાર કાઢતાંની સાથે જ તેમણે મૃત્યુ ની પ્રાપ્તિ થાય છે-
તેવી જ રીતે સ્વ-ધર્મ છોડવાથી મનુષ્ય ની  સ્થિતિ પણ તેવી જ થાય છે.
માટે બ્રહ્માજી કહે છે-કે “તમારે સર્વે એ પોતપોતાના ધર્મ પ્રમાણેનાં કર્મો કરવા સદા તૈયાર રહેવું જોઈએ”
(૧૧-૧૨-૧૩)

(ક્રમશઃ)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE