More Labels

Dec 23, 2012

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૩૮-અધ્યાય-૫- કર્મ સંન્યાસયોગ

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE             
અધ્યાય-૫- કર્મ સંન્યાસયોગ -૧
સ્વજનો ના “મોહ” થી “શોક” માં પડેલા અર્જુન ને શ્રીકૃષ્ણે –
(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) જ્ઞાન-કર્મ સંન્યાસ યોગ ની વાત કહી અને પછી તે મન માં એવું
સમજ્યા-કે- હવે તો અર્જુન ને બધી સમજ પડી જ ગઈ હશે.
એટલે ગયા અધ્યાય માં છેવટે તે અર્જુન ને કહે છે-ચલ, ભાઈ,હવે ઉભો થા અને યુદ્ધ (કર્મ) કર.

પણ આ કર્મ ની વાતો સમજવામાં ભલભલા જ્ઞાનીઓ અને મહાત્માઓ જ્યાં ગોથાં ખાતા હોય-તો-
પછી બિચારા અર્જુન ની (અને આપણી પણ) તો શું વિસાત  (હેસિયત) ?
અને એટલે જ હજુએ સંશયોમાંથી બહાર ના  નીકળેલો- અર્જુન-શ્રીકૃષ્ણ ને કહે છે-

“હે કૃષ્ણ, આપ આવું દ્વિઅર્થી (જેમાંથી બે જાતના અર્થ નીકળે તેવું)  બોલી ને મને વધુ મૂંઝવી રહ્યા છો.
મહેરબાની કરીને મને કોઈ એક જ વાત કહો-કે જેના પર અંતઃકરણપૂર્વક કોઈ વિચાર કરી શકાય.
સર્વ  કર્મ નો ત્યાગ (સંન્યાસ) કરવો તેવું તમે પહેલાં વારંવાર કહ્યું, અને હવે પાછા કર્મ (યુદ્ધ) કરવાનો
આગ્રહ શા માટે કરો છે ?
એક તત્વ નો બોધ આપવાની ઈચ્છા હોય તો –એક જ માર્ગ બતાવો, જુદાજુદા માર્ગ ના બતાવો.
મેં અગાઉ પણ આપને વિનંતી કરી હતી,કે-પરમાર્થ નો બોધ બહુ ગૂઢાર્થ (ગૂઢ અર્થ) માં આપશો નહિ.
મારા જેવા અજ્ઞાની મનુષ્ય ને સમજાય એવી રીતે કોઈ -એક -વાત ચોક્કસપણે કહો “ (૧)

શ્રીકૃષ્ણ કહે છે-કે-
કર્મસંન્યાસ (ત્યાગ) અને કર્મયોગ બંને મોક્ષદાયક જ છે.(બંધન માંથી મુક્ત કરનાર)
જે પ્રમાણે-
સ્ત્રી,પુરુષ કે બાળક –ગમે તે હોય, પણ રસ્તામાં આવતાં તળાવો કે નદીઓ ને પાર કરવા –
એક નાની નાવડી (સાધન) જ જોઈએ. (દરેક જગ્યાએ-દરેક ને- જુદી જુદી નાવડી ની જરૂર નથી)
તે પ્રમાણે-
જ્ઞાની હોય કે અજ્ઞાની હોય-પણ સર્વે ને સંસાર-રૂપી સમુદ્ર ને તરી જવા માટે –
કર્મયોગ- એ સુલભ સાધન છે.

સંસાર રૂપી સમુદ્ર માં આવ્યા જ છીએ તો –તેને પાર કરવા માટે –દરેકે દરેકને -કંઈક ને કંઈક-
કર્મ (કર્મયોગ-સાધન-કર્તવ્યકર્મ) તો કરવું જ પડે છે. (એટલે બધા ને માટે-કર્મયોગ સુલભ સાધન છે)

અને આમ -સારી અને સાચી રીતે વિવેકથી કર્મો  (કર્તવ્ય કર્મો) નું આચરણ કરતાં કરતાં-
કર્મત્યાગ નું પણ ફળ મળે છે.....(૨)

આજ કારણથી, હું તને કર્મસંન્યાસ (ત્યાગ) કરનાર નાં તને લક્ષણો કહું છું, એટલે તને ખાતરી થશે કે-
કર્મયોગ અને કર્મસંન્યાસ યોગ એ બંને એક જ છે.

વસિષ્ઠ,વ્યાસ,પ્રહલાદ,જનક,ભીષ્મ,કબીર,નાનક,તુકારામ-જેવા અનેક વિશુદ્ધ મહાત્માઓ-
સંસારમાં રહી,સંસારનું કર્મ (કર્તવ્ય-કર્મ) કરતાં કરતાં (બાહ્ય સંન્યાસ લીધા વગર)-
અંતરથી આત્મધ્યાન (પરમાત્મા ધ્યાન) માં મગ્ન રહી, સતત આત્મદૃષ્ટિ રાખી ને મુક્ત થયા હતા.

તે જ રીતે –જે મનુષ્ય-
--ગઈ ગુજરી (ભૂતકાળ) નું સ્મરણ કરતો નથી, ને કોઈ –અપ્રાપ્ય વસ્તુ ની-
  (જે વસ્તુ મળી શકતી નથી તેની)  ઈચ્છા કરતો નથી.
--કોઈનો દ્વેષ (ઈર્ષા) કરતો નથી,
--મન માં દ્વંદ (મારું-તારું,સુખ-દુઃખ, વગેરે) રાખતો નથી,
--અડગ,ખડક ની જેમ –જે અંતર માં (આત્મામાં) મનથી સ્થિર થયેલો હોય છે-

તે મનુષ્ય-સદા ને માટે -સંસાર ના કર્મ કરતો હોવાં છતાં નિત્ય સન્યાસી જ છે.....(૩)

જેવી રીતે અગ્નિ ને –રૂ માં –રાખી શકાતો નથી, પણ તે જ અગ્નિ બુઝાઈ જાય પછી તેની રાખ –
રૂ માં રાખી શકાય છે-
તેવી જ રીતે-જેની બુદ્ધિ માં-અહંતા (અહમ) મમતા (આસક્તિ) નો વિકાર નથી, તે-
સંસારમાં રહ્યા છતાં પણ –કર્મ ના બંધન થી લેપાતો નથી.

ટૂંક માં તાત્પર્ય એ છે –કે-જ્યારે - મન માંથી સર્વ કલ્પનાઓ-સંશયો-તર્કો,જતાં રહે છે-
ત્યારે જ સંન્યાસ સાધ્ય થાય છે. અને આ કારણ થી જ –
કર્મયોગ અને કર્મ-સંન્યાસ યોગ બંને –જ્ઞાન ની દૃષ્ટિ થી જોતાં-એક- જ છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE