Jan 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૫

મનુષ્યનો મૂળભૂત સ્વ-ભાવ શાંત રહેવાનો છે.અને ક્યાંક ને ક્યાંક થોડો સમય તે શાંત રહે પણ છે.પણ તેને શાંત રહેવું –જાણે કે ગમતું નથી.તેનુ અટકચાળું મન ગમે ત્યાંથી-કોઈ એવી પ્રવૃત્તિ કે ઈચ્છા કરે છે. અને કોઈ નવી પ્રવૃત્તિ ચાલુ કરે છે-
નવી પ્રવૃત્તિ ચાલુ કરે –તેનો તો કોઈ વાંધો નથી હોતો- પણ થાય છે એવું કે –એ નવી પ્રવૃત્તિ માં –એટલો બધો મશગૂલ થઇ જાય છે (સંલગ્ન થઇ જાય છે) કે-તે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિની પેદાશ (ફળ)માં આસક્ત થઇ જાય છે-અને અશાંતિની શરૂઆત થઇ જાય છે.
ટૂંકમાં મનુષ્ય જાતે જ પોતાની શાંતિની આડે અવરોધ પેદા કરી દે છે.

અહીં એક જાણીતું ઉદાહરણ યાદ આવે છે.
એક ભાઈ જંગલમાં ઝાડની નીચે ઠંડકમાં હાથનું ઓશીકું બનાવી આરામથી સૂતા હતા.
ત્યારે બીજા કોઈ અત્યંત એક્ટીવ (પ્રવૃત્તિશીલ) ભાઈએ આવી તેમને જગાડ્યા-અને કહે-
સુઈ શું રહ્યા છો ?સૂતેલાનાં નસીબ સૂતેલાં જ રહે છે.આ જંગલમાંથી લાકડાં કાપી –માથે મૂકી બજારમાં જઈ વેચી આવો. સો રૂપિયા મળશે. પેલા ભાઈ કહે છે –પછી ? બીજા ભાઈ કહે છે- ધીરે ધીરે વધારે ને વધારે લાકડાં કાપો તો વધુ પૈસા મળશે. પછી ધીરે ધીરે રિક્ષા-ખટારો વગેરે લાવો.સુખી થઇ જશો.
પેલા ભાઈ કહે છે-પછી ? “બસ પછી થોડા માણસો ને નોકરીએ રાખી લેવાના –અને આરામથી –સુખથી
આરામ કરવાનો.” સૂતેલા ભાઈએ –કહ્યું-કે” તે તો હું કરું છું-મને શું કામ ઉઠાડ્યો ?”

શ્રીકૃષ્ણ કહે છે-મનની કામનાઓ (ઈચ્છાઓ-વાસનાઓ) એ સુખમાં-શાંતિમાં-આનંદમાં વિઘ્ન કરે છે.
પણ-જયારે જે કોઈ મનુષ્ય-બધી કામનાઓને ત્યજી દે-અને પછી જેનું મન –આત્મ-સંતોષી બને-
તો તેને આત્મા નું જ્ઞાન સમજાય છે –અને પછી તે આત્મ-સંતુષ્ટ થઇ આત્માના આનંદમાં રમે છે- 
જેથી-તે સ્થિતપ્રજ્ઞ (સ્થિર બુદ્ધિવાળો)  કહેવાય છે. (૫૫)

આવો સ્થિર બુદ્ધિવાળો –પુરુષ  ભલે સંસારમાં રહેતો હોય કે સંસાર છોડી દીધો હોય-તેને –
--કોઈ પણ વિષય-સુખ (સાંભળવું,જોવું,ખાવું વગેરે) ની ઈચ્છા રહેતી નથી.
--અનાયાસે –ભાગ્યવશ કોઈ દુઃખ આવી પડે –તો –તેનું મન દુઃખનો ખેદ માનતું નથી.
આ રીતે તેનામાં સુખ-દુઃખ,રાગ-દ્વેષ-જેવા ભેદ(દ્વંદ)  દૂર થવાથી-તેને કોઇ ભય રહેતો નથી. 
અને કામ,ક્રોધ,લોભ –આપોઆપ દૂર થઇ જાય છે. (૫૬)

જે પ્રમાણે –પૂનમનો ચંદ્ર –સારા કે ખરાબ-સર્વ લોકોને એક સરખો પ્રકાશ આપે છે.
તેવી જ રીતે-જે મનુષ્ય –
--સર્વની તરફ સમાન દૃષ્ટિ અને દયા રાખે છે.અને
--કોઈ એક વ્યક્તિ સારો છે-અને બીજો વ્યક્તિ ખરાબ છે-તેવો “ભેદ” રાખતો નથી. અને
--જો પોતાનું સારું થાય –તો હર્ષ કરતો નથી-અને ખરાબ થાય તો શોક કરતો નથી.
તે સ્થિર બુદ્ધિવાળો છે (૫૭)

જે પ્રમાણે –કાચબો જયારે આનંદમાં હોય છે –ત્યારે તે પોતાના હાથ પગ એ શરીરની બહાર કાઢે છે-
અને જયારે ઈચ્છે ત્યારે પાછા સંકોચી લે છે.(અંદર ખેંચી લે છે)
તે જ પ્રમાણે-જે ઇન્દ્રિયોને –પોતાને આધીન રાખી-વશ કરી-વિષયોમાંથી પાછી ખેંચી અંકુશમાં રાખે છે-
તેની બુદ્ધિ સ્થિર થઇ છે-એમ કહેવાય છે. (૫૮)
(ઓરીજીનલ ગીતામાં ઉદાહરણો બહુ ઓછાં છે-પણ આ કાચબાનું ઉદાહરણ ગીતામાં આપેલું છે)

હવે પછીના શ્લોકો માં –ઇન્દ્રિય અને વિષયોની વાત આવે છે.
એટલે ઇન્દ્રિયો અને તેના વિષયો વિષેનું જ્ઞાન થોડુંક તાજું (રીફ્રેશ) કરી લઈએ તો –
સમજવામાં થોડી સરળતા રહે –અને રસ પણ પડે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE