Jan 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૪

શ્રીકૃષ્ણ ટૂંકાણમાં કર્મયોગ  કહીને,હવે કર્મયોગ અને જ્ઞાનયોગની તુલના કરતાં કહે છે કે-
“ફળની ઈચ્છા”-યુક્ત  અને “અહમ”-યુક્ત (હું કર્મ કરું છું એવો અહમ)-કરાતા કર્મયોગની 
યોગ્યતા-ઘણી ઓછી છે,પરંતુ-જો કુશળતાપૂર્વક –વિવેકથી-અનાસક્તિથી-કર્મયોગનું આચરણ કરવામાં આવે-તો-તે કર્મ કરતાં કરતાં જ –બુદ્ધિ(સમત્વ બુદ્ધિ-જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે.અને આ રીતે –કર્મની જે કુશળતા પ્રાપ્ત થાય છે-તે જ યોગ છે.  (૫૦)

ધારો કે-કોઈ મનુષ્ય ખુબ વધારે પૈસા કમાવાની ઈચ્છાથી કોઈ મોટું રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) કરે છે.
અહીં "વધારે પૈસા કમાવા"  તે "ફળની ઈચ્છા છે" અને આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પોતાની બુદ્ધિએ 
જે નિર્ણય લીધો છે -તે "નિર્ણય મેં કર્યો છે" તે "અહમ" છે.હવે જો
આ ઇન્વેસ્ટમેન્ટથી ખુબ પૈસા મળે તો -રાજી થાય છે-બુદ્ધિનો અહમ- વધે છે.
અને જો ઇન્વેસ્ટમેન્ટમાં ખોટ આવે તો તે દુઃખી થઇ જાય છે.(બુદ્ધિથી)શોકમય થઇ જાય છે.

હવે આ જ ઇન્વેસ્ટમેન્ટ જયારે તે કરે-ત્યારે-તેની બુદ્ધિ એમ વિચારે-કે-પ્રભુ ની ઈચ્છા કંઈક આવું 
કરાવવાની  હશે-તો ચાલો ઇન્વેસ્ટમેન્ટ કરીએ.વધુ પૈસા મળે તો -પણ ઠીક-ના મળે તો પણ ઠીક.
વધુ પૈસા મળશે તો તેનો સદુપયોગ કરીશ.(આને કુશળતા-વિવેક-અનાસક્ત કર્મ કહી શકાય)
આવે વખતે -તેનો પોતાની બુદ્ધિનો અહમ નથી-અને વિવેકથી કુશળતાપૂર્વક કર્મ કરે છે.
તેથી,જો વધુ પૈસા મળે તો રાજી થતો નથી અને વધુ પૈસા ના મળે  તો દુઃખી થતો નથી.

અહીં -મન -ના વિચારોથી ક્રિયા (ઇન્વેસ્ટમેન્ટ) થાય છે.ત્યારે
મારી નહિ પણ પ્રભુની ઈચ્છાથી કરું છું-તેવી બુદ્ધિ (જ્ઞાન) છે.
અને જયારે આમ તે મન અને બુદ્ધિની -બંનેની એકતા થાય છે.એટલે  ચિત્ત ની સમતા થાય છે. 
અને આ સમતા -કે જેને કર્મની કુશળતા કહે છે-તે જ યોગ છે.તેવું કહેવા માગે છે.

આવી બુદ્ધિથી યુક્ત –જ્ઞાની મહાપુરુષો-કર્મફળની ઈચ્છા રાખતા નથી અને કર્મફળ પર 
અધિકાર પણ રાખતા નથી. કર્મ પણ ઈશ્વરનું અને ફળ પણ ઈશ્વરનું-એમ માને છે.
આવી રીતે માનવાથી તે જન્મ –મરણના ફેરા માંથી મુક્ત થઇ –પરમ પરમાનંદ-(સત્ય જ્ઞાન)ને પામે છે. (૫૧)

કૃષ્ણ કહે છે-હે અર્જુન,તારી બુદ્ધિ જયારે તેમાં પ્રવેશેલા –મોહ-ને ત્યજશે, 
ત્યારેજ તને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. અને આવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે
ભવિષ્યનો વિચાર અને ભૂતકાળની યાદના (સ્મરણના) સર્વ પ્રકારો નાશ પામશે.(૫૨)

આંખની ઇન્દ્રિયે જોયેલા વિધ વિધ પ્રસંગો-ના અનુભવો -
ને કાન ની ઇન્દ્રિયે સાંભળેલા વિધ વિધ શાસ્ત્રોના વાક્યો નો અનુભવ,
તારી બુદ્ધિમાં સંગ્રહેલો છે-કે જેનાથી તારી બુદ્ધિ ચંચળ થાય છે-ભ્રમિત થાય છે-પણ તે-
આત્મ-સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થવાથી- સહજપણે સ્થિર થાય છે.
અને જયારે તારી બુદ્ધિ સ્થિર થશે –ત્યારેજ તને યોગની સ્થિતિ સહજ સાધ્ય થશે.  (૫૩)

અત્યાર સુધી શ્રીકૃષ્ણ ઉપદેશ આપ્યે જાય છે. (ભાષણ આપે જાય છે)
પણ અર્જુન ની “બુદ્ધિ” સુધી તે ઉપદેશ જાણે પહોંચતો જ નથી.
પણ -પોતાના અંતરમનના વિચારોમાં મશગુલ –
અર્જુનના –કાને-જયારે,કૃષ્ણના,કાંઇક બુદ્ધિ વિષે બોલતાં સાંભળવામાં આવ્યું-અને-
ત્યાં તેનું ધ્યાન સહેજ કૃષ્ણની વાતો તરફ ગયું-

અને જ્યાં કૃષ્ણને કહેતાં સાંભળ્યા –કે-જયારે તું આ બુદ્ધિના ભ્રાંતિ (ભ્રમ) ના ચક્રમાંથી બહાર નીકળીશ-
અને –એ-જ-બુદ્ધિ જયારે “આત્મ-સ્વરૂપ” માં સ્થિર થશે-ત્યારે જ યોગની સ્થિર સ્થિતિ (સ્થિતપ્રજ્ઞતા) 
પ્રાપ્ત થશે.કે જે સ્થિતિ માં નિરંતર (સદાય) પરમાનંદ રહે છે.

ત્યારે,સંશયોથી ભરપૂર અર્જુનને અહીં પહેલીવાર જ –જાણે કૃષ્ણની વાતમાં થોડો રસ પડ્યો હોય,
તેવું લાગે છે.કારણકે તે હવે –આ અધ્યાયમાં પહેલી વાર –અહીં કૃષ્ણને –પહેલો -પ્રશ્ન પૂછે છે.

અર્જુન પૂછે છે-કે-હે કૃષ્ણ,તમે જે આ સ્થિર બુદ્ધિવાળા-સ્થિતપ્રજ્ઞ –માનવ કહ્યા,તે ક્યાં જોવા મળે છે ?
આવા માનવો હોય છે કેટલા ? આ બધા માણસોના ટોળામાં એને ઓળખવો કેવી રીતે ?
આવા સ્થિતપ્રજ્ઞ માણસના લક્ષણો કેવાં હોય ? તેનું વર્તન,તેની વાણી કેવાં હોય છે?
તેની તમે કહો છો-તેવી પરમાનંદની સ્થિતિ કેવી હોય છે? (૫૪)

શ્રીકૃષ્ણ ના મુખ પર છેવટે થોડો મલકાટ થયો.
અર્જુને –જયારે કોઈ એક પ્રશ્ન ઉભો કર્યો-તેનો મતલબ –થોડો એવો પણ થયો કે –
હવે અર્જુનનું ધ્યાન-પોતાના ઉપદેશ (ભાષણ!!) માં કમ સે કમ –થોડું તો ગયું !!

પોતાની નવી “બુદ્ધિ” વિશેની સ્ટ્રેટેજી (વ્યૂહ) કામ લાગી અને અર્જુન નું ધ્યાન –પોતાની વાતોમાં ખેંચાણું-
તે જાણી કૃષ્ણ ,મલકાય છે-અને હવે-પાછા –જ્ઞાનયોગ પર આવી –સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા આપી –
અને આ બીજા અધ્યાય  અંત સુધી -સાંખ્યયોગની પૂર્ણાહૂતિ સુધી લઇ જાય છે-
અને બતાવે છે-કે-શાંતિ-સુખ-પરમાનંદની પ્રાપ્તિ કોને થાય છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE