Feb 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૭

જયારે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે-અંતરમાં રહેલા પરબ્રહ્મનો (આત્માનો) સાક્ષાત્કાર થાય છે-ત્યારે-આપોઆપ-જ-
--સર્વ કર્મની ઈચ્છા શમી જાય છે.
--સર્વ તર્કોનો લોપ  (નાશ) થઇ જાય છે.
--ઇન્દ્રિયો  (મુખ-વગેરે) વિષય (સ્વાદ-વગેરે)ને ભૂલી જાય છે.
--મનનું મનપણું બાજુ પર જતું રહે છે.
--શબ્દોની દોડ અટકી  જાય છે-વિચારોની ઉત્કંઠા પૂરી થાય છે.

અહીં એવું પણ કહી શકાય કે-
જે જે –જુદી જુદી જાતના -કર્મો કરીને,જે (આત્મજ્ઞાન) મેળવવાનું છે-
તે મળ્યા પછી-તે કર્મોનું કોઈ જ મહત્વ નથી રહેતું નથી.
કર્મોનું અસ્તિત્વ રહેતું નથી-કે પછી-તે કર્મો કોઈ બંધન કરી શકતા નથી.

આવા આત્મજ્ઞાન ને પામેલા અનુભવી-સંત મહાત્માઓ પાસે જવાથી,
અને તેમની સેવા કરવાથી –મનમાં રહેલું  અભિમાન નષ્ટ પામે છે,
અને આ સંત મહાત્માઓ પાસેથી ઈચ્છિત માર્ગદર્શન પણ મળે છે. (૩૪)

અભિમાન નષ્ટ થવાથી અને સંત-મહાત્માઓના માર્ગદર્શનથી,
ભેદનો (મારું-તારું.હું –તું) નાશ થાય છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે,અને
દુનિયાના દરેક પ્રાણીમાં (આત્મામાં) –પરમાત્માનો વાસ છે –તેવી પ્રતીતિ થાય છે.
અને આ અનેક પાપોથી ભરેલા સમુદ્રને (સંસારને) આત્મજ્ઞાનની મદદથી અનાયાસે તરી જવાય છે.

જેમ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ ,લાકડાને બાળી ને ભસ્મ કરી નાખે છે-
તેમ આ આત્મજ્ઞાનનો પ્રજ્વલિત થયેલો અગ્નિ (જ્ઞાનાગ્નિ),સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે.
આ જગતમાં –આ-આત્મજ્ઞાનના સમાન પવિત્ર બીજું કશું નથી.યોગાભ્યાસ થી આગળ વધેલો પુરુષ,
ધીરે ધીરે સમય થતાં, આ આત્મવિષયક જ્ઞાન પોતાની જાતે જ મેળવે છે. (૩૮)

હવેનો આ શ્લોક ઘણો મહત્વનો છે.પરમ શાંતિ કોને મળે ?
(૧) જે શ્રદ્ધાવાન છે, (૨) જે જ્ઞાનપ્રાપ્તિ માટે તત્પર (ઉત્સુક) થયેલો છે, (૩) જે જીતેન્દ્રિય છે,
તેવા પુરુષને –આ આત્મવિષયક જ્ઞાન મળે છે,અને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તરત જ પરમ શાંતિ મળે છે.(૩૯)

પણ જેને સત્ય-પરમાત્મા વિષે અશ્રદ્ધા છે,પરમાત્મા વિષે –આત્મવિષયક જ્ઞાન વિષે, સંશય છે,
તે નાશને પામે છે, અને આવો સંશયાત્મા (શંકાશીલ પુરુષ) –પરમ શાંતિ ને પ્રાપ્ત થતો નથી,

પરંતુ યોગના દ્વારા જેને સર્વ કર્મોનો સંન્યાસ (ત્યાગ) કરેલો છે,અને
આત્મ-જ્ઞાન દ્વારા જેના સંશયોનો લોપ (નાશ) થઈને આત્મ-સ્વ-રૂપ પ્રાપ્ત થયેલું છે,
તેવા જ્ઞાની ને કર્મનું બંધન પ્રાપ્ત થતું નથી. (૪૦-૪૧)

શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે-કે-
તારા મનની અંદર જે સંશય થયેલો છે-તે અજ્ઞાનના લીધે ઉભો થયેલો છે,
તેનો  જ્ઞાન-રૂપી તલવારથી વધ કરી, તું –
કર્મ અને ફળ ઈશ્વરને અર્પણ કરનારા –આ કર્મયોગનું શરણ (અવલંબન) સ્વીકાર,
અને યુદ્ધ કરવા ઉભો થા. (૪૨)

અધ્યાય-૪ –જ્ઞાનકર્મસંન્યાસયોગ –સમાપ્ત.

અધ્યાય-૪-ટુંકસાર રૂપે  વાંચવા અહીં ક્લિક કરો.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE