Mar 1, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૩

આ દૃશ્ય જગત (જે આંખથી દેખાય છે-તે જગત) એ –મૃગજળ જેવું છે.
મૃગજળનું મૂળ જોવા જઈએ તો-તે-માત્ર સૂર્યકિરણ જ નહિ પણ સૂર્ય પોતે જ છે.
તેવી જ રીતે –આ દૃશ્ય જગતનું મૂળ જોવા જઈએ તો-
તે માત્ર પ્રકૃતિ  (માયા)  નહિ પણ બ્રહ્મ (પરમાત્મા) પોતે જ છે.
જે પ્રમાણે,સોનાના મણકા કરીને,તેને સોનાના તારમાં જ પરોવ્યા હોય,તે પ્રમાણે,સર્વ જગત(સોનાના મણકા) એ-બ્રહ્મ(સોનાનો તાર-પરમાત્મા)માં જ ઓતપ્રોત ગુંથાયેલું છે.(૭)

પછી ના ૮ થી ૧૧ શ્લોક સુધી –પરમાત્મામાંથી વસ્તુ માત્ર ક્યાં-ક્યાં વિસ્તરી છે-ફેલાયેલી છે-
તે વસ્તુઓ નું વર્ણન છે.સારાંશ –એ છે કે-જગતની સર્વ વસ્તુમાત્ર –પરમાત્મામાંથી જ વિસ્તરી છે (૮ થી ૧૧)

જે પ્રમાણે –બીજ-રસથી ભરેલું હોય છે-તેને વાવવાથી –તેમાંથી અંકુર ફૂટી-વૃક્ષ બને છે-અને
છેવટે વૃક્ષનું લાકડું બને છે-પણ આ લાકડામાં –બીજ-બીજ તરીકે - રહેતું નથી,
તે પ્રમાણે –સત્વ-રજસ અને તમસ –વિકારો- પરમાત્મા (બ્રહ્મ) માંથી ઉત્પન્ન થયેલા છે-
તે પરમાત્મા  (બ્રહ્મ)માં સમાઈ રહેલા છે-છતાં –પરમાત્મા (બ્રહ્મ) તે વિકારોમાં સમાયેલા નથી.(૧૨)

જેવી રીતે ઘટાટોપ વાદળોથી આકાશ ઢંકાઈ જાય છે,પાણીમાં ઉત્પન્ન થયેલી સેવાળથી પાણી ઢંકાઈ જાય છે, આંખને મોતિયો આવવાથી દૃષ્ટિ ઢંકાઈ જાય છે, તેવી જ રીતે-
સત્વ-રજસ અને તમસ –એ ત્રણ ગુણોની બનેલી માયાથી પરમાત્મા (બ્રહ્મ) ઢંકાઈ જાય છે.

માયા –એ-પડદાની જેમ –પરમાત્માની આડે આવે છે-જેથી મનુષ્યો-ઈશ્વરને ઓળખી શકતા નથી.અને
જે મનુષ્યો (આત્માઓ) પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયા હોવા છતાં પરમાત્મામાં મળી શકતા નથી.

જેમ માટી નો ઘડો કાચો હોય ત્યાં સુધી માટીમાં પાછો ભળી શકે છે-પણ તે ઘડાને પકવ્યા પછી –
તે (ઘડો) માટી માં પાછો ભળી શકતો નથી,તેમ –સર્વ આત્માઓ –પરમાત્માના જ અંશ હોવાં છતાં,
માયાના યોગે “જીવ”પણું પામવાથી,“હું” અને  “મારું” એવા ભ્રમ (ભ્રાંતિ) માં –વિષયાંધ બની જાય છે. 
અને પછી તે -પરમાત્મા માં ભળી શકતા નથી-કે-
સર્વ ગુણો (સત્વ-રજસ-તમસ)થી પર એવા પરમાત્માને ઓળખી પણ શક્તા નથી (૧૩)

આ ત્રિગુણાત્મક (ત્રણ ગુણો વાળી-(સત્વ-રજસ-તમસ) માયા રૂપી નદી –
એટલી વિશાળ અને ધસમસતા પ્રવાહવાળી છે કે-તેને તરી જવી એ –બહુ જ મુશ્કેલ કામ છે.
પણ જેઓ પરમાત્માને (આત્માને) શરણે જાય છે-તેઓ જ આ નદીને વિના અવરોધે તરી જાય છે .(૧૪)

આ માયાથી જીવમાં વિકાર વાસનાઓ (કામ-ક્રોધ-લોભ-વગેરે) નુ આગમન થાય છે, અને
જીવનુ “જ્ઞાન”  (આત્મ-પરમાત્મ જ્ઞાન) નષ્ટ થાય છે,આસુરી પ્રકૃતિ (માયા) નો આશ્રય (આશરો) લેવાથી
એ પાપી,નરાધમ,મૂર્ખ જીવ –પરમાત્માને શરણે જવાનું ભૂલી જાય છે.(પરમાત્માને શરણે જતો નથી).

અને જે થોડા જીવો પરમાત્મા ને શરણે જાય છે-તે ચાર પ્રકારના હોય છે.
(૧) આર્ત-જે જીવ દુઃખના નિવારણ માટે કરુણાભાવથી –ઈશ્વરને યાદ કરે તે-જેમકે-ગજરાજ-દ્રૌપદી વગેરે
(૨) જિજ્ઞાસુ-જે જીવ રાત-દિવસ પ્રભુને શોધવામાં મચેલા રહે છે તે- જેમકે-ઋષિ,મુનિઓ-પરીક્ષિત વગેરે
(૩) અર્થાર્થી- જે જીવ સર્વ સુખો અને સંસારિક પદાર્થો માટે –ઈશ્વરને ભજે છે તે-જેમ કે ધ્રુવ-વિભીષણ વગેરે
(૪) જ્ઞાની-જે જીવ કોઈ વસ્તુની ઈચ્છા વગર-પ્રભુનું ભજન એક ફરજ છે એમ સમજી-રાતદિવસ
     પ્રભુ ભજનમાં લીન રહે છે તે-જેમ કે સનતકુમાર-નારદ અને અન્ય ભક્તો-

શ્રીકૃષ્ણ કહે છે-કે-
“આ ચાર પ્રકારના લોકોમાં જે “જ્ઞાની” નિરંતર મારામાં રત રહી (પરમાત્મા-મય બની), એકનિષ્ઠાથી મારી
(પરમાત્માની) ભક્તિ કરે છે-તે શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને-માત્ર- હું જ અત્યંત પ્રિય છું  અને તે જ્ઞાની –ભક્ત
મને પણ અત્યંત પ્રિય છે..(૧૫-૧૬-૧૭)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
      PREVIOUS PAGE
        NEXT PAGE
      INDEX PAGE