Feb 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૩-અધ્યાય-૬-આત્મસંયમ યોગ

અધ્યાય-૬-આત્મસંયમ યોગ
જેવી રીતે,
-પાણીને જુદા જુદા પાત્રોમાં ભરવાથી પાણીમાં ભેદ (ફરક) થતો નથી,
-કે જુદા જુદા માર્ગોથી એક જ સ્થળે પહોંચાય છે,
તેવી રીતે “બ્રહ્મ દૃષ્ટિ”થી જોતાં-યોગ અને સંન્યાસમાં ભેદ (ફરક) નથી.


(૧) જે મનુષ્ય  કર્મો કરીને તેનાં ફળની ઈચ્છા રાખતો નથી,ફળ પર અધિકાર રાખતો નથી-તે યોગી છે.
(૨) જે મનુષ્ય સ્થિતિ-અને પ્રકૃતિને અનુરૂપ –જે જે કર્મ કરવાનો પ્રસંગ જે જે કાળે આવે –તે સર્વ-કરવા   
     છતાં પોતાના માં કર્તાપણાની (હું કરું છું તેવું) બુદ્ધિ ઉત્પન્ન થવા દેતો નથી-અને પોતાના ચિત્તને
     કદી પણ –ફળની આશા તરફ વળવા જ દેતો નથી-તે સન્યાસી છે.

જે સંન્યાસના નામે ઓળખાય છે-તે યોગ જ છે.કારણ કે-
“સંકલ્પ” નો સંન્યાસ (ત્યાગ) વિના કોઈથી પણ “યોગી” થઇ શકાતું જ નથી.(૧-૨)

માત્ર સમજવા માટે –જ –આ વાત ઉદાહરણથી સમજીએ.
કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં “કેરી ખાવાના અને વધુ કેરીઓ આવે તો વેચીને તેમાંથી પૈસા કમાવાના “
“સંકલ્પ” થી-આંબાના ઝાડ વાવે છે.
અહીં તે ફળની ઈચ્છા થી કર્મ કરે છે-અહીં ફળનો સંકલ્પ છે-માટે આ કર્મને યોગ કહી શકાય નહિ.
પણ તે જ આંબા–તે વ્યક્તિ સાર્વજનિક જગ્યા ઉપર ઉગાડે અને તેનું જતન –કરે-તો તે યોગ છે.
કારણ કે અહીં ફળ આવશે તેના પર તે પોતાનો અધિકાર રાખતો નથી. તેનો ફળ માટે કોઈ સંકલ્પ નથી.

હવે જે પૃથ્વી પર આંબા ઉગાડવામાં આવે છે-તે પૃથ્વી-નાના બીજમાંથી મોટું ઝાડ બનાવે છે-
પણ તેનામાં હું –આ બીજને ઝાડ બનાવું છું-તેવો અહંકાર નથી,કે ફળની ઈચ્છા પણ નથી-
એટલે તે પૃથ્વીને અહીં સંન્યાસી કહી શકાય !!

અધ્યાત્મમાર્ગમાં (ધ્યાન)-યોગ પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા હોય, તેને અમુક કર્મોનું આચરણ –એ –
સાધન છે- અને આ કર્મોને “સાધના” એમ પણ કહી શકાય.(યમ-નિયમ-પ્રાણાયામ-પ્રત્યાહાર વગેરે)

બીજી રીતે કહીએ તો- એમ પણ કહી શકાય કે-
“યોગ” ને જો પર્વતના શિખરની (સાધ્ય-જે પ્રાપ્ત કરવાનું છે-તે) ઉપમા આપીએ તો-
આ સાધ્ય સુધી પહોંચવા માટે કોઈ સાધન (કર્મ અથવા સાધના) તો કરવું જ પડે છે.
પણ પર્વતના શિખર  (ટોચ) સુધી પહોંચી ગયા પછી-
એટલે કે સાધન અને સાધ્ય બંને એક થઇ ગયા પછી-સાધન (કર્મ)ની જરૂરિયાત સમાપ્ત થાય છે.
કર્મની “નિવૃત્તિ” થાય છે. “બ્રહ્મ” સાથે એકતા થવાથી આગળ વધવાની પ્રવૃત્તિ પૂરી થાય છે.
“આત્મા” અને “પરમાત્મા”નું ઐક્ય થવાથી “સમાધિ”  નો લાભ થાય છે.
અને ત્યારે આવો મનુષ્ય એ “યોગારૂઢ” નામથી ઓળખાય છે. (પૂર્ણતા પામે છે-મુક્ત બને છે)

આવું જેને “આત્મજ્ઞાન” પ્રાપ્ત થયું હોય તેને કોઈ દ્વંદ (સુખ-દુઃખ-વગેરે) અસર કરી શકતા નથી,
ઇન્દ્રિયો  (મુખ-વગેરે)  કદાચ કર્મ કરવામાં પ્રવૃત્ત થાય તો પણ વિષયો (સ્વાદ-વગેરે) ની અસર
તેમના પર થતી નથી. શરીર હાલતું ચાલતું અને ક્રિયાઓ-કર્મો કરતુ હોય (જાગ્રત હોય) –તો પણ-
આવો મનુષ્ય –સુતેલાની સ્થિતિ જેવો (સુતેલો હોય તેવો) ઉદાસીન દેખાય છે.(૩-૪)

આત્મા અને પરમાત્માની આવી મિલનની સ્થિતિથી અદ્વૈત (એક) સિદ્ધ થાય છે.
અને આવી સ્થિતિ “આત્મા” થી જ પ્રાપ્ત થઇ શકે છે.
આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર થઇ શકે છે.

ભ્રમણાઓ-સંશયો અને અજ્ઞાનથી ભરપૂર સૂતેલો મનુષ્ય-પોતાની નિંદ્રામાં જન્મ-મરણના સ્વપ્નાં
જોતો હોય છે-પણ જયારે અકસ્માત જાગી જાય છે-ત્યારે તે બધાં સ્વપ્નો તેને ખોટાં લાગે છે,અને
ત્યારે “હું નિત્ય ચેતન છું” એવો નિશ્ચય થાય છે.
અને આ નિશ્ચય પણ તેને પોતાની મેળે જ (પોતાના આત્માથી જ) થાય છે.

આમ જીવિત અવસ્થા (સ્વપ્ન પૂરું થાય પછીની જાગ્રત અવસ્થા) અને
મૃત અવસ્થા (સ્વપ્નામાં ની અવસ્થા)- એ બંનેનો આધાર –તે મનુષ્યના પોતાના પર જ છે.

દેહ (શરીર) કે જે સત્ય નથી- તેનો વિશ્વાસ રાખી-માનવ જયારે –શરીરનું અભિમાન રાખે છે (અહમ)
-ત્યારે-તે તે પોતાનો જ ઘાત (વધ) કરે છે. પરંતુ-જયારે-
અભિમાન (અહમ) જાય છે ત્યારે જ ભાન થાય કે “હું શરીર નહિ પણ હું ચૈતન્ય –આત્મા છું”

મનુષ્યે આ રીતે –પોતાના આત્મા થી જ તે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ,એણે હલકો પાડવો જોઈએ નહિ,
કારણકે આત્મા જ આત્માનો મિત્ર અને આત્મા જ આત્માનો શત્રુ છે.(૫)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  

     PREVIOUS PAGE    
      NEXT PAGE     
       INDEX PAGE